Latest News

Flagging-off of eight trains connecting Statue of Unity and inauguration of Dabhoi-Chandod-Kevadiya rail line projects by PM Shri Narendrabhai Modi

  રાજપીપલા, રવિવાર:-સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યો છે. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાનશ્રીએ આજે વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે ૮ નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો છે. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન – કેવડીયા એક્ષપ્રેસ, દાદર – કેવડીયા એક્ષપ્રેસ , અમદાવાદ – કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન – કેવડીયા એક્ષપ્રેસ, રીવા – કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ – કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર – કેવડીયા મેમુ તથા કેવડીયા – પ્રતાપનગર મેમુ એમ કુલ -૮ ટ્રેનોનો આજથી શુભારંભ થયો છે.

  આ પ્રસંગે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી/પદ્મભૂષણ/ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાશ્રીઓ, કલા- સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો – યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સ, પ્રિન્ટ – ઈલેક્ટ્રોનિક મિડીયાના અગ્રગણ્ય વ્યક્તિઓએ આ ટ્રેનમાં ખાસ મહાનુભાવોએ પ્રવાસ કર્યો હતો.

  કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં ૧૧ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. બંને ટ્રેન (અમદાવાદ – કેવડીયા – અમદાવાદ તથા વડોદરા – કેવડીયા – વડોદરા) માં રાષ્ટ્રીય એકતા તથા એક ભારત શ્રેષ્ઠ ભારત ના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું.

  આજથી શરૂ થયેલી આ ટ્રેનમાં અલગ અલગ કોચમાં Unity in Dress Diversity, Unity in Dance Diversity, Unity in Musical Diversity, Unity in Cultural Diversity અને Unity in Religious Diversity જેવા વિષયો આધારિત થીમ નિયત કરાઈ હતી. સરદાર સાહેબે કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી વેશભૂષામાં પ્રવાસ કર્યો હતો.

  બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેવડીયા સ્ટેશન પર પ્રવાસીઓનું પરંપરાગત સ્વાગત કર્યા બાદ પ્રવાસીઓને ખાસ બસો મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જંગલ સફારી તેમજ એકતા નર્સરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસી સાધુ – સંતોને શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. કેવડીયા ખાતે રેલવે સ્ટેશનનો શુભારંભ થતા અને નવી બ્રોડગેજ લાઈનથી જુદીજુદી ૮ ટ્રેનો શરૂ થતા આ આંતરરાષ્ટ્રિય સ્તરના પ્રવાસન કેન્દ્રનો સમાવેશ ભારતીય રેલવેના નકશા ઉપર થશે. જેના પરિણામે દેશના વિવિધ રાજયોમાંથી કેવડીયા આવતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સુગમ બનશે. રેલવે નેટવર્કથી જોડાણ થતા સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધશે તેમજ સામાજિક – આર્થિક વિકાસ થકી આ સમગ્ર વિસ્તારની કાયાપલટ માટે માર્ગ ખુલશે.

  Source: Information Department, Gujarat