Latest News

Guj CM laying foundation stone ceremony of Lord Hanumaan temple at Bheliya Bet, Kutch

  રાષ્ટ્રભાવનાના પ્રેરણાસ્ત્રોત એવા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરછના ભેળિયા બેટ ખાતે સ્વામિનારાયણ સંસ્થા, ભુજ દ્વારા રૂ. ૨ કોડના ખર્ચે હનુમાનજી મંદિરના પુન:નિર્માણના  શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું.

  સરહદ પર કોઇપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા સૈનિકોને દાતાઓ દ્વારા એર કુલર અને વોટર કુલર સૈનિકોને પ્રદાન કરવામાં આવતા અત્યંત આનંદની લાગણી મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ દેખાડતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર સૈનિકોને જરૂરી તમામ મદદ કરવા પ્રતિબદ્ધ છે.

  ગત વર્ષ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ નળાબેટ સરહદ પર બી.એસ.એફ. ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી આ પ્રસંગે મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે સૈનિકો દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રીશ્રી એ આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવ્યો હતો, એજ રીતે ભેળિયા બેટ ખાતે સૈનિકોને ચોખ્ખું પાણી અને રોડ-રસ્તાની તેમજ મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવા કોલ આપતા સૈનિકો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી હતી.

  સ્વામિનારાયણ જેવી ધાર્મિક સંસ્થાઓ શિક્ષણ તેમજ અનેક સેવાભાવી સામાજિક કાર્યો કરતી હોય ત્યાગ, બલિદાન અને સમર્પણ થકી રાષ્ટ્રભાવના ઉજવળ કરતા બોર્ડર સિક્યોરિટી દળના સૈનિકો માંથી પ્રેરણા મળે અને દેશ માટે ગુજરાતના યુવાનો સૈન્યમાં જોડાય તે માટે મુખ્યમંત્રીશ્રી એ સરહદ પરના ગામોમાં સૈનિક શાળાઓ ખોલવા વિચાર વ્યક્ત કર્યો હતો. જેના માટે રાજ્ય સરકાર જમીન આપશે.

  આ તકે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા હનુમાનજી મંદિરને રૂ. ૨ કરોડના ખર્ચે અધ્યતન બનાવવાની ભાવનાને બિરદાવી જણાવ્યું હતું કે, આ વિશાળ મંદિરના નિર્માણથી સૈનિકોના જોમ અને જુસ્સામાં વધારો થશે.

  આ તકે મુખ્યમંત્રીશ્રી એ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાનની માહિતી આપતા જણાવ્યું હતું કે અનેક નાના મોટા તળાવો અને નદીઓમાં ઊંડાણ કરી ૧૧ હજાર લાખ ઘન ફૂટ માટી કાઢી તેટલીજ નવી જળરાશી સંગ્રહ કરી પાણીની સમસ્યાનો વર્ષાદના પ્રારંભે જ ઉકેલ લાવવામાં આવશે. આ તકે મુખ્યમંત્રીશ્રી એ દેશ-વિદેશમાં વસતા કચ્છીઓને જળ સંચય અભિયાનમાં લોકભાગીદારીથી જોડાઈ પાણીદાર કચ્છ બનવવા અપીલ કરી હતી તેમજ શ્રી વિજયભાઈએ કચ્છ ખાતે ગંભીર અક્સ્મ્તાતમાં મૃતકોના બન્ને પરિવારને કુલ રૂ. ૧૫ લાખની સહાય જાહેર કરી તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

  આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થા, ભુજના આચાર્ય રાજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરતા જવાનો પાસે જવું તેને હું તીર્થ યાત્રા સમાન ગણું છું. સ્વામીનારાયણ સંપ્રદાય દેશભક્તિને વરેલો છે. હનુમાનજી અમારા કુલદેવતા છે. આ ભેળિયા બેટ હનુમાને અમને મોટા મંદિર બનાવવાની પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંદિરનું શિલાન્યાસ થયેલ છે.

  જયારે મહંત સ્વામી શ્રી ધર્મનંદન લાલજી મહારાજે મંદિર સાથોસાથ વિશાળ હોલના નિર્માણ તેમજ બી.એસ.એફ ના જવાનોને જરૂરી સુવિધા દાતાઓના સહયોગથી ઉભી કરાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.

  સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી વાસણાભાઈ આહિરે જણાવ્યું હતું કે ધર્મ સત્તા દ્વારા સામાજિક દાયિત્વ નિભાવવાના આ કાર્યમાં પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આવ્યા છે. દેશની રક્ષા કરતા જવાનો સાથે દિવાળી પર્વ ઉજવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરંપરા જાળવી રાખી છે તેમજ આ તકે તેમણે સંતો મહંતો નો મંદિર નિર્માણમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો.

  સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની ૧૦ લાખની ગ્રાન્ટ તેમજ દાતાઓના સહયોગ થી ૨૭૫ જેટલા એર કુલર અને ૧૦૦ જેટલા વોટર કૂલર જવાનોની સુવિધા માટે આપવામાં આવ્યા હોય આ પ્રસંગે તેમણે દાતોનો આભાર માન્યો હતો.

  બી.સે.એફ. ના આઈ.જી. શ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી એ દોઢ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં સીમા દર્શનની શરૂઆત કરાયા બાદ ૩ લાખ લોકોએ મુલાકાત લીધલી છે. તેમણે ઉમેર્યુ હતું કે કચ્છની સરહદ પર જવાનો ૩૬૫ દિવસ પહેરો ભરીને સુરક્ષા કરે છે જ્યાં પશુ પક્ષી કે લોકો જોવા મળતા નથી ત્યારે હનુમાનજી નું મંદિર નિર્માણ પામશે ત્યારે અનેક લોકો મુલાકત લેશે તેમજ જવાનો સાથે સોહાર્દ્પૂર્ણ વાતાવરણ ઉભું થશે.

  આ પ્રસંગે ધારાસભ્યશ્રીમતી નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યા બેન, શ્રીમતી અંજલીબેન રૂપાણી, કલેક્ટર મેડમ શ્રી રેમ્યા મોહન, કચ્છ બોર્ડર રેન્જના આઈ. જી. પીયુષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, કોઠારીશ્રી જાદવજી ભગત, ભાજપના પ્રભારીશ્રી બિપીનભાઈ દવે, સંતો-મહંતો, પોફીયા સંસ્થાના શ્રી નિમેશભાઈ ઉદ્યોગપતિ તેમજ દાતાઓ શ્રી તુલસીભાઈ, રામજીભાઈ, નીખીલભાઈ, હરીભક્ત ભાઈ બહેનો તેમજ વિશાળ સંખ્યામાં બી.એસ.એફ. ના જવાનો હાજર રહ્યાં હતાં અને આયોજન વ્‍યવસ્‍થા શ્રી હરેશ સાધુએ સંભાળી હતી.

  Source: Information Department, Gujarat