Latest News

Guj CM Shri Vijaybhai Rupani Inaugurated Savy Swaraj Sport Club at Ahmedabad

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે શહેરોમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ માટેની અત્યાધુનિક સુવિધાઓ આવશ્યક છે. સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબનું નિર્માણ આ દિશામાં એક આવકારદાયક પગલું છે. અમદાવાદના જગતપુર ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપમાં નવનિર્મિત સ્પોર્ટસ ક્લબના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રમત-ગમત, ખેલદીલી અને જીવન જીવવાની કળા શીખવે છે. તન- મનથી સ્વસ્થ રહેવા માટે અને આત્મના આનંદ માટે પણ રમત- મતમાં પ્રવૃત્ત રહેવું અત્યંત જરૂરી છે. તેમ તેઓએ ઉમેર્યું હતુ.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલ-મહાકુંભની શરૂઆત કરી બાળકો, યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગજનો સૌ કોઈને રમત- ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા જેના પરિણામે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું યુવાધન રમતગમત ક્ષેત્રે ઝળહળ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હોલીસ્ટિક એપ્રોચથી નિર્માણ પામેલા શહેરો જેમાં આંતરમાળખાકીય સુવિધા, હેપ્પીનેસ ઇન્ડેક્સ અને અત્યાધુનિક તકનીકથી સજ્જ નાગરિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે ત્યારે જ તે સ્માર્ટ સિટી બનતું હોય છે.

    મુખ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ શહેર વિશ્વના મોટા શહેરોની સમકક્ષ આગળ વધી રહ્યું છે ત્યારે રમત-ગમત માટે ૬ એકરમાં નિર્મીત સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ જેવી સુવિધા શહેર અને રાજ્યને ઉત્તમ કક્ષાના રમતવીરો તૈયાર કરવામાં સહાયરુપ બનશે. મુખ્યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી સેવી સ્વરાજ સ્પોર્ટસ ક્લબ ખુલ્લો મુક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબમાં ઉપલબ્ધ વિવિધ રમત-ગમત સુવિધાઓ નિહાળી હતી અને મશાલ પ્રજ્વલિત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સેવી સ્વરાજ ટાઉનશિપના નિર્માતાઓને અત્યાધુનિક રમત-ગમત સંકુલના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા.

    આ પ્રસંગે અમદાવાદ કલેકટર શ્રી કે.કે નિરાલા, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, ધારાસભ્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, બી.એ.પી.એસ. સંસ્થાના સંત બ્રહ્મવિહારીજી તથા સેવી સ્વરાજ ટાઉનશિપના નિર્માતા અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat