Latest News

Guj CM felicitates Heart Transplant donner families and recipients at CIMS hospital in Ahmedabad

  અંગદાન મહાદાન’ અને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મૃતક સ્વજનોના હૃદયનું દાન કરનારા પરિવારોનું અભિવાદન કર્યું-27 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા સિમ્સ હોસ્પિટલના તબીબોને બિરદાવ્યા

  ……….

  -: મુખ્યમંત્રીશ્રી :-

  • આત્મનિર્ભરતાની પહેલી શરત શરીરની સ્વસ્થતા
  • શરીરની અને જમીનની સ્વસ્થતા માટે રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીએ
  • ભગવાન જીવ આપે છે અને ડોક્ટર જીવ બચાવે છે-તબીબ વ્યવસાય નોબેલ પ્રોફેશન
  • ગંભીર રોગની ખર્ચાળ સારવારમાં ગરીબ પરિવારની પડખે આ સરકાર ઉભી છે
  • મુખ્યમંત્રી રાહતનિધિમાંથી દર્દીઓની સારવાર સહાય માટેની પાત્રતાની આવક મર્યાદા એક લાખથી વધારી ચાર લાખ કરી
  • માનવીય સંવેદના અને તબીબી સિદ્ધિના સહિયારા સન્માનનો આ અવસર

  ……….

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘અંગદાન મહાદાન’ અને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે

  પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા આયોજીત સમારોહમાં હોસ્પિટલની સારવાર સુવિધાઓનો લાભ મેળવીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન મેળવનારા 8 જેટલા વ્યક્તિઓનું અને પોતાના સ્વજનના અંગદાન કરનારા પરિવાર જનોનું પ્રતિકરૂપે સન્માન કર્યું હતું

  સિમ્સ હોસ્પીટલ દ્વારા 27 હાર્ટના ટ્રાન્સપ્લાન્ટની આ મોટી સિદ્ધિને મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે પણ ગૌરવરૂપ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.

  સમાજમાં તબીબોની ભૂમિકા ખુબ મોટી છે અને રહેવાની છે તેની સરાહના કરતા તેમણે કહ્યું કે જન-માનસમાં ભગવાન પછીનું સ્થાન તબીબનું છે.

  મૂલ્યનિષ્ઠ તબીબોની લોકચાહના આવા પ્રસંગોથી ઉજાગર થતી રહે છે અને તબીબી વ્યવસાય નોબેલ પ્રોફેશન છે તેમ તેમણે ઉમેર્યું હતુ

  મુખ્યમંત્રીશ્રીએ આ અભિવાદન સમારોહને માનવીય સંવેદના અને તબીબી સિદ્ધિના સહિયારા સન્માનનો અવસર જણાવી કહ્યું કે,   મુખ્યમંત્રી રાહત નિધિમાંથી જરૂરતમંદ દર્દીઓની  ગંભીર રોગોમાં સારવાર સહાય માટેની પાત્રતાની આવક મર્યાદા એક લાખથી વધારી ચાર લાખ કરી છે

  એટલુજ  નહિ,કટોકટીના સમયે દર્દીઓ માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરુ કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અંગ પ્રત્યારોપણની જટિલ પ્રક્રિયા ટીમ વર્ક માંગી લે છે, તબીબો,  હોસ્પિટલ સહિત વહીવટીતંત્રનો સહયોગ પણ જરૂરી  છે.

  રાજ્ય સરકાર આવા દરેક પ્રસંગે સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે

  શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને પાર પાડવામાં શરીરની સ્વસ્થતા એ પહેલી શરત છે.

  તેમણે જણાવ્યું કે, આજે માત્ર 40-45 વર્ષની વયે લોકો હૃદય રોગ, ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારીઓનો ભોગ બને છે તે રાસાયણિક ખાતરથી પકવેલા અન્ન અને ખાદ્ય પદાર્થોને કારણે થાય છે

  મુખ્યમંત્રીશ્રીએ જમીનનું સ્વાસ્થ્ય સુધરે સાથો સાથ માનવ શરીર પણ આરોગ્યપ્રદ રહે તે માટે રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીની મુહીમ ઉપાડી છે તે રાજ્યની જમીન અને નાગરિકો બંનેનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

  આ તકે તેમણે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ માટે કાર્યરત હોસ્પિટલ્સ અને સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ બિરદાવ્યા હતા અને પ્રતિક રૂપે અભિવાદન કર્યું હતું.

  સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ધિરેન શાહે જણાવ્યું કે, રાજ્ય સરકારના પૂર્ણ સહયોગને પરિણામે ગુજરાતમાં હવે અંગ-પ્રત્યારોપણની મજબુત કાર્યપ્રણાલી વિકસી ચુકી છે, અંગ-પ્રત્યારોપણ માટે ગ્રીન કોરીડોર ઉભો કરવા સહિતની તમામ આનુષાંગિક પ્રક્રીયાઓ ઝડપથી પુરી કરી શકીએ છીએ. ગુજરાત ઓર્ગન ટ્રાંસપ્લાન્ટનું ડેસ્ટીનેશન બનશે.

  આ અભિવાદન પ્રસંગે સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરિખ, યુ.એન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. આર. કે. પટેલ, મારેન્ગો એસિયા હેલ્થકેર ગ્રુપના સી.ઇ.ઓ. શ્રી રાજીવ સિંઘલ, અગ્રણી તબીબો, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા રિસિપિયન્ટ વ્યક્તિઓ. મૃતક સ્વજનનું અંગદાન કરનારા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat