Latest News

GoG inks 16more MoUs ahead of VGGS-2022

  અત્યાર સુધીમાં ૮૦ જેટલા MOU પાંચમી કડીમાં ૧૬ MOU સાથે કુલ-૯૬ MOU થયા

  વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને વાયરસ-બેક્ટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન માટેના સહિત વેસ્ટ-ટુ એનર્જી અને વેસ્ટ ટુ ઓઇલ પ્લાન્ટ સહિત વિવિધ MOU કરાયા

  વનબંધુ વિસ્તાર નર્મદા-સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં આદિજાતિ યુવાઓ માટે રોજગાર અવસર પૂરા પાડનારી તાજ ગૃપની હોટલ્સ નિર્માણના MOU સંપન્ન

  ……

  આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૧૦ થી ૧ર ર૦૨ર દરમ્યાન યોજાવાનું છે.

  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ર૦૦૩થી શરૂ થયેલી આ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

  વાયબ્રન્ટ સમિટની આગામી ૧૦મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.

  આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે પાંચમી કડીમાં ૧૬ MOUs સંપન્ન થયા હતા.

  મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.

  આ સૂચિત રોકાણો માટેના જે MOU થયા છે તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રીત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના MOU મુખ્યત્વે રહ્યા છે.

  વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના MOU પણ આ સોમવારે કરવામાં આવ્યા છે.

  આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહિ, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે.

  સોમવાર તા.ર૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ MOUની પાંચમી કડીમાં આ ઉપરાંત ૭૦ મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્સ માટે MOU થયા હતા.

  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં ૮૦ MOU થયા છે.

  આ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ ૧૬ MOU મળી સમગ્રતયા ૯૬ જેટલા MOU પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ ગયા છે.

  MOU એક્સચેન્જની આ પાંચમી કડીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ તથા MOU કરનારા ઉદ્યોગકારો, રોકાણકારો સહભાગી થયા હતા.

  Source: Information Department, Gujarat