રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ઓડ ખાતે રાજયની ૨૨૫મી અને જિલ્લાની ૮મી ઔદ્યોગિક વસાહતનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન
:: મુખ્યમંત્રીશ્રી ::
**
આણંદ જિલ્લાના વેપાર-ઉદ્યોગ જગતને ઓડ ઔદ્યોગિક વસાહતનો લાભ લઇને રાજયના વિકાસમાં યોગદાન આપવા મુખ્ય મંત્રીશ્રીનો અનુરોધ
થામણા-ખીજલપુર પાસે શેઢી નદી પર રૂા. ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થનાર પુલનું ઇ-ખાતમુહૂર્ત
ઓડ નગરપાલિકાના રૂા. ૮૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ
****
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં અંદાજે ૨૨૪ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૭૦ હજાર જેટલા MSME અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગો અને તેમાં કાર્યરત સેંકડો કુશળ લોકોની આવડતથી ગુજરાત દેશનું મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ સ્ટેટ, મેન્યૂફેકચરીંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે આણંદ જિલ્લાના ઓડ ખાતે ૩૩ હેક્ટરમાં સ્થપાનારી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ૨૨૫ મી અને આણંદ જિલ્લાની ૮ મી નવી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ અને સુંદર ઓડ માટે જરૂરી રૂ.૮૪૫.૨૨ લાખના ખર્ચે સ્થાપિત ૨.૫ લિટર ક્ષમતાના મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઈ- લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૩ કરોડથી વધુ રકમના ખર્ચે શેઢી નદી પર નિર્માણ પામનારા નવા પુલના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયના કુલ વીજ પુરવઠાનો ૪૦ ટકા ફાળો રિન્યુએબલ સ્ત્રોતમાંથી આવે છે. જયારે ભારતના જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો ૮ ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો ૧૭ ટકા છે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસની યાત્રાને વધુ વિસ્તારવા આ વર્ષના બજેટમાં રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગને અંદાજે રૂા. ૭ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતુ કે, રાજયમાં પાંચ સ્થળોએ એગ્રો ફુડ પાર્ક અને પાંચ સી-ફૂડ પાર્ક, મોરબીમાં ઇન્ટરનેશનલ સીરામીક પાર્ક જેવી જોગવાઇઓ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને નવું બળ આપશે.
મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ઇન્ડસ્ટ્રીયલ ભાવનગરમાં સ્થપાઇ રહ્યું છે, તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાની સાથે અંદાજે ૪૦ હજાર મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવાની સાથે ઉદ્યોગોને ૨૪ x ૭ વીજ પુરવઠો પૂરો પાડી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ લોકલ ફોર વોકલ, સ્કીલ ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી શ્રેણીબધ્ધ યોજનાઓ દેશને આપી છે, તેને સાકાર કરવામાં આ વસાહતોનું ખૂબ મોટું યોગદાન છે. ભારતને ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા તેમજ પાંચ ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં આ યોજનાઓના અમલ દ્વારા ગુજરાત પોતાનું આગવું યોગદાન આપી રહ્યું છે.
ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હવે ગુજરાતની વિશ્વ ઓળખ બની ગયેલી વાયબ્રન્ટ સમિટની સીરીઝથી વિશ્વભરના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે. તેમ જણાવતાં તેમણે MSMEને નાના કારખાનાની સ્થાપનામાં રાજયએ કરેલી સરળતાની ભૂમિકા આપી રાજયના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન, પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને સ્પેશીયલ ઇકોનોમીક ઝોન કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારે જી.આઇ.ડી.સી.ના માધ્યમથી જિલ્લા-તાલુકા અને ગ્રામ કક્ષાએ મધ્યમ અને લઘુ ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક વસાહતો ઉભી કરીને વોકલ ફોર લોકલની દિશા અપનાવી છે. તેમણે વધુમાં કહયું કે, હવે આપણે કલસ્ટર બેઇઝ MSMEનો વિકાસ કરવા અને દરેક જિલ્લાની આગવી ઓળખ સમા ઔદ્યોગિક ઉત્પાદનોને પ્રમોટ કરવા “વન ડીસ્ટ્રીકટ – વન પ્રોડકટ”ના વિચારને સાકાર કરવા આગળ વધી રહ્યા છે.
ગુજરાતની વિવિધ નીતિઓ ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયાનો વેગવાન બનાવી રહી છે અને ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીયલ, સ્ટાર્ટ અપ, ઇલેકટ્રોનિકસ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, આઇ.ટી., ગારમેન્ટ એન્ડ એપેરલ તથા ન્યુ સોલાર પોલીસી જેવી પ્રોત્સાહક પોલીસીઓ ગુજરાતની વિશેષતા છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને આગળ લઇ જવાનો આ અવસર મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં રોજગાર સર્જન સાથે ઔદ્યોગિક ગતિ-પ્રગતિને વેગવંગતી બનાવશે તેવી લાગણી વ્યકત કરતાં આણંદ જિલ્લાના વેપાર-ઉદ્યોગ જગતને ઓડ ઔદ્યોગિક વસાહતનો લાભ લઇને રાજયના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
અગાઉ જીઆઈડીસી માટે જમીન આપવામાં વિરોધ થતો હવે હવે ગુજરાત સરકારની ઉદાર નીતિઓને લીધે સંમતિથી જમીન મળે છે, તેનો હર્ષ વ્યક્ત કરતા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ
શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ અવરોધોનું નિવારણ કરી ઓડ ઔદ્યોગિક વસાહતની સ્થાપના સરળ અને ઝડપી બનાવી છે.ગુજરાતની જીઆઈડીસીઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવે છે અને દેશમાં મોડેલ રૂપ ગણાય છે.
તેમણે દક્ષિણ ગુજરાતથી અમદાવાદ સુધીના ઉદ્યોગોની શુદ્ધ કરેલા વપરાશી પાણીના નિકાલની ચિંતાનું પાઇપ લાઈન યોજના જાહેર કરીને નિવારણ કરવા માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે રૂા. પાંચ હજાર કરોડની આ યોજના વસાહતો માટે આશીર્વાદ સમાન બની રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણો દેશ કોઈ બાબતમાં કોઈના પર આધારિત કે ઓશિયાળો ના રહે તેવા વાતાવરણનું નિર્માણ કર્યું એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમની દૂરંદેશીથી વિદેશમાં શિક્ષિત યુવાનો દેશમાં પાછા ફરી રહ્યાં છે, સ્ટાર્ટ અપ શરૂ થઈ રહ્યાં છે. કોરોના કાળમાં આત્મ નિર્ભર યોજનાથી ઉધોગોને પીઠબળ મળ્યું છે.
તેમણે ૧૯૯૫માં જીઆઈડીસીના અધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળથી ઉદ્યોગ સ્થાપના માટેની નીતિઓના સરળીકરણની ભૂમિકા આપી હતી અને ઓડ વસાહત લોકોને ઘર આંગણે રોજગારી આપશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતને વિકાસનું રોલ મોડેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાવ્યું તેવી લાગણી વ્યક્ત કરતા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત તરફની વિકાસ કૂચમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અગ્રેસર છે, કોરોના કાળમાં પણ વિકાસ કૂચ અટકી નથી. ઓડ જીઆઈડીસીથી રોજગારીની નવી તકો મળશે. ઉત્પાદકોને તેમના ઉત્પાદનો બનાવવાની, દેશભરમાં વેચવાની અને નિકાસ કરવાની તક આ જીઆઈડીસી આપશે.
ગુજરાત પોલિસીના આધારે વિકાસની કેડી કંડારનારું રાજ્ય છે તેના ઉલ્લેખ સાથે સૌને આવકારતા જીઆઈડીસીના ઉપાધ્યક્ષ શ્રી એમ. થેન્નારસને જણાવ્યું કે રાજ્યની ૨૨૫મી ઓડ ઔધોગિક વસાહતમાં એમએસએમઇ અને મોટા ઉદ્યોગો સ્થાપી શકાય તેવી સુવિધા છે. માળખાકીય સવલતો અને ભારત સરકાર રાજ્ય સરકારના પ્રોત્સાહક લાભો અહીંના ઉધોગોને મળશે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ અને લાલસિંહ વડોદિયા, અગ્રીણઓ સર્વ શ્રી અમીત ઠાકર અને વિપુલભાઇ પટેલ, પ્રદેશ-જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, મહિલા સંગઠનની અગ્રણી મહિલાઓ, ઓડ, ઉમરેઠ, બોરીયાવી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને કાઉન્સિલરો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યવાહકો, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જી.આઇ.ડી.સી.ના કાર્યપાલક નિયામક, મુખ્ય ઇજનેર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat