Latest News

Guj CM Shri Vijaybhai Rupani dedicates various development work at Rajkot

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર માટે પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ઉત્સવ એ
  વિકાસોત્સવ બન્યો હોવાનું જણાવી ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી
  કરી શકે તેવા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા અને રાજકોટ શહેર પોલીસ તેમજ પીજીવીસીએલ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રીના
  હસ્તે અંદાજીત રૂપિયા ૫૬૫.૭૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  સૌનો સાથ સૌનો વિકાસના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા સરકારે ગુજરાતમાં આરંભેલા સર્વાંગી વિકાસના યજ્ઞનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં વિકાસના કામો સતત ચાલી રહ્યા છે. રાજ્યના વિકાસ માટે નક્કર યોજનાઓ બનાવી તેના થકી નક્કર કામો આરંભાય અને તે સમય મર્યાદામાં પૂર્ણ થાય એ જ આ સરકારની પ્રાથમિકતા રહી છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આધુનિક રાજકોટના સર્વાંગી વિકાસ માટે સરકાર તત્‍પર છે. આ માટે રાજકોટ શહેરની સાથે જિલ્લાભરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં નવું આધુનિક બસ સ્ટેન્ડ તેમજ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ ઝનાના હોસ્પિટલના આધુનિક ભવનના નિર્માણની સાથે જિલ્લાના વિકાસને વેગ મળે તે માટે ખીરસરા ખાતે અદ્યતન જીઆઇડીસીનું કાર્ય પણ હાથ ધરવામાં આવનાર છે.

  રાજકોટ શહેરમાં બનતા ગુનાઓ અટકે અને ગુનેગારો ઝડપથી પકડાય તે માટે શહેરને સીસીટીવી કેમેરાથી સજજ બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય તે માટે રાજકોટ શહેરમાં અંદાજિત રૂ ૨૫૦ કરોડના ખર્ચે પાંચ નવા ઓવરબ્રિજ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજકોટમાં ‘ વેસ્ટ ટુ એનર્જી ’ ના માધ્યમથી કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી
  તેની આવકના નાણાં શહેરના વિકાસમાં વપરાશે. આ તકે પ્રજાના કામો માટે રાજ્ય સરકાર પ્રો-એક્ટિવ બની કાર્ય કરી રહી હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત બનેલા ગુજરાતમાં જ્યાં માનવી ત્યાં સુવિધાના
  ધ્યેય મંત્ર સાથે લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ થકી આ સરકાર માત્ર વિકાસ અને સુવિધાના લક્ષ તરફ
  આગળ વધી રહી છે.

  આ તકે મુખ્યમંત્રીશ્રીએ પી.જી.વી.સી.એલ.ના ઇ-વ્હીકલ્સનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પોલીસની દુર્ગા શક્તિ ટીમને સી.એસ.આર. ફંડમાંથી ફાળવવામાં આવેલ સ્કુટી મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

  આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા,  મેયર શ્રી બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના  ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટર શ્રી રેમ્યા મોહન, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ, તેમજ અગ્રણીઓ સર્વશ્રી કમલેશભાઈ મેરાણી, નીતિન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat