મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ હવે ઇન્કલુઝિવ ગ્રોથથી આગળ વધીને ગ્લોબલ ચેલેન્જના મંથન-સમાધાન માટેનું એક વૈશ્વિક મંચ બની ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ સમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી ૨૦૧૯માં યોજાશે તે પુર્વે મુંબઇમાં ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથે કર્ટેઇન રેઇઝર ઇન્ટરેકટીવ મીટ યોજી હતી.
તેમણે કહયું કે, ગુજરાતે માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહી પરંતુ ફાયનાન્સિયલ સર્વિસિસ, એરોસ્પેસ, ડીફેન્સ, ઇલેકટ્રોનિકસ અને લોજીસ્ટીકસ તેમજ મીડિયા અને એન્ટરટેઇમેન્ટ ક્ષેત્રે પણ રોજગાર સર્જનથી સર્વગ્રાહી વિકાસનો છેવાડાના માનવીને લાભ મળે તેવી ઇકો સીસ્ટમ ઊભી કરી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયાના વિઝનને પાર પાડીને શેપિંગ એ ન્યુ ઇન્ડિયાની થીમ સાથે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯ ના માધ્યમથી ગુજરાત ઇન્કલુઝીવ ગ્રોથનું મોડેલ દેશને પુરૂ પાડશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ પુર્વે યોજાયેલો આ રોડ શો ગુજરાત-મહારાષ્ટ્રના પરસ્પરના સંબધોને નવી ઉંચાઇ આપશે, તેમ જણાવતાં કહયું કે, મુંબઇ આર્થિક રાજધાની છે તો ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસિદ્ધ છે.
ઔદ્યોગિક ઉત્પાદન, પોર્ટસ એન્ડ મેરિટાઇમ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને પર્યટનમાં બન્ને રાજ્યોએ શાનદાર સિદ્ધિઓ મેળવી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યાં ત્યારે ગુજરાતને આગળ ધપવા માટે ઘણા ભૌગોલિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે અમારી સમક્ષ ઉજ્જડ જમીન, પાણીની અછત, મર્યાદિત ઉદ્યોગો અને ઘણી આર્થિક સમસ્યાઓ હતી.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે મહેનત, સાહસિકતા, પ્રગતિશીલ શાસન વ્યવસ્થા, ડાયનેમિક નીતિઓ અને સમર્પિત નેતૃત્વ વડે વિકાસની નવી પરિભાષા લખી અને હવે તો મા ભારતીના બે પુત્ર – મહારાષ્ટ્ર અને ગુજરાત આજે ભારતના આર્થિક બેકબોન બન્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આગવા વિકાસની વિશદ ભુમિકા આપતાં કહયું કે, કોઇ પણ રાજ્ય કે દેશના વિકાસ માટે વ્યાપારને અનુકૂળ નીતિઓ જરૂરી છે, એ ઉપરાંત વ્યાપારને અનુકૂળ માહોલ પણ આપવો પડે છે. તો જ સર્વાંગી વિકાસ શક્ય બને. ગુજરાત વેપાર કરનારો, વેપાર શીખવનારો અને વેપારને જીવી જાણનારો પ્રદેશ છે. ગુજરાતની હવા અને વાતાવરણમાં જ કંઈક એવું છે કે જે ગુજરાતમાં આવે તે ગુજરાતનો જ બની જાય.
તેમણે ઉમેર્યું કે, ગુણવત્તાયુક્ત અને સુખી જીવનનો આનંદ અમીર-ગરીબ સૌને સમાન રીતે મળે તે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ વિઝન સાથે અમે સુનિશ્ચિત કર્યું છે. આર્થિક વિકાસની સાથોસાથ સામાજિક વિકાસ અને સમરસતા પણ ગુજરાતની આગવી સિદ્ધિ છે. આખા દેશમાંથી લોકો કામ માટે ગુજરાત આવે છે અને ગુજરાત તેમને જીવનમાં આગળ વધવા માટેના નીતનવા અવસર પ્રદાન કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમિટની સફળતાઓ વર્ણવતા જણાવ્યું કે, પહેલા આ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી, પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટની જાન્યુઆરી-૧૯ માં યોજાનારી નવમી કડી ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, ન્યૂ ઇન્ડિયા અને ન્યૂ ટેક્નોલોજી ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરશે.આ વખતની ઇવેન્ટમાં ભારત જ નહીં પણ આખી દુનિયા નવી નવી ટેક્નોલોજી અને કન્સેપ્ટ્સને પહેલી જ વાર જોશે તથા દરેક ગુજરાતીની સાથોસાથ પ્રત્યેક ભારતીય માટે પણ નવી આશાઓ અને અવસરોનો ખજાનો લઇને આવશે તેમ તેમણે ગુજરાતમાં મુડી રોકાણ તેમજ ઔદ્યોગિક રોકાણો માટે મુંબઇના વેપાર-ઉદ્યોગકારોને ઇંજન પાઠવતાં જણાવ્યું હતું.
ગુજરાત એક પોલિસી ડ્રિવન, પારદર્શક અને પ્રામાણિક ગુડ ગર્વનન્સવાળું રાજય છે, તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌ સાથે મળીને દેશના વિકાસ માટે કાર્યરત થઇ ભારતને વિશ્વમાં ટોચે પહોંચાડવા સહયોગ કરે તેવી અપીલ પણ કરી હતી.
મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા જુદા જુદા ક્ષેત્રોમાં વિપુલ શકયતાઓ રહેલી છે. જેના કારણે ૩૪૭ જેટલી સૌથી વધુ ઉદ્યોગ સ્થાપવા દરખાસ્તો માત્ર નવ મહિનામાં સરકારને મળી છે.
રાજય સરકારે ઉદ્યોગ માટે સરળ પોલીસીઓ બનાવી છે. ગુજરાતમાં ૩૦ લાખ જેટલા એમએસએમઇ ઉદ્યોગો છે. આ ઉદ્યોગો દ્વારા રોજગારીની તકો સહિત સર્વાંગી વિકાસની એક આગવી ઇકો સીસ્ટમ ગુજરાતમાં ઊભી થઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય સચિવશ્રીએ કહયું કે, ગુજરાતે પારદર્શીતા સાથે વેલ ડીફાઇન ટેકસ સ્ટ્રકચર, ટેન્જીબલ અને ઇન્ટેનજીબલ બિઝનેશ એસેટસમાં અગ્રેસરતા તેમજ ફયુચરિસ્ટીક અને હોલીસ્ટીક ડેવલપમેન્ટનો જે રોડ મેપ કંડાર્યો છે તેને પરિણામે વાયબ્રન્ટ ગુજરાત સમિટ નેટવર્કિંગ, ઓનલાઇન અને B2B માટેનું મહત્વનું પરિબળ બનશે.
ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ.કે.દાસે ગુજરાતની ઔદ્યોગિક, માખળાકીય, સામાજિક ક્ષેત્ર સહિતની સિધ્ધિઓના પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રના વિકાસથી વેપાર-ઉદ્યોગકરોને વાકેફ કર્યા હતા.
પ્રારંભમાં ફીકકીના પ્રેસિડન્ટ શ્રી રશેષ શાહે સૌને આવકાર્યા હતા. તેમજ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મળી રહેલા રાજય સરકારના સક્રીય સહયોગ માટે ત્રણ જેટલા ઉદ્યોગકારોએ ગુજરાતના તેમના અનુભવો વર્ણવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં ગુજરાત સરકાર અને ઇન્ટીમેટ એપેરેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વચ્ચે એપેરેલ સેકટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે સર્વિસિસ પ્રોવાઇડરના એમઓયુ કરવામાં આવ્યા હતા.
Source: Information Department, Gujarat