મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આગામી તા. ૧લી જુલાઇ થી દેશભરમાં અમલી બનનાર જી.એસ.ટી. (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વન નેશન-વન ટેક્ષને ખરા અર્થમાં સાકાર કરશે.
અમદાવાદ ખાતે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અમદાવાદ બ્રાંચ આયોજિત જી.એસ.ટી. અંગેના સેમિનારને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, જી.એસ.ટી.ના રાજ્યમાં અમલ માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
દેશમાં હંમેશા નવી ક્રાંતિ, નવા વિચારને ગુજરાતે વધાવી લીધી છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં જી.એસ.ટી. માટે ગુજરાતના પાંચ લાખ વેપારીઓએ નોંધણી પણ કરાવી દીધી છે.
તેમણે જણાવ્યું કે, યોગાનુયોગ આજે જ દિલ્હી ખાતે જી.એસ.ટી. કાઉન્સિલની બેઠક મળી રહી છે તેમાં ટેક્સ, તેનું માળખું અને અન્ય ગુંચવણોનો ઉકેલ આવી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વિવિધ રાજ્યો, વિવિધ વ્યવસાયો – ધંધાને કારણે જી.એસ.ટી.નો અમલ કરવામાં ઘણી બધી મુંઝવણો હતી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશિતા તથા હિંમતભર્યા નિર્ણયોને કારણે જી.એસ.ટી. માટે બધા જ રાજ્યો તથા પક્ષો સર્વસંમતિથી સહમત થઇ ગયા છે.
તેમણે જણાવ્યું કે, અગાઉ રાજ્ય-રાજ્ય વચ્ચે ટેક્સના અલગ – અલગ માળખાના કારણે ઉદ્યોગોને આકર્ષવા અવનવા વ્યાજના દરો ઓફર કરી સ્પર્ધા થતી હતી તેના બદલે જી.એસ.ટી.ના કારણે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થશે. હવે જી.એસ.ટી.નું સમાન કરમાળખું આવતા સમગ્ર દેશમાં ટેક્સમાં એકસૂત્રતા આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રણ વર્ષના શાસનમાં જી.એસ.ટી. માટેનો અમલ સૌથી મહત્વપૂર્ણ પગલું અને ઐતિહાસિક નિર્ણય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અગાઉ વેટ, એન્ટ્રી ટેક્સ વગેરેના કારણે જુદા જુદા ટેક્સ ભરવા પડતા હતા જેમાંથી મુક્તિ મળશે. ગ્રાહક વર્ગ માટે પણ ટેક્સનું ભારણ ઓછું થતાં જી.એસ.ટી. લાભદાયી બની રહેશે.
જી.એસ.ટી.નો અમલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી થવાનો હોવાથી ખોટા બિલ આકારી થતી કરચોરી બંધ થશે. જેનાથી પારદર્શકતા પણ વધશે તેમ તેમણે જણાવ્યું હતું.
દેશ આર્થિક રીતે આગળ વધે અને વિશ્વના દેશોને સ્પર્ધા પૂરી પાડી શકે તે માટે કોમન કરમાળખું હોવું જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ગુજરાતના નસે નસમાં વેપાર તથા ઉદ્યોગ સાહસિકતા છે ત્યારે જી.એસ.ટી.ના અમલ દ્વારા ૧લી જુલાઇથી નવો અહેસાસ અને નવી જાન આવશે.
અગાઉ જે રીતે વેપારી વર્ગ વેટમાં સેટ થઇ ગયો હતો તેવો જ જી.એસ.ટી. બાબતે પણ સેટ થઇ જશે તેવો વિશ્વાસ વ્યકત કરી તેમણે કહ્યું કે, જી.એસ.ટી.થી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે, પારદર્શિતામાં વધારો થશે, કાળુ નાણું બંધ થશે અને સ્વચ્છ અર્થતંત્રમાં વધારો થશે જરૂર છે માત્ર માનસિકતા બદલવાની.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને અનુરોધ કર્યો કે, જે રીતે ર્ડાકટરના પ્રિસ્કિપ્શન પર સૌને ભરોસો હોય છે તે રીતે આર્થિક વ્યવહારો માટે તમારા દ્વારા અપાતા પ્રમાણપત્ર પર પણ લોકોને વિશ્વાસ બેસે તેવી કામગીરી કરવાનું દાયિત્વ નિભાવવાનું છે.
વેપારી વર્ગને પણ વ્હાઇટ આવક દર્શાવવા તથા જી.એસ.ટી.ની અમલવારી અંગે તૈયાર કરવા તથા આ પ્રમાણિકતાના પર્વ અને ઇમાનદારીના ઉત્સવમાં સહભાગી બનવા પ્રેરિત કરવા તેમણે ઉપસ્થિત સી.એ.ને અપિલ કરી હતી.
અમદાવાદ સી.એ. ચેપ્ટરના ચેરમેન શ્રી ચિંતન પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે આજના સેમિનારમાં દેશભરમાંથી આવેલા એક હજારથી વધુ સી.એ. ભાગ લઇ રહ્યા છે.
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી અનિકેત તલાટીએ જી.એસ.ટી. માટે દેશભરમાં સેમિનારના આયોજન દ્વારા દેશભરના સી.એ. તથા વેપારી વર્ગોને જી.એસ.ટી. વિશેનું માર્ગદર્શન આપ્યું છે તેની વિગતો આપી હતી.
સી.એ. ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ચેપ્ટરના વાઇસ ચેરમેન શ્રી હારિત ધારિવાલ તથા ખજાનચી શ્રી ફેનિલ શાહે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા એક હજારથી વધુ સી.એ. સહભાગી થયા છે.
Source: Information Department, Gujarat