Latest News

Guj CM kicks off work for deepening pond at Ramanda village in Patan

પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યુ છે. ત્યારે જળસંચયના આ અભિયાનમાં લોકોએ સો કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ 11 તળાવો ઉંડા કરવા માટે 11 જે.સી.બી.ને રામણદા ગામથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીની સમસ્યા હવે ભુતકાળ બની જશે અને ગુજરાત પાણીદાર ગુજરાત બનશે. આ પ્રસંગે રામણદા ગામે પોતાના લગ્ન માટે જાન લઇ જઇ રહેલા યુવાન શ્રી રવિરાજે રામણદા તળાવમાં શ્રમદાન કર્યું હતું. પછી લગ્ન મંડપમાં ગયા હતા તે માટે રવિરાજને ખાસ જાહેરમાં અભિનંદન આપી બિરદાવ્યા અને મુખ્યમંત્રીશ્રી આને પ્રેરણાદાયી કામ ગણાવી આમાંથી પ્રેરણા લેવા સૌને જણાવ્યું હતું જળ અભિયાનને ઇશ્વરીય કાર્ય છે તેમાં જનઅભિયાન જોડાય તે માટે અપીલ કરી હતી

તેમણે જણાવ્યું કે જળસંચયના આ અભિયાનમાં દરેક જિલ્લાને જળસંચય માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે પ્રમાણે કામ થઇ રહ્યું છે.  સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ સરકારના વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર રાજ્યમાં તળાવો ઉંડા કરવા, નદીઓને પુન:જીવિત કરવી, નર્મદા યોજનાની કેનાલોની સફાઇ, ચેકડેમોની સફાઇ જેવી જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં જળસંચય અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે ત્યારે  સૌ કોઇને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી હતી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ખેડૂતોને બેવડો ફાયદો થઇ રહ્યો છે. તળાવની જળસંગ્રહ શક્તિ વધશે તેની સાથે ખોદકામ દરમિયાન નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતો ટ્રેકટરો મારફત પોતાના ખેતરમાં લઇ જાય છે. જેથી જમીનની ફળદ્રુપતા વધશે. તળાવ ઉંડુ થતાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળશે. વધુમાં ખોદકામ દરમિયાન નીકળતો કાંપ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં નાખે છે. જેથી જમીનની ફળદ્રુપતા વધવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે.

પાણી જ વિકાસનો આધાર છે અને પૂરતું પાણી એ વિકાસની પૂર્વ શરત છે એવી લાગણી વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં ધર્મશકિત અને જનશકિતના સહયોગથી એક મહિનાનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહયું છે. આ અભિયાનમાં સંતો-મહંતો, સંસ્‍થાઓ અને લોકોએ તન, મન અને ધન થી સહયોગ આપ્‍યો છે. તેના ભાગરૂપે 11 હજાર લાખ ઘનફુટ માટીનું ખોદકામ કરી જળસંગ્રહશક્તિ વધારાશે, ૧૩ હજાર જેટલા તળાવો ઉંડા કરવાની સાથે નદીઓ અને કાંસો, નહેરોની સફાઇ, ખેત તલાવડીઓ બનાવવી અને ઉંડાઇ વધારવી જેવા કામો હાથ ધરવામાં આવ્‍યા છે. આ અભિયાન હેઠળ જળસંગ્રહની ક્ષમતા વધારતા કામો માટે ૪૦૦૦ થી વધુ જે.સી.બી., ૧૦ હજારથી વધુ ટ્રેકટર્સ અને યાંત્રિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે તેવી જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ધાર્મિક અને શિક્ષણ સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, યુવક મંડળો ઇત્યાદીનો તેમાં અભૂતપૂર્વ સહયોગ મળી રહયો છે અને લોકનજર હેઠળ સંપૂર્ણ પારદર્શક કામગીરી થઇ રહી છે.

રાજ્યભરમાં જળસંગ્રહ માટે હાલ ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત ગામેગામ તળાવો ઉંડા કરવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં તંત્રને પ્રેરણા આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં શ્રમદાન કર્યું હતું. તેમણે નાગરિકોને પાણીની પ્રત્યેક બૂંદનું મૂલ્ય સમજીને આ ચોમાસામાં મહત્તમ જળનો સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો.

પાટણ જિલ્લામાં 102 તળાવો ઉંડા કરવા, 29 ચેકડેમો, મનરેગા હેઠળ 69 તળાવો અને નર્મદા યોજના તળે 865 લાખના ખર્ચે નહેરોની સફાઇ થવાની છે. જિલ્લામાં રૂપેણ નદીને રૂ.33.26 લાખના ખર્ચે પુનજીવીત કરવાની છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સંગઠનો, ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જળસંચયના કામો માટે દરેક ઘરમાંથી રૂ.01નો સંગ્રહ કરી રૂ.61,0000 જળસંચય માટે ચાર ધનકુંભ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા. રામણદાના વતની શ્રી લગધીર દેસાઇએ રૂ.25,000નો ચેક કન્યા કેળવણી નિધીમાં મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો મુખ્યમંત્રીશ્રીએ રૂ.61,000 રૂપિયા જળસંચય માટે જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યા હતા

મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત રાજ્ય સ્તરે હોકીની રમતમાં સરસ્વતી તાલુકા ઉંદરા ગામની બહેનો દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં જી.આઇ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે અને અગ્રણી કે. સી. પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જળસંચય અભિયાન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ શ્રી લીલાધર વાઘેલા, અગ્રણી કે.સી.પટેલ, મયંક નાયક, જુગલજી ઠાકોર, મોહનભાઇ પટેલ, મહંતશ્રી ભારતીબાપુ, હજ કમિટીના ચેરમેન મહંમદ હુસેન કાદરી, પુર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, ભાવેશ પટેલ, સ્નેહલ પટેલ, દશરથજી ઠાકોર, ભરતભાઇ રાજગોર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Source: Information Department, Gujarat