મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડીમાં મળેલી સફળતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ ૨૦૧૮થી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત અપનાવ્યો છે.
આ વર્ષે સતત ત્રીજા વર્ષે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સુજલામ સુફલામ જળ અભિયાને કોરોના વાયરસના સંક્રમણના વિપરિત સંજોગો હોવા છતા પણ જ્વલંત સફળતા મેળવી છે.
મુખ્યમંત્રીશ્રી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડી વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે ૨૦ એપ્રિલથી ૧૦ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.
એટલું જ નહીં, અગાઉના બે વર્ષના એટલે કે ૨૦૧૮ અને ૨૦૧૯ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષે અભિયાન કરતા પણ આ વર્ષની કામગીરી વધારે છે
આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની તા. ૧૦ જૂને પૂર્ણ થયેલી ત્રીજી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે.
આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી, કેમ કે કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું.
આ સ્થિતિમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન ધપાવી વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિનો મહિમા કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર તંત્રને પ્રેરિત કર્યું છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે જળસંપત્તી, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રએ આ કોવિડ-૧૯ની આફતને અવસરમાં બદલવાનો પડકાર ઝીલી લીધો.
કોવિડ-૧૯ની મહામારીના આ સમયમાં લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
કોવિડ-૧૯ની મહામારી સામે લોકડાઉનની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૯ લાખ માનવદિન રોજગારી નિર્માણનું કાર્ય કર્યું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે.
રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦,૬૨૮ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. જેમાં આ વર્ષે વિપરિત સંજોગોમાં પણ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જ્વલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.૨૦ એપ્રિલથી તા.૧૦ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજુ સંસ્કરણ શરૂ કરાવ્યું હતું.
ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સહિતના શ્રમિકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્ષમતા વધારવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પૂન: શરૂ કરવા તંત્રને પ્રેરિત કર્યું અને આ કામોમાં ગતિ આવી હતી.
રાજ્યમાં ૨૦ એપ્રિલથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૦ જૂન સુધી ૧૦,૭૦૩ કામો પૂર્ણ થયા છે.
અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૪,૧૯૨ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૨,૩૧૭ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૨,૧૯૦ કિ.મી.લંબાઇમાં નહેરોની સફાઇ અને ૧,૮૬૦ કિ.મી.લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવી તેમજ કુલ ૧૭,૦૭૫ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.
આ કામગીરીમાં એક જ દિવસમાં સૌથી વધુ મહત્તમ ૨,૮૧૭ જે.સી.બી.મશીન અને ૧૩,૩૩૦ ટ્રેક્ટર ડમ્પરને મળીને કુલ ૧૬,૧૪૭ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી અભિયાનને લોકોનો ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો ને એમાં સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.
વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યભરમાં ૧૬,૪૭૧ તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે ૮,૦૯૨ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને ૨,૨૨૬ ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૪૦,૬૨૮ લાખ ઘનફૂટનો વધારો થયો છે.
આ અભિયાનના ત્રણ વર્ષ દરમ્યાન એટલે કે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષો દરમિયાન મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા.
તમામ જિલ્લાઓમાં ૪૧,૧૧૯ કામો પૂર્ણ કરી દેવાયા છે. ૩૮,૧૫૦ કિ.મી.લંબાઇમાં નહેરોની સાફ-સફાઇ, ૫,૧૮૧ કિ.મી.લંબાઇમાં કાંસની સફાઇ સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં ૧૨૯ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે.
આ તમામ કામગીરી માટે એક જ દિવસમાં મહત્તમ ૪,૬૬૯ જેટલા એક્ષકેવેટર, ૧૫,૨૮૦ ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી. આ અભિયાન માટે જનભાગીદારી થકી રૂ. ૧૩૮ કરોડ જેટલી રકમની કામગીરીનો ભંડોળનો સહયોગ પણ રાજ્ય સરકારને મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વનતળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇ જેવા કામો હાથ ધરાયા હતા.
નાગરિકો-ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે આ અભિયાન માનવીય સંવેદનાથી હાથ ધર્યુ હતું. જેને સૌ નાગરિકોએ ઉન્માદપૂર્વક વધાવી લીધુ છે જેના પરિણામે જ આ અપ્રતિમ સફળતા મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરીને સફળતાથી પાર પાડનારા સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.
Source: Information Department, Gujarat