Latest News

Guj CM Inaugurated All india inter Agricultural universities youth festival at Dantiwada

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૯ મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્‍ટ્રીય કક્ષાના યુથ ફેસ્‍ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્‍લેખનીય છે કે દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પ્રસંગે દેશભરમાંથી આવેલ ૭૦ જેટલી કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કૃષિ વિશ્વ વિધાલયમાંથી મેળવેલ જ્ઞાન અને આવડતને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડી હરિયાળા, સમૃધ્ધ, શિક્ષિત અને શક્તિશાળી રાષ્‍ટ્ર નિર્માણના યશભાગી બનીએ.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના યુવા છાત્રોને કૃષિક્ષેત્રે નવા સંશોધન અને પોતાની આગવી સૂઝ  તેમજ ઈનોવેશન્સથી એગ્રીકલ્ચરમાં  સ્ટાર્ટ અપ કલ્ચર પ્રત્યે પ્રેરિત થવા આહવાન કર્યું છે.

    તેમણે કહ્યું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હવે સમયાનુકુલ ટેકનોલોજી અને નવા ઈનોવેશન્સથી ખેતી ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભરતાનો સમય છે.

    કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આમાં લીડ લઇને સ્ટાર્ટ અપ થકી વિકાસ અને વ્યવસાય બેય અવસર પ્રાપ્ત કરી શકે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

    તેમણે કહ્યું કે કૃષિ ટેકનોલોજી ક્રોપ ગાઇડન્સ, ટેકનીકલ અપગ્રેડેશન, ફૂડ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ, રિટેલ બિઝનેસ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવા કૃષિ આધારિત ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપનો ઘણો અવકાશ છે.

    ગુજરાતમાં સ્ટાર્ટ અપ  પોલિસી સરકારે બનાવી છે અને 2020 સુધીમાં 2000 સ્ટાર્ટ અપ તૈયાર કરવાની ભૂમિકા તેમણે આપી હતી.

    શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં  તાજેતરની વાયબ્રન્ટ સમિટમાં એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણોના 474 ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેનસન્સ અને 58 સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ઇન્ટેસન્સ થયા છે તેની ભૂમિકા આપતા કહ્યું કે યુ એ ઈ ઉઝબેકિસ્તાન, રશિયા, યુએસએ, નેધરલેન્ડ, ફ્રાન્સની કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓએ પણ કૃષિ સંલગ્ન ઉદ્યોગ અને યુનિટ માટે ઉત્સુકતા દર્શાવી છે.

    મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના 2022 સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના સંકલ્પમાં યુવા કૃષિ છાત્રો પણ યોગદાન આપે તેવી અપીલ કરી હતી.

    તેમણે યુવા શક્તિના સથવારે નયા ભારતના વડાપ્રધાનના કોલમાં યુવાનો સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, હરિત ભારત જેવા અભિયાનમાં જોડાઈને યોગદાન આપે છે તેની સરાહના કરતા જણાવ્યું કે આ યુવા મહોત્સવ  દેશના વિવિધ પ્રાંતોની સંસ્કૃતિક પ્રવૃતિ કે ગતિવિધિઓનું જ નહીં પરંતુ જે તે રાજ્યની કૃષિ પદ્ધતિ જમીન સ્તર  અને કૃષિ ક્ષેત્રની આનુષંગિક બાબતોના આદાન પ્રદાનનું માધ્યમ બની એક ભારત શ્રેષ્ઠ ભારત અને અનેકતામાં એકતા સાકાર કરશે.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે નિર્ણાયક નેતૃત્વ અને મક્કમ ઇચ્છાશક્તિ હોય તો વિકાસ કેવી રીતે કરી શકાય છે તે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે જણાવ્યું કે મેઇક ઇન ઇન્ડિયા, ડીઝીટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા વગેરે અભિયાનો હાથ ધરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના યુવાનોનોને રોજગારીની વિપુલ તકો પુરી પાડી છે.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વિકાસપુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શ્રેષ્‍ઠ શાસનમાં વિકાસ અને સુશાસનના ફળ છેવાડાના વિસ્તારો સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે પરિણામે નયા ભારત- સમૃધ્ધ ભારતનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આપણે સહિયારા અને સામૂહિક પ્રયાસોથી દેશમાં હરિયાળી અને શ્વેતક્રાંતિથી સુખ-સમૃધ્ધિ લાવીએ. તેમણે કહ્યું કે આ સરકાર ખેડૂતોની આવક, સુખાકારી અને સમૃધ્ધિ વધારવા મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે.

    મુ્ખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગુજરાતની જેમ દેશભરના ખેડૂતો મબલખ ખેત ઉત્પાદન કરી નજીકના સમયમાં ભારતને વૈશ્વિક કક્ષાએ પ્રેરણાદાયી રાષ્‍ટ્ર બનાવશે.

    કૃષિ વિભાગના અગ્ર મુખ્ય સચિવશ્રી સંજય પ્રસાદે જણાવ્યું કે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે જે માટે ગુજરાતને રાષ્‍ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા છે. તેમણે કહ્યું કે સરકારશ્રી દ્વારા વિવિધ ખેતીપાકોની ટેકાના ભાવે ખરીદ કરી ખેડૂતોને સારી કિંમત આપવામાં આવે છે. અગ્ર મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્‍નને સાકાર કરતા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પુરતી સહાય આપવામાં આવે છે. ગુજરાતના બે ખેડૂતોને રાષ્‍ટ્રીય કક્ષાના પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

    સ્વાગત પ્રવચન કરતાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે. તેમણે આ કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી.

    આ પ્રસંગે ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, ગુજરાત વેર હાઉસીંગ બોર્ડના અધ્યક્ષશ્રી મગનલાલ માળી, રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રીઓ, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઇ, કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. એ. શાહ, પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલ, બી.એસ.એફ.ના અને કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સહિત અગ્રણીઓ, ખેડૂતો અને દેશભરમાંથી આવેલ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

    Source: Information Department, Gujarat