Latest News

Gujarat CM launches ‘Har Ghar Tiranga’ campaign from Surat

  રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સુરત ખાતેથી શુભારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
  —–
  રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમા તા.૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ‘તિરંગા પદયાત્રા’ યોજાશે
  ——
  મુખ્યમંત્રીશ્રી ‘તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા
  —–
  હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા સંકલ્પબદ્ધ ખાનપાન અને નિખાલસતા માટે જાણીતા મોજીલા સુરતીઓ રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસર છે

  રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે.
  ———
  આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  ——-
  તિરંગા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે કર્યું અભિવાદન
  ——-
  પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટરની ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ
  —–
  દેશભક્તિના રંગે રંગાયેલા સુરતવાસીઓએ રાષ્ટ્રભાવના અને જોમજુસ્સા સાથે તિરંગા યાત્રાને વધાવી:
  ——-
  રાજ્યની ૮મહાનગરપાલિકાઓમા તા.૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી ‘તિરંગા પદયાત્રા’નો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરેલા આહ્વાનને રાજ્ય સરકાર ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા સંકલ્પબદ્ધ છે.

  સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અવસરે રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીશ્રી ‘તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે કર્યું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓએ વિવિધ અહીં ઉભા કરાયેલા તિરંગા વિતરણ બુથ પરથી ડિજિટલ પેમેન્ટ કરી તિરંગો ખરીદ કર્યો હતો. પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  મુખ્યમંત્રીશ્રીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે.

  મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે સુરતવાસીઓના જોમજુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે, ખાનપાન અને નિખાલસતા માટે જાણીતા મોજીલા સુરતીઓ રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસર છે. સુરતીઓ ઘરે ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રચેતનાની આ પહેલમાં યોગદાન આપે એવી આકાંક્ષા પણ વ્યક્ત કરી તેમણે તિરંગા યાત્રાના સુદ્રઢ આયોજન બદલ સુરત મહાનગરપાલિકાના સુત્રધારોને અભિનંદન પાઠવ્યા હતા.

  આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધન કરી સુરતવાસીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, સુરતીઓએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવાની જવાબદારી લીધી છે. સુરતના યુવાનો-બાળકોએ પોતાના પોકેટ મનીથી તિરંગો ઝંડો ખરીદીને યાત્રામાં જોડાયા છે, જે સરાહનીય છે.

  શ્રી સંઘવીએ આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે એમ જણાવતા અન્ય પાસેથી તિરંગો ભેટ લેવાના બદલે સ્વબચતમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

  આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે સુરતવાસીઓના દેશભક્તિના જોમજુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. રાજ્યના ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના સંકલ્પને સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.

  રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે વડાપ્રધાનશ્રીની ‘હર ઘર તિરંગા’ની પહેલ અંતર્ગત જાતે તિરંગો ખરીદવા અને આ અભિયાનમાં ઉત્સાહથી જોડાવા શ્રી પાટિલે અનુરોધ કર્યો હતો.

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ‘હર ઘર તિરંગા’નું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગાના ધ્યેય સાથે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માન સાથે લહેરાવવાની સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

  પદયાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, NCC, NSS, નહેરૂ યુવા કેન્દ્ર, ONGC, ક્રિભકો, અદાણી, રિલાયન્સ, AMNS જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો, વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા. અન્ય રાજ્યોના સંગઠનો, ખાસ કરીને ઓડિયા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગૃપો પણ જોડાયા હતા.

  તિરંગાયાત્રામાં નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, સિટી પ્રાંત અધિકારી શ્રી જી.વી.મિયાણી, સાંસદ-ધારાસભ્યશ્રીઓ, સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ, હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.

  Source: Information Department, Gujarat