મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટીને વિશ્વમાં આંતરિક સુરક્ષા-રક્ષાની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રાચીન ભારતમાં વિશ્વભરના જ્ઞાન પિપાસુઓ નાલંદા, તક્ષશીલા અને ગુજરાતની વલ્લભી વિશ્વ વિદ્યાપીઠમાં જ્ઞાન સંવર્ધન માટે આવતા હતા.
એ પરિપાટીએ આધુનિક યુગમાં સુરક્ષા-સાયબર સિકયુરિટી- ક્રાઇમના પડકારોની સામે જ્ઞાનસંવર્ધન સજ્જ શિક્ષા-દિક્ષા માટે વિશ્વભરના યુવાઓ ગાંધીનગર-ગુજરાત ભણી નજર દોડાવે તેવી ઊંચાઇએ રક્ષાશકિત યુનિવર્સિટીને પહોચાડવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રક્ષાશકિત યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં દક્ષતા પ્રાપ્ત ૩૩૮ યુવાછાત્રોને પદવી-મેડલ્સ એનાયત કર્યા હતા. પોંડીચેરીના ઉપરાજ્યપાલ અને પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સુશ્રી કિરણ બેદી આ પદવીદાન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ તરવરાટ અને જુસ્સાથી થનગનતા યુવાછાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, રક્ષાશકિતમાંથી પદવી મેળવનારા યુવાઓ અન્ય કરતાં કાંઇક જુદા છે. તેમનું દાયિત્વ સમાજ પ્રત્યે વિશેષ છે.
જેમને રાષ્ટ્રની-રાજ્યની સુરક્ષા, સમાજ સલામતિ-શાંતિના જીવન મંત્ર સાથે પોતાનું ઘડતર કરવું છે તેઓ જ આ યુનિવર્સિટીમાં કારકીર્દી નિર્માણ માટે આવ્યા છે. માત્ર નોકરી કરવી કે અથોર્પાજન કરવું એવો સામાન્ય ધ્યેય તેમનો ન હોવો જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રી-પદવી મેળવતા આ યુવાનોને શીખ આપતાં ઉમેર્યુ કે, શિક્ષા એ પાઠયક્રમ છે અને દિક્ષાએ જીવન પથ પરની સજ્જતા છે એ બેયના સમન્વયથી પદવીદાન કહેવાય છે.
તેમણે સ્પષ્ટ ઉમેર્યુ કે, ગુજરાતમાં પાછલા ૧પ વર્ષમાં પોલીસ માઇન્ડ સેટ, સિકયુરિટી માઇન્ડ સેટ બદલાયો છે અને વર્ષોના બીબાઢાળ માઇન્ડ સેટ, ખંડણી, હુલ્લડો, છાશવારે થતા તોફાનોમાંથી ગુજરાતે બહાર આવી વિકાસની હરણફાળ ભરી છે, તેમાં શાંતિ-સલામતિ-સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતી પાયામાં રહેલા છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટિ-વિઝનથી ગુજરાતમાં આધુનિક અને સમયાનુકુલ જ્ઞાનથી સજ્જ કરતી GFSU, યોગ યુનિવર્સિટી, ઓર્ગેનિક યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટીથી જ્ઞાનની નવી ક્ષિતિજો ઉઘડી છે. રક્ષાશકિત યુનિવર્સિટી તેમના જ વિઝનનો પરિપાક છે અને ખૂબ જ ટૂંકાસમયમાં આ યુનિવર્સિટીના વિચારને સમગ્ર ભારતે વધાવ્યો-અપનાવ્યો છે તેનું ગૌરવ તેમણે કર્યુ હતું.
રક્ષાશકિત યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં એક સુસજ્જ-ડિસીપ્લીન્ડ -સુરક્ષા ફોર્સનું મેનપાવર માધ્યમ બને તેવી તેમની કલ્પના છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ યુનિવર્સિટીમાંથી શિક્ષા પદવી લઇને સમાજની રક્ષા-સુરક્ષામાં જોડાનાર યુવાઓએ ભરોસા-વિશ્વાસનો અહેસાસ સમાજને કરાવવાનો છે કે ‘‘તમારી રક્ષા માટે અમે છીયે’’.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીના વિનિયોગથી થતી ગૂન્હાખોરી-અપરાધોને નાથવા આ યુનિવર્સિટીનું પ્રશિક્ષણ પાંચ ડગલા આગળ ચાલે તેવું ફુલપ્રુફ બનાવ્યું છે તેની પણ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયલની મૂલાકાતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, ઇઝરાયલ સાથે ભારતના દ્વિપક્ષી કરારોમાં દેશની સુરક્ષા-સિકયુરિટીની બાબતો જોડાયેલી છે તેમાં પણ ગુજરાત અગ્રેસર રહીને સુરક્ષિતતાનો અહેસાસ દેશને કરાવશે.
શ્રી વિજયભાઇ એ આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, રક્ષાશકિત યુનિવર્સિટીના આ પદવી ધારકો માટે રાઇટ ટાઇમ ફોર રાઇટ ઓર્પોચ્યુનિટીઝ સાકાર થવાનું છે.
