મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગણપત યુનિવર્સિટીના ૧૦માં પદવીદાન સમારોહમાં ૨ હજાર ઉપરાંત યુવા છાત્રોને પદવી અર્પણ તથા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કર્યા બાદ દિક્ષાંત પ્રવચનમાં આ પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવા વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી શિક્ષા સાથે સમાજદાયિત્વની દિક્ષાથી જ જીવન કારકીર્દી સાર્થક કરવાનું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વ વિદ્યાલયો-શાળા-કોલેજોમાં જે શિક્ષણ મળે છે તેની સાથે રાષ્ટ્ર સેવાભાવ, સમાજપ્રત્યેનું ઋણ ચુકવવાના ગુણો તો દિક્ષાથી જ મળે છે. વિદ્યાથી શિક્ષિત બનેલા યુવાઓ સેવાદાયિત્વ, પ્રમાણિકતાના મૂળભૂત ગુણોથી દિક્ષીત બને તે સમયની માંગ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉત્સાહ-જોમથી છલકતા અને આંખોમાં કાંઇક કરી છુટવાના સપના સંજોરતા યુવાઓને આહવાન કર્યુ કે, રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ પોલિસીથી આવા યુવાઓના નવોન્મેષી વિચારો, નવિનતમ પહેલને સપનાંને વાસ્તવિક રૂપ આપવા તૈયાર છે. મુખ્યમંત્રીશ્રીએ આ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, સ્ટેન્ડ અપ, મેઇક ઇન ઇન્ડીયા જેવા મહત્વપૂર્ણ અભિયાનોનો વ્યાપક લાભ લઇ ઇન્કયુબેટર્સ, સેન્ટર ઓફ એકસલન્સ થકી માનવજાતના કલ્યાણ માટે સમાજદાયિત્વ માટે પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના રત્ન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત કરવટ બદલી રહ્યું છે અને મહાસત્તા બનવા ભણી પ્રયાસ કરે છે ત્યારે આ યુનિવર્સિટીના યુવાઓ પણ આવનારા પડકારોને પાર પાડે. ‘‘તમે યુવાઓ ભવિષ્યનું ભારત છો’’ એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિશ્વની પેટન્ટ તમારા હાથમાં હોય એવું ક્ષમતા દર્શન વિશ્વના સૌથી યુવા દેશ એવા ભારતે કરાવવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાચીન ભારતની શ્રેષ્ઠ શિક્ષા પ્રણાલિ નાલંદા-તક્ષશીલાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી આઇ.આઇ.ટી.ઇ, સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, સ્પોટર્સ યુનિવર્સિટી જેવી વિશ્વમાં પહેલ રૂપ યુનિવર્સિટીઓ શરૂ કરીને યુવા પેઢીને વૈશ્વિક ઉડાન આપી છે. ‘‘આપણે હવે એવી જ્ઞાન કૌશલ્યતા મેળવીએ કે દુનિયાના લોકો અહિં અભ્યાસ કરવા-ભણવા આવે તેમ પણ તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરની સર્જીકલ સ્ટ્રાઇક, નોટબંધી જેવા દેશનું સ્વાભિમાન જગાવતા પગલાંઓ ટાંકતા કહ્યું કે, યુવા વર્ગો પણ હવે પોતાની આ શિક્ષા-દિક્ષાથી ભારત માતાને પરમવૈભવના શિખરે બિરાજીત કરવામાં રાષ્ટ્રભાવનાથી પ્રેરિત થાય.
મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને ગણપત યુનિવર્સિટીએ ગ્રામીણ ક્ષેત્રોમાં યુવા વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલા વિલેજ ટિચર પ્રોગ્રામથી સાકાર કરીને ગરીબ, ગામડું, ખેતી, વંચિત પીડિતના કલ્યાણની રાજ્ય સરકારની નેમમાં સૂર પૂરાવ્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને આ શિક્ષા-પદવીથી જોબ તો મળવાની જ છે તેવો વિશ્વાસ વ્યકત કરતાં ઉમેર્યુ કે, આપણે એવા યુવાનો તૈયાર કરવા છે જે જોબ ગીવર પણ બને અને વસુધાના કલ્યાણમાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે.
પ્રારંભમાં ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ શ્રી ગણપતભાઇ પટેલે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી અનિલભાઇ પટેલે ડિગ્રી ધારકોને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કર્યા હતા. વોકહાર્ટના એકઝીકયુટીવ ડિરેકટરશ્રી હૂઝાફીયા ખોરાકીવાલા તથા આઇ.બી.એન. ઇન્ડીયાના પબ્લીક-કોમ્યુનિકેશન સેકટરના એકઝીકયુટિવ ડિરેકટર સુશ્રી લતા સિંઘે પ્રાસંગીક સંબોધનોમાં યુવાઓને પ્રેરણા આપી હતી. યુનિવર્સિટીના ડાયરેકટર જનલરશ્રી એમ. એમ. શર્માએ આભાર વ્યકત કર્યો હતો. આ પદવીદાન સમારોહમાં મહેસાણા-ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ, આમંત્રિતો, અગ્રણીઓ, પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat