Latest News

Guj CM launching deepening of water-lake undertaken by Swaminarayan Sampraday Sansthan (SSS), Bhuj

  મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે કચ્‍છમાં ભુજ નજીક સ્‍વામિનારાયણ સપ્રદાયની સંસ્‍થા મોચીરાઇ ખાતે મોચીરાઇ તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહયું કે, સ્‍વામિનારાયણ સંપ્રદાયએ અનેક સેવાકીય પ્રવૃતિ કરીને સમાજમાં સદાચાર અને માનવ સેવાની જયોત પ્રજ્જવલિત કરી છે. મુખ્‍યમંત્રીશ્રીએ કચ્‍છ જિલ્‍લામાં સંસ્‍થાઓ અને સંતોના સહયોગથી ગામે ગામ ચાલતા સુજલામ-સુફલામ જળ અભિયાનના કામોથી કચ્‍છના લોકોને અનેક ફાયદા થશે તેમ જણાવ્‍યું હતું.

  મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે વધુમાં કહયું હતું કે, ગુજરાતમાં જળ અભિયાન જન અભિયાન બની રહયું છે. આ અભિયાન રાજકીય નથી પરંતુ ગુજરાતના દરેક નાગરિક અને જીવસૃષ્‍ટિના કલ્‍યાણ માટે છે. આગામી ચોમાસામાં વરસાદનું પાણી વધુ સંગ્રહ કરી શકાય તેવી ક્ષમતા ગુજરાતમાં ઉભી થશે. સરકારના આ કાર્યમાં ગામે ગામ લોકો અને સંસ્‍થા જોડાઇ રહી છે તે અંગે મુખ્‍યમંત્રીશ્રીએ હર્ષની લાગણી વ્‍યકત કરી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ કાલુપુર સ્‍વામિનારાયણ મંદીરમાં ૧૮૫૭ના સંગ્રામની સચવાયેલી સ્‍મૃતિ, તેમજ કચ્‍છ બોર્ડર ખાતે સ્‍વામિનારાયણ મંદીર દ્વારા મંદીરના નિર્માણ માટે રૂ.૨ કરોડનું દાન આપવામાં આવી રહયું છે તે બાબત સહિતની સેવાકીય કાર્યોની રૂપરેખા આપી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના દરિયાકાંઠે દરિયાના ખારા પાણીને મીઠું કરી તેનો ઉપયોગ કરવા ગુજરાત સરકાર પ્રોજેકટ લાવશે અને આગામી દિવસોમાં જોડીયા પાસે રૂ.૭૦૦ કરોડના ખર્ચે ડીસેલેશન પ્‍લાન્‍ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ પણ જણાવી કચ્‍છી માડુઓની સાહસિકતા અને ખમીરી અને જનકલ્‍યાણના કામોમાં સહભાગીતાને બિરદાવી હતી.

  કાર્યક્રમના પ્રારંભે મુખ્‍યમંત્રીશ્રીએ ભુજ સ્‍વામિનારાયણ મંદીર દ્વારા ગાય માટે નિરણ-ઘાસ વિતરણ કરવામાં આવે છે, આ સેવાકીય પ્રવૃતિ હવે ૨૨ કેન્‍દ્રો ઉપરથી થશે. વિસ્‍તરતી જતી આ સેવાકીય પ્રવૃતિના પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ ગાયને ઘાસચારો આપ્‍યો હતો. ત્‍યારબાદ મોચીરાઇ ખાતે તળાવના કાંઠે સ્‍વામિનારાયણ ભગવાનની નિલકંઠવર્ણી સ્‍વરૂપની મૂર્તિનું અનાવરણ કર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રીએ મોચીરાઇ પ્રસાદ તળાવનું ખાણેત્રુ કરવાની કામગીરીનું પ્રારંભ કરાવ્‍યો હતો. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણીએ શ્રમદાન કરી શ્રમદાનમાં જોડાયેલી બહેનોને છાશનું વિતરણ કર્યુ હતું.

  આ પ્રસંગે કોઠારી સ્‍વામિ જાદવ ભગતે પ્રાસંગિક પ્રવચન કરી જળઅભિયાન સરકારનું જ નહીં દરેક સમાજ અને લોકોનું કાર્ય છે તેમ જણાવી ગામે ગામ આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી. ભુજ સ્‍વામિનારાયણ મંદીરના મહંત સ્‍વામી ધર્મનંદનદાસજીએ મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રીએ મહંત સ્‍વામિ ૮૫ વર્ષની ઉંમરે અનેક સેવાકીય પ્રવૃતિ કરે છે તેને બિરદાવી વંદન કર્યા હતા.

  આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્‍ય ડો.નીમાબેન આચાર્ય, જિ.પં.પ્રમુખ કૌશલ્‍યાબેન માધાપરિયા, જિલ્‍લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, અગ્રણીશ્રી પુષ્‍પદાનભાઇ ગઢવી, રામજીભાઇ ગોરસીયા, જ્ઞાનસ્‍વરૂપદાસ સ્‍વામી, પૂર્વ ધારાસભ્‍ય સર્વશ્રી જયંતીભાઇ ભાનુશાળી, છબીલભાઇ પટેલ, પંકજભાઇ મહેતા, પ્રભારી સચિવશ્રી ગુપ્‍તા, જિલ્‍લા કલેકટર સુશ્રી રેમ્‍યા મોહન તેમજ હરીભકતો, સુખપરના ગ્રામજનો અને મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહયા હતા.

  Source: Information Department, Gujarat