Latest News

Gujarat CM attends the inauguration of plants & facilities of Amul by Union HM Shri Amit Shah

  વિશાળ જનસંખ્યા ધરાવતા ભારત દેશના સર્વસ્પર્શી- સર્વ સમાવેશી વિકાસ માટે જનસમૂહને જોડવાનું સહકારિતાનું શ્રેષ્ઠ મોડલ પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું છે.- કેન્દ્રિય ગૃહ- સહકારિતા મંત્રીશ્રી

  ગાંધીનગર નજીક અમૂલ ફેડ  ડેરીના ૪૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર પ્લાન્ટનું લોકાર્પણ  કરતા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ

  શ્રી અમિતભાઇ શાહ:-

  • વિશ્વમાં મહિલા સશક્તિકરણની ચર્ચા કરનારા લોકો ગુજરાતની  અમુલ પેટર્નનો અભ્યાસ કરે
  • અનેક નાના સામાન્ય લોકોને સમૂહમાં જોડી થતી પ્રચંડ જનશક્તિ એ સહકારિતાની આગવી  તાકાત છે
  • ગુજરાતે સહકારિતા આંદોલનની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી છે
  • દુનિયા હવે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી થતાં ઉત્પાદનોના  વિતરણ બજાર વ્યવસ્થામાં  અમુલ પોતાની મહારથનો ઉપયોગ કરે

  ગુજરાતે દેશને આપેલું સહકારિતાનું મોડલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ મોડલ છે:મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

  ******

  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સવાસો કરોડ જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી વિકાસમાં જન-જનને જોડવાનું સહકારીતાનુ શ્રેષ્ઠ મોડલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિશ્વમાં વિકાસના ઘણા મોડલ આવ્યા પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની- ઉન્નતિની તક આપતું સહકારિતાનું મોડલ આઝાદીનાં ૭૫ વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીશ્રીએ સરકારમાં પૂર્ણ પણે સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યું છે.

  કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ ગાંધીનગર નજીક    અમૂલ ફેડ ડેરીના ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટ જે કુલ ૪૧૫ કરોડના ખર્ચે નિર્માણ થયા છે તેનું લોકાર્પણ કર્યું હતું

  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ પંચાલ સહિત ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંલગ્ન વિવિધ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, અગ્રણીઓ અને સંઘના સભાસદો આ અવસરના સાક્ષી બન્યા હતા.

  શ્રી અમિતભાઈ શાહે  કહ્યું કે ,અમૂલે ૭૫  વર્ષ પહેલાં ૨૧  ગામોમાં શરૂ કરાવેલી સહકારી દૂધ ઉત્પાદન વેચાણ ની ચળવળમાં આજે ૧૮ હજાર ગામો ના ૩૬ લાખ લોકો જોડાયા છે અને સહકારીતાનું જનઆંદોલન ગુજરાતે  શ્રેષ્ઠતા પૂર્વક પ્રસ્થાપિત કર્યું છે.

  તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે આ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની જ નહીં પરંતુ દરેક ક્ષેત્રોને વિકાસમય બનાવવાની આગવી ક્ષમતા છે.

  કેન્દ્રીય મંત્રીશ્રીએ આ અવસરે પ્રગતિશીલ મહિલા પશુપાલકો દૂધ ઉત્પાદક બહેનોને સન્માનિત કરતાં જણાવ્યું કે વિશ્વમાં વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણની ચર્ચા કરનાર લોકો ગુજરાતની ગ્રામીણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી લે સવારે ૪ વાગ્યે ઊઠી જઈ ને પશુ દોહવાનું અને દૂધ મંડળી માં દૂધ  પહોંચાડવાનું જે કામ ગ્રામીણ મહિલા શકિત કરે છે તે એક આગવી તાકાત છે.

  ૩૬ લાખ લોકો એકસાથે મળીને સમાન હિત સમાન ધ્યેય સાથે કામ કરે તો પ્રચંડ જન શક્તિ ની કેટલી મોટી તાકાત બની શકે તે અમૂલે સહકારિતા ના આંદોલનથી વિશ્વને બતાવ્યું છે એમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

  અમૂલ વગર ભારતની દૂધ ઉત્પાદન અને ખપત જરૂરિયાત પૂરી કરવી અસંભવ છે તેવી લાગણી વ્યકત કરતાં શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, આઝાદી ના ૧૦૦ વર્ષ આપણે જ્યારે ઉજવીએ ત્યારે અમૂલને  કયા સ્થાને લઈ જવી છે તેની બ્લુ પ્રિન્ટનું આયોજન કરી તે સંકલ્પ સિદ્ધ કરવા સૌ સાથે મળી અત્યારથી જ કાર્યરત થાય.

  તેમણે આ નવા કાર્યરત થયેલા ચાર પ્લાન્ટ દૂધ સહકારી ક્ષેત્રના ત્રણ અંગો એવા દૂધ ઉત્પાદન શક્તિ,  ઉપભોક્તા સુધી વિવિધ પ્રોડક્ટ પહોંચાડવાની કેપેસિટી અને વિતરણ માર્કેટિંગ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરશે તેમ ઉમેર્યું હતું.

  કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે દેશ અને દુનિયા હવે પ્રાકૃતિક ખેતી – નેચરલ ફાર્મીંગ ઓર્ગેનીક ફાર્મીંગ તરફ વળી છે. પ્રગતિશીલ કિસાનોએ તેનો સ્વીકાર કરીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો પણ શરૂ કર્યા છે.

  આવા ઉત્પાદનોને યોગ્ય બજાર અને ભાવ મળે તે માટે અમૂલ પોતાની માર્કેટિંગ બજાર વિતરણ વ્યવસ્થાની મહારથનો વિનિયોગ કરે અને કોઈ નક્કર  કાર્ય યોજના બનાવે તેવું આહવાન તેમણે કર્યું હતું .

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલના આ સહકારિતા મોડેલને સસ્ટેનેબલ અને લાંબાગાળાના  સર્વગ્રાહી  વિકાસનું શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું હતું

  તેમણે જણાવ્યું કે આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર સાહેબના માર્ગદર્શન માં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્તિ આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકાર થી સમૃદ્ધિનું ઉદાહરણ બની છે.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આજે અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની છે, અને અબાલ-વૃદ્ધ સૌ કોઇ ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડિયા’થી ભલી ભાંતિ પરિચિત થઈ ગયા છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સહકારી દૂધ ઉત્પાદન વેચાણની આ પ્રવૃત્તિ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવીને પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને ૫ ટ્રિલિયન ડોલર ઇકોમોની  બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનમાં  પણ આ દૂધ સહકારી પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે.

  GCMMF ના ચેરમેન શ્રી શામળભાઇ પટેલે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, અમૂલ વાર્ષિક ૫૩ હજાર કરોડનું ટર્નઓવર કરે છે.  ભવિષ્યમાં એક લાખ કરોડનું ટર્નઓવર થાય એવા લક્ષ્યાંક સાથે અમૂલ આગળ વધી રહ્યું છે. ૨૫૭ કરોડ રૂપિયાના મૂડી રોકાણથી તૈયાર થયેલ આ નવો મિલ્ક પાવડર પ્લાન્ટ દૈનિક ૧૫૦ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે જે એશિયાનો સૌથી મોટો મિલ્ક પાવડર પ્લાન્ટ છે.  ૮૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા બટર પ્લાન્ટથી બટર ઉત્પન્ન કરવાની ક્ષમતા ૪૦ મે. ટનથી વધી ૧૩૦ મે. ટન થશે. નવા ફુલ્લી ઓટોમેટિક સ્ટોરેજ પ્લાન્ટથી પેકેજીંગ સ્વરૂપે ૫૦ લાખ લીટર લોંગ લાઇફ મિલ્કનો સંગ્રહ કરી શકાશે તથા નવા પોલીફિલ્મ પેકેજીંગ પ્લાન્ટના કાર્યરત થવાથી ઉત્તમ પોલીફિલ્મનો જથ્થો પૂરો પાડવામાં સહાયતા રહેશે.

  આ લોકાર્પણ પ્રસંગે દૂધ ઉત્પાદન ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રગતિશીલ ખેડૂતોને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

  GCMMF ના વાઇસ ચેરમેન શ્રી વાલમભાઈએ આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, અમૂલ હવે ફ્રૂટ અને શાકભાજી ઉત્પાદિત કરતા ખેડૂતો માટે પણ સહભાગી થશે. ઓર્ગેનિક દૂધ અને ઓર્ગેનિક ખેત પેદાશોના ઉત્પાદન સંદર્ભે સૂચવેલા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના સૂચનોનો અમૂલ સત્વરે અમલ કરાવી તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણની દિશામાં એક પગલું ભરશે.

  આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ, રાજ્યની વિવિધ દૂધ ઉત્પાદક સહાકરી મંડળીઓના અધ્યક્ષશ્રીઓ, ખેડૂતો અને અમૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat