Latest News

Gujarat CM Inaugurates of newly built Baroda Dairy Milk Processing Plant at Bodeli in Chhota Udaipur

  સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ 

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન

  મુખ્યમંત્રી શ્રી :

  • રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની સરકાર દરકાર લેશે
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી છે
  • ગુજરાતને આત્મ નિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છેસહકારી પ્રવૃત્તિ દેશના સીમાડા વટાવી ગઇ છે

    મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની રાજ્ય સરકાર દરકાર લેશે.

        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.૧૨૦ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો.

        મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં ૩ થી ૬ લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન ૩ લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા ૪ લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં ૧૧ લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.

       મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે.

        ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે.આત્મ નિર્ભર ભારત માટે આત્મ નિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મ નિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે.

         સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે પૂ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે.

       તેમણે જણાવ્યું કે, વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધાં જ પ્રયત્નો કરીશું.

  પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. ૨૭ કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. ૧૮ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે.

        આ વિસ્તારમાં રૂ. ૫૫૦ કરોડના ખર્ચથી ૧૯૧ જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. ૧૮૦ કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે.

       બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂ.૧૦ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યો હતો.

  પ્રારંભમાં સૌનો આવકાર કરતા બરોડા ડેરીના પ્રમુખશ્રી દિનુભાઈ પટેલ જણાવ્યું કે ૧૯૫૭ માં માત્ર છ મંડળી અને ૫૦૦ લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે ૧૨૦૦ દૂધ મંડળી સાથે રોજનું ૬.૫૦ લાખ લીટર દૂધ એકત્ર કરે છે.બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

        અંતમાં બરોડા ડેરીના ઉપ પ્રમુખ શ્રી જી.બી.સોલંકીએ આભારવિધિ કરી હતી.

         આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, અગ્રણી શ્રી ભાર્ગવ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ, રશ્મિકાંત વસાવા, અગ્રણીઓ, સહકાર વિભાગના સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગંગાસિંઘ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડેરીના એમ. ડી. શ્રી અજય જોષી, બોર્ડના સભ્યો સહિત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની દૂધ ડેરીઓના પ્રમુખ, મંત્રી અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.

  Source: Information Department, Gujarat