Latest News

Guj CM’s inspirational guidance to the youth in the webinar organized by the Department of Higher Education

  ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે શોધ-સંશોધન રિસર્ચ કરતા યુવાછાત્રો ‘નેશન ફર્સ્ટ’નો ભાવ જગાવી વિશ્વની માનવજાત-વસુધાના કલ્યાણ માટે ઉપયોગી સંશોધનો ગુજરાતની ધરતી પરથી કરે:-મુખ્યમંત્રીશ્રીનું આહવાન

  રાજ્ય સરકારની ‘શોધ’ ScHeme Of Developing High quality research (SHODH) યોજના અન્વયે ઉચ્ચશિક્ષણમાં સંશોધન-રિસર્ચ PHD કરતા ૭પ૩ વિદ્યાર્થીઓને રૂ. ૩ કરોડ ૩૮ લાખની સ્ટાઇપેન્ડ રાશિ એકસાથે આપવાનો નવતર અભિગમ-વેબિનાર 

  ઉચ્ચશિક્ષણ વિભાગ આયોજિત વેબિનારમાં મુખ્યમંત્રીશ્રીનું યુવાછાત્રોને પ્રેરણાત્મક માર્ગદર્શન

  -: વિજયભાઇ રૂપાણી :-

  • ‘શોધ’ને પરિણામે ગુજરાતની યુનિવર્સિટીઝ આવનારા સમયમાં સમગ્ર વિશ્વ માટે રિસર્ચ-સંશોધનની માઇલ સ્ટોન બને તેવી નેમ

  પ્રધાનમંત્રીશ્રીના નયા ભારત નિર્માણની કલ્પના ચિરતાર્થ કરવા યુવાશકિત પોતાના શોધ-સંશોધન વિશ્વ સમક્ષ મૂકી ભારતને વિશ્વનું શકિતશાળી રાષ્ટ્ર બનાવે

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે શોધ-સંશોધન કરતા PHDના યુવા વિદ્યાર્થીઓને પોતાના નવોન્મેષી સંશોધન-રિસર્ચથી ‘નેશન ફર્સ્ટ’નો ભાવ જગાવી માનવજાતના કલ્યાણ અને વિશ્વને ઉપયોગી રિસર્ચ-સંશોધન માટે પ્રેરક આહવાન કર્યુ છે.

  આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણ આપતી દવા સહિતના બહુવિધ ક્ષેત્રોમાં આજની યુવા પેઢી પોતાના રિસર્ચ-સંશોધનથી લીડ લઇ ગરીબ, વંચિત, અંતરિયાળ, પીડિત વ્યકિતને ઊભા થવાનો આધાર આપી વસુધાના કલ્યાણનો ધ્યેય સાકાર કરે તે સમયની માંગ છે.

  મુખ્યમંત્રીશ્રી રાજ્યના ઉચ્ચશિક્ષણ વિભાગની શોધ ScHeme Of Developing High quality research (SHODH) – યોજના તહેત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પી.એચ.ડી. કોર્સમાં ગુણવત્તાયુકત સંશોધન કરનારા ૭પ૩ વિદ્યાર્થીઓને આર્થિક સહાય-સ્ટાઇપેન્ડ પેટે કુલ ૩ કરોડ ૩૮ લાખ રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં DBTથી આપવાના અવસરે યોજીત વેબિનારમાં સંબોધન કરી રહ્યા હતા.

  આ શોધ યોજના અંતર્ગત રાજ્યની યુનિવર્સિટીઓમાં PHD અન્વયે સંશોધન કરનારા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂ. ૧પ હજારનું સ્ટાઇપેન્ડ અને આનુષાંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ. ર૦ હજાર મળી વાર્ષિક બે લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપે છે.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ‘શોધ’ યોજનાને પરિણામે આવનારા સમયમાં ગુજરાતની યુનિવર્સિટીઓ વિશ્વ આખા માટે શોધ-સંશોધનની માઇલ સ્ટોન બને તે દિશામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ અસરકારકતાથી આગળ વધશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ આ યુવાઓને પ્રધાનમંત્રીશ્રીની કલ્પનાના નયા ભારત-ન્યૂ ઇન્ડીયાને ચરિતાર્થ કરવામાં પોતાના શોધ-સંશોધનો પ્રજા વિશ્વ સમક્ષ મૂકી ભારતને વિશ્વના શકિતશાળી રાષ્ટ્રોની હરોળમાં મુકવા પણ યોગદાન આપવા આહવાન કર્યુ હતું.

  મુખ્યમંત્રીશ્રીએ આ ‘શોધ’ યોજનાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ઉચ્ચશિક્ષણ-સંશોધન અભ્યાસમાં વિદ્યાર્થીઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે અને અભ્યાસ-સંશોધન માટે ખર્ચની ચિંતા કર્યા વિના પૂરા ખંત-લગનથી આવા હોનહાર છાત્રો સફળતાપૂર્વક સંશોધન કરી રાજ્યનું નામ રોશન કરે તેવી આપણી નેમ છે.

  તેમણે આવી હોનહાર યુવા છાત્રશકિત રાજ્યનું ગૌરવ છે તેમ જણાવતાં ઉમેર્યુ કે, તમારા શોધ-સંશોધન નવોન્મેષી રિસર્ચથી અશકયને શકય કરીને વિશ્વના કલ્યાણનું નવું નિર્માણ ગુજરાતની ધરતી પરથી થાય તે રીતે તમે આગળ વધો સરકાર હંમેશા પીઠબળ આપશે જ.

  આ વેબિનારમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે તેમના શોધ-સંશોધન હાઇ કવોલિટીના છે. ચીલાચાલુ નથી અને તેથી જ તેમની ઉત્કૃષ્ટતાને આજે રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરી રહી છે.

  શ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, આવા સંશોધનો-રિસર્ચ શોધ માત્ર શિક્ષણલક્ષી કે શિક્ષણ પૂરતા રહેવાને બદલે જીવન જરૂરિયાત ધ્યાનમાં રાખીને થાય તે આવકાર્ય છે.

  શિક્ષણમંત્રીશ્રીએ કોરોના સંક્રમણના આ સમયે ફિઝીકલમાંથી ડિઝીટલ દ્વારા સ્ટાઇપેન્ડ વિતરણના આ વેબિનારને એક નવો વિચાર ગણાવ્યો હતો.

  તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી યુવાશકિતના વિચારો-નાવિન્યપૂર્ણ શોધ-સંશોધન અભિગમને પુરસ્કૃત કરવાના પ્રખર હિમાયતી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ૨૦૧૭માં શરૂ થયેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીમાં ગુજરાત આજે દેશમાં અગ્રેસર છે તેની ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રીએ આપી હતી

  તેમણે યુવા છાત્રોના સંશોધન-શોધ વ્યકિતત્વ વિકાસ સાથે સમાજ સમસ્તને લાભદાયી હોય તેવો અભિગમ આ ‘શોધ’ યોજનામાં અભિપ્રેત છે તેમ પણ ઉમેર્યુ હતું.

  શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ વેબિનારની ભૂમિકા આપતાં જણાવ્યું કે ‘શોધ’નો વ્યાપક લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે.

  સૌથી વધુ ૧પ૧ જેટલા PHD છાત્રો ગુજરાત યુનિવર્સિટીમાં છે. સમગ્રતયા રાજ્યની ૩૪ યુનિવર્સિટીઓમાંથી ‘શોધ’ માટે વિદ્યાર્થીઓ પસંદ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

  સ્ટાઇપેન્ડ મેળવનારા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ કુમારી પલક અને શિવાંગીએ પોતાના પ્રતિભાવમાં રાજ્ય સરકારની આ સહાય યોજનાથી તેમને PHD પૂર્ણ કરવામાં આર્થિક આધાર મળ્યો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

  શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર ગાંધીનગરથી તેમજ રાજ્યની વિવિધ કોલેજો-યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો-આચાર્યો ફેકલ્ટીઝ અને છાત્રો વેબ કનેકટથી આ વેબિનારમાં જોડાયા હતા.

  Source: Information Department, Gujarat