તેમણે નયા ભારતના નિર્માણના પ્રધાનમંત્રીશ્રીના વિઝનમાં અને ભારતને વિશ્વ મહાસત્તા બનાવવામાં યુવાશકિતને યાચક નહિ અવસરો આપનારી શકિત ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પદવી ધારકોને રક્ષાશકિત યુનિવર્સિટીનું નામ ઊજાગર થાય અને ગુજરાત રક્ષાશકિત ક્ષેત્રમાં રોલ મોડેલ બને તેવા દાયિત્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
પોન્ડીચેરીના ઉપરાજ્યપાલ સુશ્રી કિરણ બેદીએ ગુજરાતની આ રક્ષાશકિત યુનિવર્સિટીની પહેલને આવકારતાં અન્ય રાજ્યોમાં પણ આવા અભ્યાસક્રમો ઓનલાઇન ઉપલબ્ધ થાય તે માટે રક્ષાશકિત યુનિવર્સિટીને ઓપન યુનિવર્સિટી બનાવવાનો વિચાર આપ્યો હતો.
તેમણે કહ્યું કે, વિડીયો કોન્ફરન્સીંગ, એકસચેન્જ પ્રોગ્રામ, ફિલ્ડ ટ્રેનિંગ અને રક્ષા-સુરક્ષા ક્ષેત્રના તજ્જ્ઞોના અનુભવ જ્ઞાનનો વિનિયોગ પણ પાઠયક્રમમાં કરીને દેશભરમાં ઇન્ટરનલ સિકયુરીટી, સુરક્ષા માટે ગુજરાતની આ યુનિવર્સિટી નવું પ્લેટફોર્મ પુરૂં પાડી શકે તેમ છે.
સુશ્રી કિરણ બેદીએ અપ સ્કિલીંગ કોર્સિસ, પોલીસ- પ્રોસીકયુશન-જ્યુડીશ્યરીના ઇન્ટીગ્રેટેડ એપોર્ચની પણ હિમાયત કરી હતી.
તેમણે પદવી ધારક યુવાછાત્રોને ત્રણ T–ટ્રસ્ટવર્ધી-વિશ્વસનીયતા, ટેલેન્ટેડ-પ્રતિભાવંત અને ટેનીશીયસ-લગન-ધગશનો મંત્ર આપીને સ્વામી વિવેકાનંદના ભારતને જગદગુરૂ બનાવવાના સપનાને પ્રધાનમંત્રીશ્રીએ નયા ભારતથી પાર પાડવા સંકલ્પ કર્યો છે તેમાં પૂરા સહયોગથી જોડાવા આહવાન કર્યુ હતું.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૬૦૦ કિ.મી. લાંબો વ્યૂહાત્મક સમૂદ્રકિનારો, પડોશી રાષ્ટ્ર સાથે જોડાયેલી સીમા અને ત્રાસવાદી ગતિવિધિઓના પડકારને પહોચી વળવા પ્રતિબધ્ધ માનવ સંશાધન-સેવા-સુરક્ષા સુસજ્જ વર્કફોર્સ માટે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇના વિઝનથી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, GNLU, રક્ષાશકિત યુનિવર્સિટી જેવી પહેલ ગુજરાતમાં થઇ છે તેમ જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે જ્યાં સુધી કાનૂન-રક્ષા-સુરક્ષાથી પ્રશિક્ષિત નહિ થઇયે ત્યાં સુધી સમાજવિરોધી તત્વોને નશ્યત નહિં કરી શકાય. રક્ષાશકિત યુનિવર્સિટીના મલ્ટિપલ ડિગ્રી અભ્યાસક્રમો રાજ્યના યુવાનોને આ માટે શિક્ષિત દિક્ષિત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતની સામાજિક શાંતિ-સલામતિમાં દારૂબંધી, હૂક્કાબાર પ્રતિબંધ અને ગૌવંશ હત્યા વિરોધી કડક કાનૂન એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વની દેન છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે રાજ્યમાં સલામતિ-સુરક્ષા-શાંતિ બરકરાર રહ્યા છે તે માટે પોલીસ દળની ફરજનિષ્ઠામાં હવે રક્ષાશકિતના હોનહાર યુવા પદવીધારકોનું નવું બળ મળશે તેમ પણ સરકારી સેવાઓમાં ૭ર હજાર જેટલા નવયુવાનોની ભરતી અને ૧૮ હજાર સુરક્ષાકર્મીઓની ભરતીની સફળતા વર્ણવતા ઉમેર્યુ હતું.
પ્રારંભમાં યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ શ્રી વિકાસ સહાયે યુનિવર્સિટીનો શૈક્ષણિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.
ગૃહનાં અધિક મુખ્ય સચિવશ્રી ડાગૂર-પોલીસ મહાનિદેશક શ્રીમતી ગીતા જોહરી, યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્યો તથા વરિષ્ઠ પોલીસ અધિકારી પદવી પ્રાપ્ત યુવાનોના પરિવારજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat