Latest News

Guj CM Vijaybhai Rupani dedicates various development projects worth Rs. 432.92 crore of Rajkot Municipal Corporation

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ર૦૪.૭૩ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી,સાથે જ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં પણ ૩૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અવિરત ચાલુ રહયો છે. કોરોનાના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું છે, તેવા સમયે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે તેમના માર્ગદર્શનથી આપણે કોરોનાને અટકાવી શકયા છીએ.

  ગુજરાતમાં “ન વિકાસ રૂક્યો છે, ન વિકાસ ઝૂક્યો” છે.કોરોનાના સમયમાં પણ આપણે અટક્યા નથી,રાજયનો વિકાસ અવિરત ચાલતો રહ્યો છે.કોરોનાની આપત્તિમાં પણ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે. જેના પરિણામે છેલ્લા ૬ મહિનામાં રાજયમાં ૨૭ હજાર કરોડથી પણ વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ થયા છે.

  તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે ૨૦૨૦ સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂપિયા ૩૫,૪૬૦ કરોડના પ્રાવધાન સાથે વ્યાપકપણે વિસ્તાર કર્યો છે,તેમજ ચાલુ વર્ષે સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ રૂપિયા ૪૫૪૪ કરોડની જોગવાઈ સાથે વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરાશે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાડા પંદર હજાર કરોડથી વધુનાં કામો સંપન્ન થયા છે.વિકાસની રાજનીતિને કેન્દ્ર સ્થાને રાખીને આ સરકારે વિકાસના નિરંતર કાર્યો કર્યા છે, તેના પરિણામે આજે ગુજરાતમાં  “વિકાસ” અને “સરકાર” એકબીજાના પર્યાય બન્યા છે.

  મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યના પડકારોને  ઝીલીને આગોતરા આયોજન સાથે ‘‘આગવા રાજકોટ, આધુનિક રાજકોટ’’ને વિકાસ પથ પર આગળ વધારવાની નેમ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં ભૂતકાળમાં પીવાના પાણીની તકલીફના પરિણામે વિકાસ અટકી ગયો હતો, લોકોને પીવાના પાણીની મોટી મુશ્કેલી પડતી હતી, પરંતુ રાજકોટના વિકાસ સાથે આ સરકારે લોક સુખાકારી માટેનું આગવું કાર્ય હાથ ધર્યું છે.જેના પરિણામે આજે ‘‘મા નર્મદાના નીર’’ રાજકોટવાસીઓને ઘરઆંગણે મળતા થયા છે, અને રાજકોટ પાણીની સમસ્યાથી મુક્ત થયું છે.

  રાજકોટમાં નવી એઇમ્સ, નવી જીઆઇડીસી, જનાના હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, રાજકોટ-અમદાવાદ છ માર્ગીય રસ્તો, તેમજ રાજકોટ-મોરબીના ચાર માર્ગીય રસ્તા સહિતના અનેકવિધ કાર્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ સ્માર્ટ સિટી, ઓનલાઇન સેવા, બૃહદ રાજકોટના નિર્માણ જેવા કાર્યો થકી રાજકોટને ભવ્ય-દિવ્ય બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેમ જણાવી રાજકોટ શહેરને દુનિયાના આધુનિક શહેરો સામે ઊભું રહી શકે એવું બનાવવાની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.

  ગુજરાતના લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ‘‘નલ સે જલ’’ યોજના દ્વારા ગુજરાતને પાણીદાર બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેમાં અત્યાર સુધીમાં ૮૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે, અને ૨૦૨૨સુધીમાં પ્રત્યેક ઘરને  “નલ સે જલ” દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટેનું કાર્ય પૂર્ણ કરાશે.

  રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલ ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજે રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૧૬ આવાસોની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘‘હેકેથોન-૨૦૨૧ યર ઓફ આઇડિયાસ’’ સ્પર્ધાનો શુભારંભ તથા પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોજેકટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેના પ્રતિક રૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ લાભાર્થીને અપાયા હતા.

  કાર્યક્રમના પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં રાજકોટના વિકાસ કાર્યોનો ચિતાર આપ્યો હતો.

  આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ રૈયાણી, ગોવિદભાઇ પટેલ, લાખાભાઇસાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીઓ સર્વશ્રી નિતીન ભારદ્વાજ કમલેશ મીરાણી, અંજલીબેન રૂપાણી,દલસુખભાઇ, ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઇ મોલીયા, રાજુભાઇ ધ્રુવ, અજયભાઇ, રૂડાના સી.ઇ.ઓ. ચેતન ગણાત્રા, ડેપ્યુટી કમિશ્નરશ્રી બી.જે.પ્રજાપતિ સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat