મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતની ઉચ્ચત્તમ ગુરૂ-શિષ્ય પરંપરાને ફરીથી ઉજાગર કરવાનું આહવાન કરતા, ભાવિ પેઢીના ઘડવૈયા એવા બાળકોને શિક્ષણના સંસ્કાર આપી, શિક્ષિત અને દિક્ષિત સમાજ નિર્માણમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા શિક્ષકો, વાલીઓ અને સમાજના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.
શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વિદ્યાર્થીઓને મહાપુરૂષ બનાવવાની ક્ષમતા અને સામર્થ્ય એક શિક્ષકમાં, ગુરૂજનમાં હોય છે તેમ જણાવ્યું હતું. તેમણે શિક્ષિત અને સમૃદ્ધ ભારત નિર્માણની દિશામાં તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, માતાપિતા પાસે ભિક્ષામાં, તેમની દિકરીઓને શિક્ષણ અપાવવાની હાંકલ કરી હતી, જેના સુફળ આજે સમાજમાં ચારેકોર જાઇ શકાય છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું.
ગુજરાતની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂ પાડી શકાય, અને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે બાળકો તથા તેમના વાલીઓ પ્રેરાઇ શકે તે માટે આગામી દિવસોમાં શાળા અને શિક્ષણની કાયાપલટ કરવાનો યજ્ઞ રાજ્ય સરકારે આદર્યો છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ, આ માટે ગુજરાત સરકારના બજેટમાં રૂ.રપ૦૦ કરોડના કરાયેલા આયોજનનો ખ્યાલ આપ્યો હતો. તેમણે ગુજરાતની પસંદગીની શાળાઓમાં ૨૫૦૦ જેટલા સ્માર્ટ/ડીજીટલ ક્લાસરૂમનો પાયલૉટ પ્રોજેક્ટ અમલી બનાવાયો હોવાનું જણાવી આગામી સમયમાં રાજ્યની તમામ શાળાઓમાં તેનો અમલ કરવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.
સરકારી શાળાના બાળકો વિશ્વ સાથે કદમતાલ મેળવી શકે તે માટે તેમને ટેબ્લેટ આપવાની યોજનાનો ખ્યાલ આપતા મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવી સુધી જ્ઞાનનો પ્રકાશ પહોîચે તે માટે સમાજના તમામ વર્ગોના લોકોને સહયોગ માટે અપીલ કરી હતી.
વરિયાવ રોડ, તાડવાડીની શાળા નં.૩૧૬ ખાતે યોજાયેલા શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીના હસ્તે નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમને શૈક્ષણિક કીટ, રમકડા વિગેરેનું પણ વિતરણ કરાયુ હતું. આ વેળા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ મહાનુભાવોના હસ્તે જાહેર અભિવાદન કરાયુ હતું. શાળાને જુદી જુદી ચીજવસ્તુઓ આપનારા દાતાઓને પણ મહાનુભાવોએ આ વેળા બિરદાવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે શાળાના બાળકોએ અહીં મનુષ્ય ગૌરવગાન રજુ કરી, યોગ નિદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે શાળાના સી.સી.ટી.વી. કેમેરાનું પણ આ વેળા લોન્ચિંગ કરાયું હતું.
કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયુ હતું. મુખ્યમંત્રીશ્રીએ શાળાના વર્ગખંડની મુલાકાત લઇ, વાલી મંડળ સાથે બેઠક પણ યોજી હતી.
કાર્યક્રમમાં સૂરતના મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સંસદિય સચિવ શ્રી પૂર્ણેશ મોદી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર ભાજપા પ્રમુખશ્રી નીતિનભાઇ ભજીયાવાલા, પ્રદશ મંત્રી શ્રીમતી દર્શિની બેન કોઠીયા, ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ, મહાનગર પાલિકાના કમિશનર શ્રી એમ.થેન્નારસન, કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat