Latest News

Guj CM Shri Vijaybhai Rupani Inaugurated new Krishi Utpann Bazar Samiti at Sutrapada

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહ્યુ કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે નવી સુવિધા માર્કેટ યાર્ડ ના સ્વરૂપે જનતાને ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં અર્પણ કરી છે.

    આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતમાં ઝડપથી વિકાસના કામો થઈ રહ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતો માટે  નર્મદાના પાણી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ ઝડપથી આપવા ની કાર્યવાહી પૂર્ણ કરી છે.સૌરાષ્ટ્રમાં પાણી નો દુકાળ ભૂતકાળ બને તે માટે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદા ડેમના પાણીથી ભરવાની પ્રક્રિયા  એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ સમૃદ્ધ બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે અને ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ સૌની યોજનાથી ભરાશે.

    આ સરકાર ખેડૂતો ગરીબો વંચિતો ની સરકાર છે, ખેડૂતોને પૂરતા ભાવ મળે યુવાનોને રોજગારી મળી રહે પાકના પુરતા ભાવ મળે તે દિશામાં સરકાર મહત્વના કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોને મૂલ્યવર્ધન સાથે પુરતા ભાવ મળે આપણા ખેડૂતોનો માલ વિદેશમાં નિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે. ફાર્મ ટુ ફોરેનની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સરકાર મગફળી ના ટેકાના ભાવો થી  ખરીદી કરવા જઈ રહી છે સહકારી મંડળી દ્વારા નહીં પણ યાર્ડ દ્વારા મગફળીની ખરીદી થશે ખેડૂતોને પૂરતા નાણાં મળી રહે અને પછી હરાજીમાં માલ જશે રાજ્ય સરકાર દ્વારા પારદર્શક રીતે ઓનલાઈન નોંધણી કરી વહેલા તે પહેલા ના ધોરણે ખરીદી થશે.

    મગફળી ટેકાના ભાવે ખરીદવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર ડામી સંપુર્ણ પારદર્શીતા અપનાવી અન્ય લોકોથી ખેડૂતોને નુકસાન થતું અટકાવી  સરકારે મગફળી ખરીદી કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે તેમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ભષ્ટાચાર ડામવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, આ સરકારે ભુતકાળમાં ઘઉંના ટેકાના ભાવ ૧૩૦૦ હતા તે વધારી રૂા. ૧૮૪૦ કર્યા, ચણાનાં રૂા. ૩૧૦૦ હતા તે વધારી રૂા. ૪૬૨૦ કર્યા અને મગફળીનાં ટેકાના ભાવ રૂા. ૩૮૦૦ હતા તે વધારીને ૪૮૯૦ કર્યા છે. આ સરકાર ખેડૂતોની છે, ગામડાની છે, ગામડા સમૃધ્ધ થશે તો શહેરો સમૃધ્ધ થશે અને ખેડૂતોને નુકશાન કરતા કોઇ તત્વોને ચલાવી લેવાશે નહી તેમશ્રી વિજયભાઇએ ઉમેર્યું હતું.

    સૌરાષ્ટ્રના સાગરકાંઠાના શહેરોમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી કરવા પ્લાન્ટ નાખી પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયાસો પણ સરકાર દ્વારા થનાર છે  તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે, વેરાવળ સોમનાથનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.

    ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, નવું વર્ષ આપણા માટે ફળદાયી નીવડે તેવી શુભકામના પાઠવી  માર્કેટ યાર્ડ સહકારી મંડળી ડેરીઓ દ્વારા ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન નું કામ થાય છે સરકાર દ્વારા અનેક લાભકારી યોજનાઓ છે જેનું ઉત્તમ ઉદાહરણ આ આધુનિક માર્કેટ યાર્ડ છે. ખેડૂતોના મુદ્દા ઉપર કદી રાજકારણ ન થવું જોઈએ આપણું ગુજરાત શાંતિપૂર્ણ ગુજરાત છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય થયા છે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન સૌની યોજનાનું પાણી મગફળીની ટેકાના ભાવે ખરીદી સહિતના અનેક નિર્ણયો ખેડૂતોના હિતો માટે સરકારે કર્યા છે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં કોઈ કચાશ ન રહે તે માટે અમારો વિભાગ કાર્ય કરી રહ્યો છે તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતુ.

    સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા એ કહ્યું  કે, સુત્રાપાડા તાલુકા ને ખુબ જ ટૂંકા ગાળામાં માત્ર ૧૪ મહિનામાં અધ્યતન માર્કેટીંગ યાર્ડ પ્રાપ્ત થયું છે ખેડૂત અને સાગરપુત્રો માટે અનેક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

    પૂર્વ મંત્રી અને યાર્ડ ના સ્થાપક શ્રી જશાભાઇ બારડે સૌનુ સ્વાગત કરી કહ્યું કે, આ માર્કેટયાર્ડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આઠ કરોડ ૬૨ લાખની સહાય સાથે ૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેનાથી ૪૮ ગામના ખેડૂતોને તેમની ખેત પેદાશોના વેચાણ માટે સુવિધાઓ મળશે.

    આ પ્રસંગે સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ, પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, રાજ્ય બીજ નિગમ ના ચેરમેન શ્રી રાજશીભાઇ જોટવા, પૂર્વ ધારાસભ્યશ્રી જેઠાભાઇ સોલંકી, લખમણભાઇ પરમાર, કાળાભાઇ ઝાલા, કે.સી.રાઠોડ, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ સહિત સહકારી સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ માર્કેટીંગયાર્ડના ચેરમેનશ્રી દીલીપસિંહ બારડે અને સંચાલન મહેશભાઇ જોષીએ કર્યું હતું.

     

     

    Source: Information Department, Gujarat