Latest News

Guj CM meets Israel PM Mr. Benjamin Netanyahu, discusses expanding ties in various areas of development

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસમાં ઇઝરાયેલના વડાપ્રધાન શ્રીયુત બેન્જામિન નેતાન્યાહૂની ફળદાયી શુભેચ્છા મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીશ્રીની ૪પ મિનિટથી વધુ લંબાણ પૂર્વકની આ મૂલાકાત બેઠક દરમિયાન કૃષિ, સાયબર સિકયુરિટી, વોટર મેનેજમેન્ટ અને ઇનોવેશન્સના ક્ષેત્રોમાં વધુ સહકારની દિશામાં ફળદાયી ચર્ચા-વિમર્શ થયો હતો.

ઇઝરાયેલના વડાપ્રધાનશ્રીએ આ સહકારના ક્ષેત્રોને વધુ સાતત્યપૂર્ણ બનાવવાના હેતુથી વિચાર-વિનિયોગ પ્રોત્સાહન માટે જોઇન્ટ વર્કિંગ ગૃપની રચના માટેનું પ્રેરક સૂચન કર્યું હતું તેનો શ્રી વિજયભાઇ રૂપાણીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રીયુત નેતાન્યાહૂ સાથેની ચર્ચા-વિમર્શમાં કહ્યું કે, ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે કૃષિ તથા ઇનોવેશન ક્ષેત્રમાં સહયોગની વિપૂલ સંભાવનાઓ છે તેનો ફાયદો ખેડૂતો અને યુવાઓને મોટા પ્રમાણમાં મળી શકે તેમ છે.

ઇઝરાયેલ પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઇઝરાયેલના સાયબર એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાતના યુવાનોને આપી શકાય તે માટે મુખ્યમંત્રીશ્રી સાથે આ માટેની કાર્યયોજના અંગે વિગતે પરામર્શ કર્યો હતો.

આ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે બેય પ્રદેશો સાથે મળીને ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી પ થી ૧૦ સપ્તાહના એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ અન્વયે ઇઝરાયેલની ઉચ્ચત્તમ ટેકનોલોજીનો લાભ ગુજરાતના યુવાનોને મળશે.

ઇઝરાયેલ પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રોગ્રામ ટેકનોલોજી ટ્રાન્સફર પ્રક્રિયાને વેગવાન બનાવી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રોજગાર અવસરો પણ ઊભા કરશે.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રીયુત નેતાન્યાહૂએ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ગુજરાત સાથે ગહન સહભાગિતાથી કામ કરવાની ખાતરી આપી હતી. તેમણે ગુજરાત અને ઇઝરાયેલ બેય તરફના ઊદ્યોગ સાહસિકોના માધ્યમથી શ્રેષ્ઠ અને વ્યાપક પ્રમાણમાં ટેકનોલોજી ટ્રાન્સફરની બાબતે ખાસ ભાર મૂકયો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બેઠક દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રીશ્રીને જણાવ્યું કે ઇઝરાયેલે ઓછા કુદરતી પાણી સ્ત્રોત વચ્ચે પણ રિસાયકલ્ડ વોટર-ડિસેલીનેશન વોટરથી પાણી જરૂરિયાત સંતોષી કરેલી કૃષિ ક્રાંતિ ગુજરાત માટે પથદર્શક બનશે.

આ સંદર્ભમાં તેમણે ગુજરાતમાં રિ-યુઝ ઓફ ટ્રિટેડ વેસ્ટ વોટર પોલિસી તેમજ ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપનાની વિગતો આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયેલે ટપક સિંચાઇ, ડિજિટલ ફાર્મિંગ, રીયલટાઇમ મોનીટરીંગ, સ્માર્ટ એનાલિસીસ જેવા કૃષિક્રાંતિના અભિગમો અપનાવીને ભૌગોલિક વિપરીત પરિસ્થિતિમાં પણ મહત્તમ પાક ઉત્પાદન મેળવ્યું છે તેના એક્ષપિરીયન્સ શેરિંગથી ગુજરાતમાં ખેતી અને ખેત ઉત્પાદન ક્ષેત્રે નવા આયામો સર્જવામાં અને ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના લક્ષ્યને પાર પાડવા ઇઝરાયેલની તેમની આ પ્રવાસ મુલાકાત પરિણામદાયી બનશે તેમ પણ ઇઝરાયેલ પ્રધાનમંત્રીશ્રીને જણાવ્યું હતું.

ઇઝરાયેલ પ્રધાનમંત્રી શ્રીયુત નેતાન્યાહૂએ તેમની જાન્યુઆરી-ર૦૧૮ની ભારત અને ગુજરાત મૂલાકાત અત્યંત સૌહાર્દપૂર્ણ અને અવિસ્મરણીય રહી હતી તેનો વિશેષ ઉલ્લેખ કરતાં ગુજરાતના નાગરિકોએ  તેમને જે ઉષ્માભર્યો આવકાર અને આતિથ્ય આપ્યું તે માટે હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં શ્રીયુત નેતાન્યાહૂએ પોતાના મિત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી માટે શુભેચ્છાઓ પાઠવીને બન્ને દેશો વચ્ચેના ઉષ્માપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરી હતી.

પોતાની ગુજરાત યાત્રાના સંસ્મરણો વાગોળતા ઇઝરાયેલના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, ‘‘અમે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના આ જોડાણમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને આ વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ યાત્રાથી ખુબ વધી ગયો છે.

‘‘ગુજરાતના પ્રવાસથી મને અત્યંત ખુશી થઇ છે અને આજે ગુજરાત ઇઝરાયેલમાં આવ્યું છે તેનો પણ આનંદ છે’’ તેમ ઇઝરાયેલ પ્રધાનમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત ડેલિગેશનને ઇઝરાયેલમાં આવકારતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રિસીઝન અને ડિઝીટલ એગ્રીકલ્ચર ફાર્મિંગનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવાની કરેલી વિનંતી બાબતે પણ શ્રીયુત નેતાન્યાહૂએ સહમતિ દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયેલ તરફથી ગુજરાતને પ્રાયોગિક ધોરણે ૧૦૦ ડિજિટલ ફાર્મિંગ યુનિટની ભેટ આપવા માટે શ્રીયુત નેતાન્યાહુનો આભાર માન્યો હતો.

તેમણે ઉમેર્યું કે ગુજરાત કૃષિ ક્ષેત્રે ડબલ ડિજિટ ગ્રોથ અને નવિનત્તમ પહેલ તથા કૃષિ ક્ષેત્રની સિદ્ધિઓથી ભારતના અન્ય રાજ્યો માટે કૃષિ વિકાસનું રોલ મોડલ બન્યું છે ત્યારે ઇઝરાયેલની આ ટેકનોલોજી ગુજરાતના કૃષિ ક્ષેત્રની ગુણવત્તા અને ઉત્પાદનને નવી બૂલંદી સર કરાવશે.

આ બેઠકમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાના સૈદ્ધાંતિક નિર્ણયની અને ગુજરાત સરકાર આ સંદર્ભમાં ત્વરાએ નોટીફિકેશન બહાર પાડવાનું છે તેની માહિતીથી વાકેફ કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત-ઇઝરાયેલના સંબંધોને નવો વળાંક આપ્યો હતો.

કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ઇઝરાયેલમાં ભારતીય રાજદૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશન સુશ્રી અંજુ કુમાર પણ આ મુલાકાત વેળાએ જોડાયા હતા.

Source: Information Department, Gujarat