મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની માછીમારો પ્રત્યેની સંવેદનશીલતાને ગુજરાતના સાગરપુત્રોએ બિરદાવી
માછીમારોની લાગણી અને માંગણી સંતોષાય તે પ્રકારનું તાઉતે રાહત પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે
રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડા દરમિયાન સ્થળાંતર અને આપદા પ્રબંધનની કરેલી આગોતરી કામગીરીથી મોટી જાનહાનિ ટાળી
તાજેતરના તાઉતે વાવાઝોડાથી વ્યાપક અસર પામેલા સાગરખેડૂ-માછીમારો માટે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર ૧૦૫ કરોડ રૂપિયાનું માતબર રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીની સાગરખેડૂ પરિવારો પ્રત્યેની આ સંવેદના અને પેકેજના ત્વરિત અમલ અંગે રાજ્યભરના સાગરપૂત્રો-માછીમારોએ ગાંધીનગરમાં શ્રી વિજયભાઇ રૂપાણીનું બહુમાન-અભિવાદન કર્યું હતું.
રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમવાર માછીમાર- સાગરખેડૂ માટે આવા રૂ. ૧૦૫ કરોડના માતબર રાહત પેકેજ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સાગરખેડૂ બાંધવોએ સોમવારે ગાંધીનગર ખાતે અભિવાદન-બહુમાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની માછીમારો પ્રત્યેની સંવેદનશીલતાને ગુજરાતના સાગરપુત્રોએ બિરદાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાગરખેડૂઓના સન્માનનો પ્રતિભાવ આપી તેમની સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું કે, વાવાઝોડા જેવી આપત્તિના સમયે સાગરખેડૂઓની સલામતી સુનિશ્ચિત કરવી અને અસરગ્રસ્તોને રાહત સહાય આપવી તે રાજ્ય સરકારની ફરજ છે. સરકારે વિવિધ વિભાગોને સાંકળી આ તાઉતે વાવાઝોડા દરમિયાન સ્થળાંતર અને આપદા પ્રબંધનની આગોતરી કામગીરીથી મોટી જાનહાનિ ટાળી શકાઇ છે અને નુકશાન પણ અટક્યું છે.
તેમણે ઉમેર્યું કે, માછીમારોની લાગણી અને માંગણી સંતોષાય તે પ્રકારનું તાઉતે રાહત પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. નવી બોટ માટે સબસીડી પણ આપવામાં આવી છે. ગુજરાતના સાગરખેડુઓના નાના-મોટા તમામ પ્રશ્નો હલ કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તેમણે વધુમાં કહ્યું કે, તાઉતે અસરગ્રસ્તોની માહિતી મેળવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બીજા જ દિવસે ગુજરાત આવ્યા હતા. એટલુ જ નહીં મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ જાફરાબાદ, ઉના, રાજુલા જેવા વિસ્તારોની મુલાકાત લઇ માછીમારોની વિપદામાં સહભાગી થઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
માછીમાર અગ્રણીઓ, સાગરખેડૂઓ, બોટ એશોસિએશન સૌની રજુઆતો સાંભળવા મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી, કમિશનરશ્રીએ પણ તાઉતેગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને માતબર પેકેજ આ બધી જ બાબતોના સર્વગ્રાહી પાસાંઓ ધ્યાનમાં લઇને જાહેર કરેલું છે.
તેમણે કહ્યું કે, સાગરખેડૂના કલ્યાણ માટેની યોજનાઓ અમલી બનાવવી, દરિયાકાંઠાના ગામોના વિકાસ કામો હાથ ધરવા, નવા બંદરો વિકસાવવા અને નવી જેટી બાંધવી જેવા કાર્યો થકી રાજ્ય સરકારે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોની હંમેશા દરકાર કરી છે.
અખિલ ભારતીય ફિશરમેન એશોસિએશન, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી વેલજી ભાઈએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે, રાજ્ય સરકારની સમયસુચકતાને પરિણામે ૩૦૦૦ માછીમારો તાઉતે વાવાઝોડા પૂર્વે સાગરકીનારે હેમખેમ પરત ફર્યા હતા. સરકારની આયોજનબદ્ધ કામગીરીથી માત્ર એક જ મહિનામાં તમામ અસરગ્રસ્ત માછીમારોને સહાય ચુકવાઇ છે.
તેમણે ઉમેર્યું કે, તાઉતે વવઝોડા પૂર્વે અને બાદની રાજ્ય સરકારની કામગીરીથી ગુજરાતના માછીમારો- સાગરપુત્રોને પ્રતીત થયું કે તેમની કાળજી લેનારું – ચિંતા કરનારું ગાંધીનગરમાં બેઠા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના સાગરખેડૂઓ આજે એ બદલ મુખ્યમંત્રીશ્રીનો રૂબરૂ આભાર માનવા આવ્યા છે.
અખિલ ભારતીય ફિશરમેન એશોસિએશન, ગુજરાત પ્રાંતના હોદ્દેદારોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય ફિશરમેન એશોસિએશન, ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી તુલસીભાઇ ગોહેલ, જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાય સોલંકી, ઓખા માછીમાર સમાજના શ્રી મોહનભાઈ બારાય, ઓખા બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ મોરી, નવાબંદર બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઈ, વેરાવળ કોળી સમાજના પ્રમુખ શ્રી વસરામભાઈ સોલંકી અને વેરાવળ ખારવા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ ડાલકી સહિત સાગરખેડૂ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Source: Information Department, Gujarat