પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આણંદની સાંસ્કૃતિક વિરાસતના દર્શન કરાવતો કાર્યક્રમ યોજાયો
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આણંદના શાસ્ત્રી મેદાન ખાતે રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીજી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અણમોલ આણંદની અસ્મિતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગવી સાંસ્કૃતિક વિરાસત તેમજ અસ્મિતાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો ૧૮૦ જેટલા યુવા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આણંદ શહેર-જિલ્લાની વિશિષ્ટ ૧૦ વ્યકતિઓનું શાલ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે આંતરરાષ્ટ્રિય શુટર લજજા ગોસ્વામી, ક્રિકેટનો ઉદિતમાન સિતારો રણજી ખેલાડી સમિત ગોહિલ, એવરેસ્ટ પર્વતારોહક ચેતના રાણા, કૃપાલી પટેલ (જિમ્નાસ્ટીક), અંજલિ પટેલ (તરણ), શ્રી આર.એસ.સોઢી (ડેરી ઉદ્યોગ), શ્રી સર્વદમન પટેલ (ઓર્ગેનિક ખેતી), ડો.ભરત પટેલ (કૃષિ), રાજવી બેન્કર (કલા-નૃત્ય) તથા આશાબેન દલાલનું સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ શાલ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિન્હ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
Source: Information Department, Gujarat