Latest News

Guj CM participates in Global Renewable Energy Investors’ Meet and Expo organised by Ministry of Renewable Energy

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત ૧૩ ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

  તેમણે જણાવ્યું કે, રાજ્યની કુલ ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ૩૭ ટકા ફાળો એટલે કે ૧૧ ગીગાવોટ ઉત્પાદન છે.

  મુખ્યમંત્રીશ્રીએ દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે તેની સરાહના કરી હતી.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ મીટમાં સંબોધન કરતાં એમ પણ જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી ૮૯,ર૩૦ મેગાવોટ છે તેની સામે ગુજરાતે ૧૧,ર૬૪ મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે.

  શ્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.

  સૌર ઊર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે તો સાથોસાથ નાગરિકો-લોકોને પણ સ્વચ્છ ઊર્જા ગ્રીન કલીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે ૧ લાખ ૭૦ હજાર રહેણાંક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્શીયલ રૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’નો ૬પ હજાર લાભાર્થીઓને આપીને ૧૯૦ કરોડ રૂપિયાની સબસિડી આપી છે.

  તેમણે કહ્યું કે, ગુજરાત હંમેશા ચુનૌતીઓના સમાધાનથી પ્રગતિનો પથ કંડારનારૂં રાજ્ય રહ્યું છે. રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાં પણ જનભાગીદારી જોડવા સાથે સરળ નીતિઓથી આ એનર્જીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ઉત્પાદન એકમોને પણ પ્રોત્સાહન આપીને બેય માટે લાભકર્તા સ્થિતી ઊભી કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૦૧૦માં જ્યારે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ ‘‘વન સન, વન વર્લ્ડ વન ગ્રીડ’’નો માર્ગ વિશ્વને ચીંધી રહ્યું છે.

  આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પણ સૂર્યશકિતની ઊર્જા મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરીને ખેતીવાડી અને બિનપરંપરાગત ઊર્જાનો સહયોગ કર્યો છે તેની ભૂમિકા આપી હતી.

  આ યોજના અન્વયે રાજ્યના કિસાનો તેમના ખેતરમાં ઉત્પન્ન થતી સૌર ઊર્જાથી ખેતીવાડી કરે તેવો ઉદેશ્ય રાખ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો કે આના પરિણામે રાજ્યની કૃષિને હરિતક્રાંતિની નવી પરિભાષા મળશે તથા ખેતીવાડી સંપૂર્ણ પ્રદૂષણમુકત બનશે.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દરેક ઘરમાં રીન્યુએબલ એનર્જી અપનાવવાનું સપનું જોયું હતું.

  આજે એમના માર્ગદર્શનમાં ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટરને એક નવી દિશા મળી છે. રિન્યુએબલ એનર્જી સેકટરના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરને પરિણામે ર૦૩૦ સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં ૬પ થી વધુ ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઇ શકશે. એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

  રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એકસપોની આ ત્રીજી આવૃત્તિમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ત્રિપુરાના મુખ્યમંત્રીશ્રીઓ તેમજ લદાખના લેફટનન્ટ ગર્વનર વગેરેએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇને પોતાના રાજ્યોમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે થયેલી વિવિધ કામગીરીની છણાવટ કરી હતી.

  ૧૦૦ જેટલી કંપનીઓ દ્વારા તેમની ટેકનોલોજીનું પ્રદર્શન આ વર્ચ્યુઅલ સમિટમાં કરવામાં આવ્યું છે તેમજ વિવિધ દેશો-પ્રદેશોના પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી, સાયન્ટીસ્ટ અને ઇન્વેસ્ટર્સ સહિત રપ હજારથી વધુ લોકો વર્ચ્યુઅલ સહભાગી થયેલા છે.

  મુખ્યમંત્રીશ્રીએ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે સૌર ઊર્જાની શકિતનો અહેવાલ કરાવી શકે તેમ છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં ગુજરાતને આ ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપનારા રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી હતી.

  આ અવસરે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સૂનયના તોમર તેમજ ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શાહમીના હૂસૈન વગેરે મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

  કેન્દ્રીય મંત્રી શ્રી આર. કે. સિંઘે પ્રારંભમાં આ મીટનો ઉદેશ્ય સ્પષ્ટ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ આપેલા વિઝનને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.

  સી.આઇ.આઇ.ના ડિરેકટર જનરલ શ્રી ચંદ્રજિત બેનરજીએ સત્રનું સંચાલન કર્યુ હતું.

  Source: Information Department, Gujarat