Latest News

12 CNG city bus services starts on 9 routes in Bharuch under ‘CM Urban Bus Service’

વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

*****

ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોને ઝીલવા માટે પ્રતિબદ્ધ : મુખ્યંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

*****

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૩૦ નગરોરર વર્ગની નગરપાલિકાઓમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો અભિગમ

-: મુખ્યમંત્રીશ્રી :-

  • કોરોના સંક્રમણકાળમાં રાજ્ય સરકારે વિકાસની ગતિ મંદ પડવા દીઘી નથી
  • કોરાનાકાળમાં અંદાજિત રૂ. 30,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત
  • ભરૂચ ઐતિહાસિક વારસો ધરાવતું અને માં નર્મદાના કાંઠે વસેલું પ્રાચીન શહેર
  • ભરૂચમાં સી.એન.જી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે આરામદાયક મુસાફરી પ્રાપ્ત થશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે.

મુખ્યમંત્રીશ્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું.              મુખ્યંત્રીશ્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમગ્ર ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ ભરૂચ અને અંકલેશ્વરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હતાં. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજનો વિકાસ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો છે.LNG  ટર્મિનલ, GNFC સહિત કેમિકલ કંપનીઓના વિકાસ દ્વારા આધુનિક શહેરનો ઓપ આપ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આના પરિણામે ભરૂચમાં રોજગારી વૃદ્ધિ થવાથી અનેક લોકો આવીને વસ્યા છે તેમના માટે આ શહેરી બસ સેવા યાતાયાત  માધ્યમ બનશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ગુજરાત સરકારે ભારત સરકારના સહયોગથી આ યોજના બનાવી છે. નગરપાલિકાઓમાં આ બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ૫૦ ટકા નાણાકીય સહયોગ પૂરો પાડી રહી છે, બીજા ૫૦ ટકા ખર્ચ નગરપાલિકાઓ પોતે વહન કરવાનો હોય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૨૨ નગરપાલિકાઓ સહિત કુલ 30 શહેરોમાં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા’ ના અભિગમમાં હવે ભરૂચ શહેરનો તેમાં ઉમેરો થયો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

ભરૂચમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવા માટે ભાર આપી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યુ હતું.

ભરૂચમાં સી.એન.જી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે આરામદાયક મુસાફરી પ્રાપ્ત થશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની બસ સુવિધા શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના સંક્રમણકાળમાં રાજ્ય સરકારે વિકાસની ગતિ મંદ પડવા દીઘી નથી. કોરાનાકાળમાં અંદાજિત રૂ. 30,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં સફળતાં હાંસલ કરી છે. જો સંભિવત કોરોનાની ત્રીજી લહેર આવે તેના માટે ગુજરાત સજ્જ છે. કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

સો ટકા વેક્સિનેશના લક્ષ્યાંકને પાર પાડવા માટે અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ  જણાવ્યું કે, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. ગુજરાતના તમામ જિલ્લાના ૧૮ થી ૪૪ વર્ષ સુધીના નાગરિકોને વિનામુલ્યે વેક્સિન ઝડપથી મળે તેનો પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે.  આ ઉપરાંત ૪૫ કે તેથી વધુ વયના નાગરિકોને કોરોનાની રસીના બંન્ને ડોઝ ઝડપથી આપી દેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારૂતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન, કારોબારી ચેરમેનશ્રી નરેશભાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનશ્રી ચેતનભાઈ તથા જિલ્લા કલેકટર શ્રી મોડીયા, કાઉન્સિલર્સ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat