ઉધોગ ક્ષેત્રની સાથે બાંધકામ ક્ષેત્ર કદમથી કદમ મિલાવીને રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
અમદાવાદ શહેરમાં આયોજીત NAREDCO કોન્કલેવ-2021 માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ
વર્ષ ૨૦૨૨ની વાઇબ્રન્ટ સમિટમાં મહત્તમ એમ.ઓ.યુ(MOU) થાય તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ પણ આ કોન્કલેવમાં સહભાગી બન્યા
………………………..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate Development council) કોન્કલેવ-૨૦૨૧ ના ઉદબોધનમાં વ્યક્ત કરી હતી.
NAREDCO કોન્કલેવ-૨૦૨૧ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને આર્થિક ઉપાર્જનની સાથે જનકલ્યાણના પણ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.
દેશમાં કૃષિક્ષેત્ર પછી ઉધોગ અને બાંધકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાનું જણાવી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સાહસિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત સરકારે અનેકવિધ પગલાં હાથ ધર્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં બેરોજગારી દર ખૂબ જ નીચો રહ્યો હોવાનું તેમણે કહ્યું હતુ.
મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે,દેશના વિકાસમાં ઉધોગ ક્ષેત્રની સાથોસાથ બાંધકામ ક્ષેત્ર પણ કદમ થી કદમ મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પ્રસંગે તેમણે પ્રજાના મૂંઝવતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીને તેના સત્વરે નિકાલ કરવા આ કોન્કલેવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ શકે છે તેમ જણાવ્યું હતું.
સરકારની નીતી નિયમો મુજબ કાર્ય કરે છે પ્રજાને મૂંઝવતા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઝડપી નિરાકરણ માટે નીતિ નિયમ બદલાવ કરવાની જવાબદારી સરકારની છે જે દિશામાં અમારી સરકાર પ્રયત્નશીલ છે તેમ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ હતુ.
ગુજરાતમાં રેરાનો કાયદો આવ્યા બાદ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા વધી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના જરૂરિયાત મંદ નાગરિકોને ઘરનું ઘર આપવાના સ્વપ્નને રાજ્યનું બાંધકામ ક્ષેત્ર શ્રેષ્ઠપણે ચરિતાર્થ કરી રહ્યું છે.
આ કોન્કલેવમાં મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજા દ્વારા ઉધરાવવામાં આવતુ મહેસુલ રાજ્યને સમૃદ્ધ બનાવવા અતિ મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા માટે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દરેક વ્યવસાય દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
મંત્રી શ્રી એ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, પ્રજાલક્ષી સરકારી સેવાઓનું ડિજીટલીકરણ કરીને વહીવટી પારદર્શિતામાં ઉતરોતર વધારો કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે લાગણીશીલ સરકાર સતત પ્રયત્નશીલ અને ચિંતિત હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
રાજ્યની પ્રજાની સરકારે સેવાઓથી લાભાન્વિત કરવા વર્તમાન સરકાર દ્વારા અનેક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યા છે તેમ મંત્રી શ્રી એ જણાવ્યુ હતુ.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, બાંધકામ ક્ષેત્ર વિકસિત અવસ્થામાં છે જેણે સુર્વણકાળ ગણી શકાય. દેશમાં નાગરિકોને રોજગારી આપવામાં ઉધોગ અને બાંધકામ ક્ષેત્રનો સિંહફાળો રહેલો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને રોકાણ અને સાહસ માટે સાનૂકુળ વાતાવરણ પૂરુ પાડતા આજે રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રવૃતિઓએ વેગ પકડ્યો છે.
NAREDCO ના હોદ્દાની રૂએ ચીફ પેટ્રોન એટલે કે મુખ્ય આશ્રયદતા એવા મુખ્યમંત્રી શ્રી ના હસ્તે “ફાયનાન્સ ફેસીલીટેશન સેન્ટર”નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, NAREDCO રીયલ એસ્ટેટ ડેવલોપર્સને, સરકાર અને નાગરિકોને સંકલિત કરતુ સાહસ છે.
આ કોન્કલેવમાં અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, સચિવ શ્રી ઓ , NAREDCO ના સ્થાનિક તેમજ રાષ્ટ્રીય હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat