મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ઊદ્યોગ-વ્યવસાયકાર યુવાઓને વિશ્વ વેપારની તક ઝડપી લેવા આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ કે, સોશ્યલ મિડીયાના ફેસબૂક જેવા માધ્યમ પર વેપાર-કારોબાર વ્યવસાયના વ્યાપથી વિશ્વના કોઇપણ ખૂણે ઉપભોકતાને પ્રોડકટ-ઉત્પાદન પહોચાડવા યુવા સાહસિકો આઉટ ઓફ બોક્ષ થિકીંગ કરે તે સમયની માંગ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં એન્ટરપ્રેનીયોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા EDI અને ફેસબૂકના સંયુકત ઉપક્રમે ‘બૂસ્ટ યોર બિઝનેસ થ્રુ ફેસબૂક’નું લોન્ચીગ કર્યુ હતું.
ઊદ્યોગ રાજ્યમંત્રીશ્રી રોહિત પટેલ, ફેસબૂકના રિપ્રન્ઝટેટીવ રોહિત મહેતા, EDI ના નિયામક શ્રી સુનિલ શુકલા, ઊદ્યોગના અગ્ર સચિવશ્રી મનોજકુમાર દાસ, MSME કમિશ્નર રતન ચારણગઢવી સહિત યુવા ઊદ્યોગ સાહસિક તાલીમાર્થીઓ આમંત્રિતો આ લોન્ચીગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યકત કરી કે, આ લોન્ચીગને પરિણામે આવનારા દિવસોમાં ૧ લાખ જેટલા સ્મોલ એન્ટરપ્રેનીયોર્સ ફેસબૂક પર પોતાનો વ્યવસાય વિકસાવીને ભારતીય અર્થતંત્રને નવું બળ આપશે.
પ્રધાનમંત્રીશ્રીના મેઇક ઇન ઇન્ડીયા અને ન્યૂ ઇન્ડીયાના સંકલ્પને પણ આના પરિણામે વેગ મળશે તેવો વિશ્વાસ શ્રી વિજય રૂપાણીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકથી વેપાર-વ્યવસાય પ્રોત્સાહનની છણાવટ કરતા કહયું કે સોશિયલ મીડીયા માર્કેટીંગ-ઇ-માર્કેટીંગથી યુવા સાહસિકોને પણ આર્થિક લાભ થશે, તેમની પ્રોડકટની માંગ અનુસાર ગુણવત્તા સુધારવાનો અવકાશ રહેશે તેમજ કોમેન્ટ બોક્ષથી ઉપભોકતાઓ સાથે સીધો સંવાદ કરીને ફર્સ્ટ હેન્ડ રિએકશન જાણી શકાશે.
શ્રી વિજય રૂપાણીએ ગુજરાતીઓના જિન્સમાં જ વેપાર વણજ કૌશલ પડેલા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને ઉમેર્યુ કે, આ સોશિયલ મિડીયા ફેસબૂક દ્વારા યુવા સાહસિકોના સપનાને નવી ઊડાન મળશે અને ઘેરબેઠાં વિશ્વ વેપારનું આગવુ મંચ પણ તેમને વધુ સક્ષમ બનાવશે. એ અર્થમાં આ માધ્યમ ‘સસ્તુ ભાડું ને સિધ્ધપૂરની યાત્રા’ જેવું બનશે તેમ મુખ્યમંત્રીશ્રીએ માર્મિક શૈલીમાં જણાવ્યું હતું.
ફેસબૂક રિપ્રઝન્ટેટીવ શ્રી રોહિત મહેતાએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સૈકાઓ પહેલાં ગુજરાતીઓ સાત સમુંદર પાર કરીને-દરિયો ખેડીને વિદેશોમાં વેપાર માટે જતા હતા.
આજે હવે કોમ્યુનિકેશનના આ ઝડપી યુગમાં ફેસબૂક જેવા સોશ્યલ મિડીયા દ્વારા ઘરે બેઠા અને તે પણ પોતાની અનુકૂળતા પ્રમાણે સાત સમુંદર વ્યાપાર-વ્યવસાય વિસ્તારવાની તક નવ ઊદ્યોગ સાહસિકોને ગુજરાતની આ ઉર્વરા ભૂમિ પરથી મળી રહી છે.
તેમણે આ પ્રોજેકટથી ભારતભરના ર૦ રાજ્યો અને ૧૦૦ શહેરોના ર૦ હજારથી વધુ MSMEને લાભ મળી રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.
હવે ગુજરાતથી લોન્ચ થયેલો આ નવિન પ્રોજેકટ સમગ્ર ભારતને આવરી લેશે તેમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી રોહિત મહેતાએ રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમ અને સહયોગ માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
પ્રારંભમાં EDIના ડાયરેકટર શ્રી સુનિલ શુકલાએ EDI અને ફેસબૂકના સહયોગથી લોન્ચ થઇ રહેલા પ્રોજેકટની વિસ્તૃત ભૂમિકા સ્વાગત પ્રવચનમાં આપી હતી.
ફેકલ્ટી ડિન રમણ ગુજરાલે આભાર દર્શન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ EDI કેમ્પસમાં વૃક્ષારોપણ પણ આ પ્રસંગે કર્યુ હતું.
Source: Information Department, Gujarat