મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ જિલ્લાના પૌરાણિક મહત્વ ધરાવતા ખંભાત ખાતે રાજય સરકારના વિકાસલક્ષી અનુદાનોની મદદથી ખંભાત નગરપાલિકાએ રૂા. ૧૫.૭૮ કરોડના ખર્ચે સાકાર કરેલા બહુધવિધ વિકાસકામોનું લોકાર્પણ અને નવઆયોજિત વિકાસકામોના ખાતમુહૂર્ત કર્યા હતાં જેના પગલે નવરાત્રિનું પર્વ આ નગર માટે વિકાસપર્વ બની ગયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ખંભાતના ધારાસભ્યશ્રીના સૂચનનો સકારાત્મક રીતે પ્રતિભાવ આપતાં, યુવા સમુદાય માટે ઘરઆંગણે રોજગારીની તકોના સર્જન માટે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સુવિધા આપવાની જાહેરાત કરી હતી.
ખંભાત નગરપાલિકા નાણાંની ચિંતા કર્યા વગર લોક સુવિધાના કામોનું આયોજન કરે, નાણાં સરકાર આપશે એવો સધિયારો આપવાની સાથે મુખ્યમંત્રી તરીકે ખંભાતની પ્રથમ મુલાકાતની તક વિકાસ પર્વના નિમિત્તે મળી તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.
તેમણે સુખાકારીના વિવિધ કામોના સફળ અમલીકરણ માટે ખંભાત નગરપાલિકાના તંત્રવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રથમ જનસંઘ અને તે પછી ભારતીય જનતા પક્ષમાં અટલ વિશ્વાસ મૂકવા માટે તેમણે ખંભાતના નગરજનોનો સધન્યવાદ ઋણ સ્વીકાર કર્યો હતો.
ભ્રષ્ટાચાર આચારનારા કોઇને અમે છોડવા માંગતા નથી, એન્ટિ-કરપ્શન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચાર રોકવા માટે કાયદાઓ કડક બનાવવાની સાથે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે દશેરા બાદ રાજયના તમામ જિલ્લા કલેકટરઓની કચેરીઓમાં અત્યંત પારદર્શક ઓનલાઇન એન.એ.ની સુવિધા કાર્યરત કરવાની નેમ તેમણે દર્શાવી હતી.
રાજય સરકાર પ્રજાહિતના રોજેરોજ ત્રણ થી ચાર મહત્વના નિર્ણય લે છે અને પ્રોએકટીવ ગવર્નન્સની પ્રતિતિ લોકોને કરાવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
એક જમાનામાં નગરપાલિકાઓ પાસે વિકાસના કામો તો ઠીક પણ કર્મચારીઓના પગારો કરવાના પૈસા ન હતા એ વરવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જયાં માનવી ત્યાં વિકાસ, સંવાદથી વિકાસ અને લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા વિકાસના અભિગમોને અનુસરીને રાજય સરકારે નગરપાલિકાઓ અને પંચાયતોને વિકાસ કામો કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર બનાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયની તમામ ૧૬૨ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટરો, એસટીપી, મલિન જળનું રીસાયકલીંગ જેવી સુવિધાઓનું આયોજન કરવામાં આવશે. મુખ્ય મંત્રીશ્રી સડક યોજનાની જોગવાઇઓ હેઠળ તમામ ગામોના રસ્તાઓને બંને દિશાએ મુખ્ય રસ્તા સાથે જોડવામાં તેમજ ફાટકમુકત, ઓવરબ્રીજવાળા ગુજરાતની સંકલ્પના વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિપક્ષની નકારાત્મક માનસિકતાની ટીકા કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ શાસન દરમિયાન ટેકાના ભાવે કયારેય અનાજનો એક દાણો પણ ખરીદવામાં આવ્યો નહતો. તેની સામે રાજય સરકારે ટેકાના ભાવે મકાઇ, બાજરી, ડાંગર જેવા ખેત ઉત્પાદનોની ખરીદી શરૂ કરી છે.
આ ટેકાના ભાવો બજાર ભાવોથી ઊંચા નિર્ધારીત કર્યા છે જેથી ખેડૂતોના તેમના પાકોના વળતરયુકત વેચાણની ખાત્રી મળે છે. કોંગ્રેસ ગરીબોની માત્ર વાતો કરતી હતી, અમારી સરકાર ગરીબો માટે નકકર કામ કરી રહી છે, તમામ સમુદાયો, વર્ગોના કલ્યાણ માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં સહુના માથે છતના નિર્ધાર સાથે રાજય સરકારે ગ્રામ વિસ્તારોમાં બે લાખ મકાનોના નિર્માણનું આયોજન કર્યું છે. બિન અનામત વર્ગ માટે અલાયદા નિગમની સ્થાપના કરીને રાજય સરકારે સહુને સમાન સહાયનો અભિગમ ચરિતાર્થ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે કૌશલ્યો આધારિત રોજગારી માટેની સક્ષમતા પ્રદાન કરવા એક લાખ યુવાનોની એપ્રેન્ટીસ તરીકે ભરતીનું કામ ઉપાડયું છે અને ૬૦ હજારની ભરતી કરી દેવામાં આવી છે. રોજગાર મેળા જેવા આયોજનો દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભૌતિક અને માનવીય વિકાસના રાજય સરકારના આયોજનોની વિગતવાર રૂપરેખા આપી હતી અને મહાત્મા ગાંધી, સરદાર સાહેબ અને નરેન્દ્ર મોદીના ગુજરાત તરીકેની ઓળખ મજબૂત કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
તેમણે ખંભાતના પુરાતન મહત્વ અને જૈન ધર્મના આસ્થા કેન્દ્ર તરીકેની ખ્યાતિને યાદ કરી હતી તથા ખંભાતના શિરીષભાઇ શુકલ, જયેન્દ્રભાઇ ખત્રી સહિતના નિષ્ઠાવાન લોકસેવકો સાથેની યાદો વાગોળી હતી.
આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે, પ્રજાને સ્પર્શતા નાનામાં નાના પ્રશ્નોનું ચિંતન અને સકારાત્મક નિરાકરણ એ મુખ્યમંત્રીશ્રીની વિશેષતા છે. તેમણે કરોડના રૂપિયાના વિકાસ કામોનો લાભ આપવા માટે રાજય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ખંભાતના ધારાસભ્ય
શ્રી મયુરભાઇ રાવલે ખંભાત વિસ્તારને સિંચાઇ માટે પાણી આપીને ખેડૂતોનો પાક બચાવી લેવા માટે અને ટેકાના ભાવે અનાજની ખરીદીની વ્ય્વસ્થા કરવા માટે રાજય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રી યોગેશભાઇ ઉપાધ્યાયે પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરી ખંભાત નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી. જયારે અંતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ડાભીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સંસદસભ્ય શ્રી દિલીપભાઇ પટેલ, અમદાવાદના પૂર્વ મેયર શ્રી અમીતભાઇ શાહ, પૂર્વ સંસદસભ્ય શ્રી દિપકભાઇ
પટેલ (સાથી), પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર
શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતપ્રકાશ યાદવ, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ, રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કાઉન્સિલરો, જિલ્લાના પદાધિકારીઓ, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, વિવિધ સામાજિક-સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શહેર-તાલુકાના અગ્રણી પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામા જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતા.
Source: Information Department, Gujarat