Latest News

Guj CM unfurls tricolour & receives the state salute on 72nd I-day at the state-level ceremony held in Surendranagar

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઝાલાવાડની ધરતી પરથી ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન આજે તિરંગો લહેરાવી તેને સલામી આપી પ્રજાજોગ સંદેશમાં ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. તેમણે ગુજરાતને સામાજિક સમરતા, સૌહાર્દભર્યા નવા ગુજરાતના નિર્માણ સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આ સરકારે ચરિતાર્થ કર્યો હોવાનું સગર્વ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં હકડેઠઠ જનમેદનીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વમાં રાષ્ટ્રભક્તિનો પ્રચંડ જુવાળ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવચનના પ્રારંભે આઝાદી સંગ્રામના શિરમૌર એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, અદિવાસી વન બંધુઓના ક્રાંતિ સંગ્રામના પ્રણેતા ગોવિંદા ગુરૂ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, જેવા અનેક વીર સપૂતોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા અને ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. તેથી આઝાદીનું મુલ્ય અને આઝાદીનું જતન સંવર્ધન માટે પેઢીને પણ પ્રેરિત કરીને આપણે સૌએ મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે.

હવે દેશ માટે જીવવાનો અવસર છે. જેમ સ્વરાજ્યની લડતમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી-સરદાર સાહેબે નેતૃત્વ કર્યું. તેમ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાની વિકાસયાત્રાનું નેતૃત્વ પણ આપણી ગુર્જરભૂમિના સંતાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ..

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં જનજનના આશીર્વાદ અને સમર્થનથી-વિશ્વાસથી  છેલ્લા રર વર્ષથી સતત સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી આપણે વિકાસના નવા સિમાચિન્હો સર કર્યા છે. માત્ર, સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એવા સિમીત ઉદેશથી નહિ, પરંતુ જન-જનનો વિકાસ દરેકની સુખાકારીની ખેવના માટે આ સરકાર કર્તવ્યરત છે.

શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો-માતા-બહેનો હરેકને વિકાસનો સમાન અવસર આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ હોય – આરોગ્ય હોય – સામાજીક સમરસતા – શાંતિ – સલામતિ હોય કે જનશકિતના સહયોગથી આરંભાયેલું જળસંચય અભિયાન હોય ગુજરાતે હંમેશા દેશને નવતર રાહ ચીંધ્યો છે. તેમ પણ કહ્યું હતું.

શ્રી રૂપાણીએ ગૌરવ સાથે કહ્યું કે, ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ આપણે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વાંગી વિકાસની બુનિયાદ શકિત પંચામૃત આધારિત વિકાસની કેડી કંડારી છે.

તેમણે પંચશક્તિ આધારિત ગુજરાતના વિકાસની વિગતો આપતા કહ્યું કે કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવને પરિણામે ૧૦૦ ટકા શાળા નામાંકન થયુ છે. ડ્રોપ આઉટ રેઇટ શૂન્ય પર લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. ગુણોત્સવથી એક કદમ આગળ, મિશન વિદ્યા થકી બાળકોને વાંચન, લેખન, ગણનનું સઘન શિક્ષણ આપવામાં આવે છે. રાજ્યમાં જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ હજાર ડિઝિટલ ક્લાસરૂમ શરૂ કરવાની નેમ છે. એક લાખ યુવાનોને એપ્રેન્ટીસ યોજના થકી રોજગારી આપવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વોટર સિક્યુરિટીની નવી સંકલ્પના આપતા જણાવ્યું કે રાજ્યને પાણીદાર બનાવવા માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં જનશક્તિનો વ્યાપક સહયોગ મળ્યો હતો. ૧૮૦૦૦ થી વધુ તળાવો, ચેકડેમ ઊંડા કરવામાં આવ્યા હતા. અઢી લાખ કરતા વધુ શ્રમિકોને રોજી-રોટી મળી હતી. પ૦૭પ તળાવો ઊંડા કર્યા- ૧૮૬૪ ચેકડેમ ૧૩૭ જળાશયોનું ડિસીલ્ટીંગ, ૩૪૦ કિ.મી. લંબાઇમાં ૩ર નદીઓ પૂર્નજીવીત કરીને ૧૩પ૦૦ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે. સાથોસાથ ર૦પ૦ સુધી રાજ્યમાં પીવાના પાણીની કોઇ જ સમસ્યા ન રહે તેવી વોટર સિકયુરિટી પણ પૂરી પાડવા આ સરકાર સંકલ્પબધ્ધ છે. પીવાના પાણીની અછત ભૂતકાળ બની જવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ  કૃષિક્ષેત્રમાં સૂક્ષ્મ પીયત પદ્ધતિ પર ભાર મૂકતા કહ્યું કે ઇઝરાયેલની જેમ આપણે ઓછા પાણીએ વધુ પાક લેવાની પદ્ધતિ અપનાવવી પડશે. ઇઝરાયેલના જળ વ્યવસ્થાપનના  સફળ પ્રયોગો આપણે ગુજરાતની ધરતી ઉપર ઉતારવા છે. ગુજરાતના દરિયા કિનારે ૧૦ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેની શરૂઆત રૂ.૯૦૦ કરોડના ખર્ચથી જોડિયા ખાતેથી થશે.

શહેરોના ગંદા પાણીને રિસાયકલ કરી પુનઃઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. પાણીના કરકસરપૂર્વકના ઉપયોગ અને રાજ્યના ધરતીપુત્રોના પરિશ્રમના પ્રસ્વેદથી ગુજરાતે કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટે પહોચાડ્યો છે. ર૦રર સુધીમાં દેશના કિસાનની આવક બમણી કરવાના વડાપ્રધાનના ધ્યેયને સાકાર કરવા આપણે આગળ આવવું છે.

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું છે.  રૂ. ૫૦૦૦ કરોડની વિવિધ ખેતજણસી ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ રાજ્યમાં ૧૩૭ ફિડર સ્થાપી ૧૫ હજાર ખેડૂતોને સૌરઊર્જા સાથે સાંકળી લેવામાં આવશે. આ સૌરઊર્જા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. તેમણે ઊર્જાશક્તિ ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાની વિગતો વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ગુજરાતની શાંતિ અને સલામતીની માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલાંની માહિતી આપતા જણાવ્યું કે આ સરકારે શાંતિ, સલામતી, સૌહાર્દ અને સામાજીક સમરસતાને હંમેશા મહત્વ આપ્યું છે. સામાન્ય માનવી-ગરીબ-પીડિત-શોષિત વંચિત હરેકનું રક્ષણ થાય તેની તકેદારી લેવામાં આવી છે. ભ્રષ્ટાચાર, ગુંડાગર્દી, અરાજકતા, ગૂનેગારોને કડક હાથે નશ્યત કરવા પ્રયત્નશીલ છીએ. મહિલા અને બાળકોની સુરક્ષા અગ્રિમ છે. નગરોમાં સીસીટીવી મૂકવા ૩પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પોકેટ કોપ, ૧૮૧ અભયમ મોબાઇલ એપ થકી પોલીસનું આધુનિકકરણ થઇ રહ્યું છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં ૧૦ વર્ષના કારાવાસની જોગવાઇ સાથે નવા કાયદાનો વટહુકમ બહાર લાવવામાં આવશે. ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસીબીને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ દિને નર્મદા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટનની વિગતો આપી હતી. આગામી જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજનારી સમિટિમાં મધ્યમ અને નાનાકદના ઉદ્યોગો પર લક્ષ્ય આપવામાં આવશે, તેમ જણાવ્યું હતું. તેમણે ધોલેરાને સિંગાપુર જેવી શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ શ્રી જે. એન. સિંઘ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા મુખ્યમંત્રીશ્રીને ધ્વજવંદન તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી હતી. વેલીફાયરિંગ (હર્ષધ્વની) સાથે ઉપસ્થિત જનમેદનીએ તિરંગાને દેશભાવ સાથે સલામી હતી. બાદમાં મુખ્યમંત્રીશ્રીએ ખુલી જીપમાં બેસી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. હેલીકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તત્પશ્ચાત રંગારંગ અને દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતુ.

            આ વેળાએ શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્‍યો સર્વશ્રી ધનજીભાઇ પટેલ, શ્રી નૌશાદભાઇ સોલંકી, શ્રી ઋત્વીક મકવાણા, શ્રી સોમાભાઇ પટેલ, પુરસોત્તમભાઈ સાપરીયા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અશ્વીનીકુમાર, કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિન્દરસિંહ પવાર, નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીન ટોળિયા સહિતના મહાનુભાવો, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Source: Information Department, Gujarat