Latest News

Guj CM Shri Vijaybhai Rupani Started Gujarat Poshan Abhiyan – 2020 at Dahod

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૌતિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે એમ તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતા ઉમેર્યુ હતું.

  પોષણ અભિયાનના સંવાહક એવા ત્રીપલ એ (AAA) એટલે કે, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને એએનએમ વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ એક વર્ષ દરમિયાન તમામ બાળકોને સુપોષિત કરનારી આંગણવાડીના કાર્યકરને રૂ. ૧૨ હજાર, તેડાગર બહેનને રૂ. ૬ હજાર, આશા વર્કર અને એએનએમ વર્કરને રૂ. ૧૨-૧૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આમ કુલ રૂ. ૪૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યની તમામ આંગણવાડીને તેમા આવરી લેવામાં આવશે.

  મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથી કુપોષણને નેસ્તાનાબૂદ કરવા માટે અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે.

          તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે અને વ્યવસ્થાઓ વિકાસાવી તેને અમલી બનાવી છે. કિશોરીઓ એનેમિયામાંથી મુક્ત થાય એ માટે દવાઓ આપવામાં આવે છે. તેમના માટે પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. કિશોરી ભવિષ્યની માતા છે. જો કિશોરાવસ્થાથી જ કુપોષણ નાબૂદ થઇ જાય તો તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.

          મુખ્યમંત્રીશ્રીએ સગર્ભા માતાઓની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી દરકાર અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગર્ભાવસ્થાના પ્રથમ બે માસથી જ તેમની આશા વર્કરો દ્વારા નોંધણી કરવામાં આવે છે. એ બાદ તેમને પૂરક અને પોષક આહાર આપવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટના તાલુકાઓમાં સગર્ભા માતાઓને આંગણવાડી ખાતે એક ટાઇમનું ભોજન આપવામાં આવે છે. સાથે, તેની દરેક તબક્કે તબીબી તપાસ કરવામાં આવે છે. 

  તેમણે એમ પણ જણાવ્યું કે, બાળકનો જન્મ થાય એટલે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. ઉંચાઇ અને વજનના આધારે તપાસ કરતા જો તે કુપોષિત જણાય તો તુરંત સારવાર આપવામાં આવે છે. તેનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને તેમની માતા સાથે, બાલ સંજીવની કેન્દ્રમાં રાખવામાં આવે છે. આનુષાંગિક તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

          શ્રી રૂપાણીએ જણાવ્યું કે, આજનું બાળક આવતી કાલના ભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યને આપણે સૌએ સાથે મળીને ઉજ્જવળ બનાવવું છે. આ માટે ગુજરાતમાંથી કુપોષણે સંપૂર્ણપણે નાબૂદ કરી, સુપોષિત બનાવવું છે.

      આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખીઓ અને આરોગ્યની મહિલા કર્મચારીઓને હ્રદયસ્પર્શી અપીલ કરતા શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય તમારા ખોળામાં રમે છે. તમારે યશોદા માતાની જેમ આ બાળકોની સંભાળ લેવાની છે. તેમના આહાર અને આરોગ્યનું સંભાળ રાખીને તેમને કુપોષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. પોષણ અભિયાનના તમે મહત્વપૂર્ણ અંગ છો તેમ જણાવ્યું હતું. 

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના બાળકોને સુપોષિત બનાવવા માટે તમામ લોકોના સહયોગની આવશ્યક્તા છે. સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઓછામાં ઓછા એક કુપોષિત બાળકના વાલી બને, સપ્તાહમાં એક વાર આ બાળકની મુલાકાત અને તેના શારીરિક વિકાસની સંભાળ લે. એક વર્ષમાં માત્ર ૪૮ વખત બાળકની મુલાકાત લઇ તેને સુપોષિત બનાવવામાં લોકો સહયોગ આપે એ જરૂરી છે. આ ઇશ્વરીય અને જનસેવાનું ઉમદા કાર્ય છે.

          મુખ્યમંત્રીશ્રીએ બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું. સાથે,  કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશનનું પણ વિતરણ કર્યું હતું. મહિલા અને બાલ વિકાસ વિભાગના મેગેઝીન સહિયર ગોષ્ઠિ અને રેસીપી બૂકનું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું. રન ફોર પોષણમાં વિજેતા કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

          ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા. ૬૧.૨૭ લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, રૂ. ૮૧.૨૬ લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, રૂ. ૪૭ લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. દાહોદના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ મુખ્યમંત્રીશ્રીની પોષણ નિધિમાં રૂ. ૨.૯૦ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું.

          આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તમામ રાજયોને સુપોષિત કરવાના આહ્વાનને મુખ્યમંત્રીએ સ્વીકારીને દાહોદ જિલ્લાથી પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી પોતે પોષણત્રિવેણીને માર્ગદર્શન અને પ્રેરણા આપવા આવ્યા છે ત્યારે પોષાણ અભિયાનમાં જોડાઇ ગુજરાતને સુપોષિત કરવા આપણે દેશસેવાના એક ઉમદા અવસર તરીકે પોષણ અભિયાનને વધાવી લેવું જોઇએ.

          આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ કહ્યું કે, જેમ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદયનું પ્રથમ કિરણ દાહોદ મેળવે છે, તેમ સુપોષિત ગુજરાતનું પ્રથમ કિરણ પણ દાહોદથી નીકળે એ માટે પોષણ અભિયાનનો શુભારંભ દાહોદથી કરવામાં આવ્યો છે. નારી સશક્તિકરણ માટે રાજય સરકારે વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના જેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ત્યારે સુપોષિત ગુજરાતની સંકલ્પના સાકાર કરવા માટે તા.૩૦-૩૧ અને ૧ દરમ્યાન તમામ ૧૯૦ જિલ્લા પંચાયતો, ૧૬૨ નગરપાલિકાઓ, ૪૨ નગરોમાં પોષણ અભિયાનના કુલ ૧૩૦૨ કાર્યક્રમો યોજાશે.

          રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરએ પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા.

      આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી યોગેશભાઇ પારગી, ધારાસભ્ય સર્વ શ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી વજુભાઇ પણદા, શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, નગરપાલિકા પ્રમુખશ્રી અભિષેક મેડા, જિલ્લા પ્રમુખશ્રી શંકરભાઇ અમલિયાર, સચિવ સુશ્રી જયંતિ રવિ અને સુશ્રી મનિષા ચંદ્રા, રેન્જ આઇજી શ્રી ભરાડા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, એસપી શ્રી હિતેશ જોયસર ઉપસ્થિત રહ્યા હતા

  Source: Information Department, Gujarat