મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૭પ હજાર જેટલા શ્રમયોગીઓને તેમના વિવિધ લાભ-હક્કના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા ૮ કરોડ રૂપિયાના લાભ દિપાવલી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણલક્ષી જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં પોતાના શ્રમની પરાકાષ્ટાથી ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા શ્રમયોગીઓના જે લાભ હક્કના નાણાં વણચૂકવાયેલા આ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રહેલા છે તે શ્રમયોગીઓને પરત આપીને દિપાવલી પર્વનો ઉજાસ તેમના પરિવારોમાં પ્રગટાવવાનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા શ્રમયોગીઓના સંતાનોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય સહિત શ્રમયોગીઓને સહાય એમ કુલ રૂ. ૪.પ૦ કરોડના સહાય ચેકનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રમશકિત રાષ્ટ્રશકિત બને અને રાષ્ટ્રના વૈશ્વિક વિકાસનો આધાર બને તેવું પ્રેરણાદાયી આહવાન કરતાં શ્રમિકોના પરિવારો-ભાવિ પેઢીને પણ તેજસ્વી-ઓજસ્વી બનાવવાની નેમ વ્યકત કરી હતી.
તેમણે શ્રમયોગીઓ તેમજ તેમના પરિવારજનોને કામકાજના સ્થળે, ઘરઆંગણે તબીબી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પાંચ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન સેવાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં શ્રમયોગીઓનું મહત્વપૂર્ણ પ્રદાન રહેલું છે. ‘‘શ્રમ એવ જયતે’’ના મંત્ર સાથે આવા શ્રમિકોનું સન્માન તેમના હિતોની-હક્કની રક્ષા કરવાનું દાયિત્વ સરકારનું છે.
શ્રમિકોના શ્રમથી જ વિકાસની બૂલંદ ઇમારત રચાય છે જે ભાવિ પેઢીના સુખ કલ્યાણનો પથ કંડારે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, GDP બધામાં દેશમાં ગુજરાત અગ્રેસર છે તેના મૂળમાં શ્રમ શકિતનો પરિશ્રમ અને પરસેવો રહેલા છે. તેમણે ઉમેર્યુ કે, આના આધાર ઉપર જ ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રમિકોને તેમના કામનું પૂરતું સન્માન વળતર અને સંતુષ્ટી મળે તો જ તે દેશના-રાજ્યના હિતમાં મન મૂકીને કામ કરી શકે.
‘‘ગુજરાતમાં આપણે સરળ શ્રમ કાયદા-લેબર લોઝથી ઝીરો મેન ડેયઝ લોસ રહે અને લોક આઉટ જેવી સ્થિતી ન સર્જાય તે માટે અનેકવિધ યોજનાઓના અમલથી શ્રમનું પુરતું વળતર-સન્માન આપ્યું છે એમ સ્પષ્ટપણે શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, શ્રમિકોના પરિવાર અને ભાવિ પેઢીનો વિકાસ અટકે નહિ, આરોગ્ય, શિક્ષણ, કારકીર્દી ઘડતર વગેરે ક્ષેત્રોમાં સંપૂર્ણ સગવડતા મળે તે માટે રાજ્ય સરકારે શ્રમયોગી કલ્યાણ બોર્ડને ૩૦ કરોડ રૂપિયાના માતબર બજેટથી સજ્જ કર્યુ છે.
અગાઉ મૃતપ્રાય: અવસ્થામાં રહેલા શ્રમયોગી કલ્યાણ બોર્ડને સજીવન કરીને આ સરકારે જ્યાં માનવીમાં સુવિધાના ધ્યેય સાથે ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકના કલ્યાણ માટે રાજ્યના સંશાધનોનો ઉપયોગ તેમના જ હિતમાં કરવાની નેમ રાખી છે તેમ તેમણે કહ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ અન્નપૂર્ણા યોજના તહેત ભોજન, U-Win કાર્ડ, આરોગ્ય સેવાના લાભો આપીને છેવાડાના શ્રમિકનું શોષણ ન થાય તેવા શોષણમુકત સમાજ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, એક સમયે બોર્ડ બંધ કરવું પડે તેવો વખત આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારની શ્રમિકોને માટેની સંવેદનશીલતાને કારણે આજે બોર્ડ ધમધમતું થયું છે.
તેમણે કહ્યું કે, રાજ્ય અને દેશની પ્રગતિ ત્યારે જ થઇ શકે કે જ્યારે દેશમાં સારા ધંધા-વ્યવસાય હોય અને આ ધંધા વ્યવસાય તો જ સારા હોય કે જ્યારે શ્રમયોગીઓ તેમાં સહયોગી બની કાર્ય કરતા હોય.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યનાં વિકાસમાં જે શ્રમયોગીઓ પોતાના પરસેવારૂપી આહૂતિ આપી રહ્યા છે તેવા લોકોને કલ્યાણકારી યોજનાઓ દ્વારા લાભ આપવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલભાઇ સિંઘીએ જણાવ્યું કે, રૂા. ૨૨ લાખની પ્રવૃત્તિ સાથે શરુ થયેલું બોર્ડ આજે રૂા. ૩૨ કરોડની પ્રવૃત્તિ કરી રહ્યુ છે અને આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦ કરોડની શ્રમયોગીલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરશે.
ચેરમેનશ્રીએ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપી બોર્ડ દ્વારા હાથ ધરાનાર વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી પણ આપી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી, શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, વેલ્ફેર કમિશનર શ્રી એચ. ડી. રાહુલ, લેબર કમિશનર શ્રી સી.જે.પટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સી.જી.એમ. શ્રી દુખબંધુરથ તથા શ્રમયોગીઓ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat