Latest News

Guj CM launched pan-India single helpline number ‘112’ for various emergency services

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપાતકાલમાં મદદ સહાય માટે દેશભરમાં એક જ સહાયતા નંબર ૧૧રની સેવાઓનો રાજ્ય પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો હતો.

  તેમણે આ વ્યવસ્થા સમગ્ર દેશ માટે એક સમાન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને જનહિતલક્ષી મહત્વપૂર્ણ વહિવટી નિર્ણય ગણાવતાં કહ્યું કે GSTને જેમ વન નેશન વન ટેક્ષ તરીકે સ્વીકૃતિ મળી છે તેમ આ ૧૧ર નંબર પણ વન નેશન વન હેલ્પલાઇન બનશે.

  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રારંભિક તબક્કે ૭ નવા જિલ્લાઓમાં આ ૧૧ર હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે શરૂઆતના તબક્કે ઇમરજન્સી સેવાના અન્ય નંબરો ૧૦૧, ૧૦૮, ૧૦૦, ૧૯૬ર, ૧૮૯ યથાવત રહેશે અને સમયાંતરે તેને ૧૧ર જોડે ભેળવી દેવાશે. સમગ્ર રાજ્યમાં પણ તેનો વ્યાપ વિસ્તારવાની નેમ તેમણે દર્શાવી હતી.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ GVKEMRI સાથે હાલ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ તેમજ ગૃહ વિભાગ દ્વારા અભયમ હેલ્પલાઇન, ફાયરબ્રિગેડ માટે ૧૦૧, કરૂણા એનીમલ હેલ્પલાઇન ૧૯૬ર જે સેવાઓ હાલ કાર્યરત છે તે બધી જ સેવાઓ માત્ર ૧૧ર નંબર એક જ નંબર પરથી ઉપલબ્ધ થવાથી નાગરિકોને પણ આપત્તિના સમયે મદદ સહાયમાં સરળતા રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

  આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ૧૧ર ઇન્ટીગ્રેટેડ સેવા સાથે જોડાયેલા અભયમ હેલ્પલાઇન, ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સના વાહનોને પ્રસ્થાન પણ કરાવ્યું હતું.

  રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી ગણપતભાઇ વસાવા, કુંવરજીભાઇ બાવળીયા, પ્રદિપસિંહ જાડેજા, કુમારભાઇ કાનાણી, રમણભાઇ પાટકર, વિભાવરીબહેન દવે અને બચુભાઇ ખાબડ તેમજ મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, ગૃહ, આરોગ્ય, કૃષિના અધિક મુખ્ય સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા અને  GVKEMRIના CEO શ્રી જશવંત પ્રજાપતિ, અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

  Source: Information Department, Gujarat