Latest News

Guj CM joins Chhath Puja Festival at banks of Sabarmati River – Ahmedabad

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સાબરમતી નદીના તટે બિહારી પરિવારોના છઠ પૂજા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતના સમાજજીવન અને ભૂમિની ખાસિયત છે કે સૌ સમાજ વર્ગો અને પ્રદેશોના પરિવારોના તહેવારો પણ ઉમંગ-ઉત્સાહથી સાથે મળીને સામાજિક સમરસતાથી ઉજવાય છે.

    આ સંદર્ભમાં તેમણે કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને જ્ઞાતિ-જાતિ-ભાષા-પ્રાંતથી ઉપર ઉઠીને આવા ત્યૌહાર પર્વોની ઉમંગ ઉજવણી સાકાર કરે છે.

    મુખ્યમંત્રીશ્રીએ બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સુશીલ કુમાર મોદીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૦૦ મીટરના છઠ પૂજા ઘાટનો લોકાર્પણ કર્યો હતો.

    બિહારી પરિવારો સાથે આ બંને મહાનુભાવો સૂર્યનારાયણની સંધ્યા આરતીમાં પણ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતાં.

    શ્રી વિજય રૂપાણીએ છઠ પૂજાના આ ઉત્સવને પ્રકૃતિ-પર્યાવરણ-સંસ્કૃતિનો સમન્વય સાધતો તહેવાર ગણાવતા કહ્યું કે ઢળતા સૂર્યની પૂજા-અર્ચનાનું આ પર્વ અનેરૂ પર્વ છે.

    તેમણે બિહાર અને ગુજરાત વચ્ચેના સંબંધોની વિશદ ભૂમિકા આપતા ઉમેર્યું કે ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, મોરારજીભાઈ અને વર્તમાન વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઈ મોદી જેવા રાષ્ટ્રભક્તિ સભર સપૂતોથી દિશાદર્શન આપેલું છે. બિહારે લોકનાયક જયપ્રકાશ નારાયણજી તથા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ જેવા વિશિષ્ટ વ્યક્તિઓનું માર્ગદર્શન આપેલું છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનું નવનિર્માણ આંદોલન અને બિહારમાં ભ્રષ્ટાચાર સામેનું આંદોલન દેશવ્યાપી જન આંદોલન બની ગયેલા હતાં.

    તેમણે બિહારના ગયાના પિતૃશ્રાદ્ધ તર્પણ અને ગુજરાતના સિદ્ધપુરની માતૃશ્રાદ્ધ તર્પણ તીર્થ તરીકેની ખ્યાતિ અને નાલંદા તથા વલ્લભીની પ્રાચીન વિદ્યાપીઠની પણ યાદ બિહાર-ગુજરાતના સંબંધોના સંદર્ભમાં આપી હતી.

    શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની વિકાસયાત્રામાં દરેક રાજ્યના-પ્રાંતના ગુજરાતમાં આવીને વસેલા પરિવારોનો સહયોગ-યોગદાન છે તેની સરાહના કરી હતી.

    તેમણે એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રાંત-પ્રદેશ-ભાષાના ભેદ મિટાવીને સૌ કોઇ મા ભારતીના સંતાન તરીકે કચ્છ હો યા ગૌહાતી, અપના દેશ – અપની માટીને સાકાર કરીએ. રાષ્ટ્ર માટે- દેશ માટે જીવી જાણીએ.

    એક બની – નેક બની સૌના સાથ અને સૌના વિકાસના મંત્રને આગળ ધપાવવા પણ તેમણે પ્રેરક આહવાન કર્યું હતું.

    બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સુશીલકુમાર મોદીએ છઠ પર્વની ગુજરાતમાં વસતા બિહારવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

    તેમણે ગુજરાત સરકારે રૂ. ૧૧ કરોડના ખર્ચે સાબરમતી નદીના તટે છઠ ઘાટનું જે નિર્માણ કર્યું છે તેનાથી પટણામાં ગંગા નદી કાંઠે આવો જ પૂજા ઘાટ બનાવવાની પ્રેરણા તેમને મળી છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો.

    બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં વસતા બિહારીઓ સંપૂર્ણ સલામતી અને શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે, રોજીરોટી, રોજગાર મેળવે છે.

    તાજેતરના ભૂતકાળમાં પ્રાંત-ભાષાને નામે ગુજરાતમાં સામાજિક શાંતિ-સલામતીને ખલેલ પહોંચાડવાના કેટલાક તત્વોના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકારે મક્કમતાથી નાકામયાબ બનાવ્યા છે તેની પણ તેમણે પ્રશંસા કરી હતી.

    શ્રી સુશીલકુમાર મોદીએ બિહાર અને છઠ પૂજા ઉત્સવને એકબીજાના પર્યાય અને બિહારની આગવી ઓળખ ગણાવતા પ્રકૃતિ-પર્યાવરણ રક્ષા-સ્વચ્છતાનો સંદેશ અપનાવનારા આ તહેવારને ૩૬૫ દિવસ શુદ્ધતા-સ્વચ્છતાનો તહેવાર બનાવવા અપીલ કરી હતી.

    શ્રી મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તેમની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી અને આ સ્ટેચ્યૂ વિશ્વની આઠમી અજાયબી તરીકે વિશ્વને એકતાનો સંદેશ આપનારું છે તેમ ઉમેર્યું હતું.

    તેમણે કેવડીયામાં એક ભારત-શ્રેષ્ઠ ભારત ભવન અંતર્ગત વિવિધ રાજ્યોના ભવન નિર્માણમાં બિહારનું પણ ભવન બનાવવાની ખાતરી આપી હતી.

    આ અવસરે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી કિરીટ સોલંકી, મેયર શ્રીમતી બિજલબહેન પટેલ, અમદાવાદ મહાનગરના વિધાયકો, પદાધિકારીઓ, મુખ્યસચિવ શ્રી ડો. જે.એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ જ્હા, મૂળ બિહારના ગુજરાત સ્થિત વરિષ્ઠ સનદી અને પોલીસ અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં બિહારી પરિવારો જોડાયા હતાં.

    Source: Information Department, Gujarat