Latest News

રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બહુઆયામી પુસ્તકમેળાનાં શ્રીગણેશ

   

  • જીવન ઘડતરમાં પુસ્તકોનું પ્રદાન અમૂલ્ય હોવાનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો સ્વીકાર
  • શિક્ષિત પ્રજા જ સમૃદ્ધ લોકશાહીની સર્જક બનવા શક્તિમાન હોવાની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સ્પષ્ટ વાત.
  • પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી હોવાનું મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સંવેદન ભવિષ્યના ભારતના નિર્માણ માટે આ પુસ્તક મેળો સીમાચિહ્ન રૂપ સાબિત થવાનો મુખ્યમંત્રીશ્રીનો આશાવાદ.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઉત્સાહભર્યા માહોલમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે બહુઆયામી પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

  આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલ અને ઋજુ પ્રકૃતિની પ્રતીતિ કરાવતાં કહ્યું હતું કે રાજકોટ ખાતે થઇ રહેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી છે. આ મેળામાં પ્રદર્શિત થનારા વિવિધ પુસ્તકોમાંથી કોઇ પણ વર્ગનો વાચક પોતાની રુચિ મુજબનું કશુંક તો પામી જ શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે લોકશાહીમાં પ્રજા શિક્ષિત હશે, તે પ્રજા જ સમૃદ્ધ લોકશાહીની સર્જક બનવા શક્તિમાન બનશે. આ માટે તેમણે પોતાના શાસક પસંદ કરવાની નાગરિકોની શક્તિના સ્રોત તરીકે પુસ્તકોના મહત્વ પર ભાર મુકયો હતો.

  જીવન ઘડતરમાં પુસ્તકોનું પ્રદાન અમૂલ્ય હોવાનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ પુસ્ત્કમેળામાં સાનંદ સ્વીકાર કર્યો હતો. અને પુસ્તક વાંચનને પરિણામે પોતાના જીવનમાં થયેલા સત્વશીલ પરિવર્તનની ટૂંકી ગાથા પણ આલેખી હતી.

  શ્રી રૂપાણીએ ભવિષ્યના ભારતના નિર્માણ માટે આ પુસ્તક મેળો સીમાચિહ્ન રૂપ સાબિત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને પુસ્તકોથી થતા અપ્રત્યક્ષ લાભો પર પ્રકાશ પાડતાં કહયું હતું કે, આજના યુવાનોને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં, ઉમદા ચારિત્ર્યનું નિર્માણ કરવામાં, જ્ઞાન સંવર્ધનમાં અને શિક્ષીત-દીક્ષીત બનવામાં આ પુસ્તકમેળો મહત્વનો સાબિત થશે.

  પુસ્તકમેળામાં ઉપસ્થિત યુવાનોને આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, અત્રે ઉપસ્થિત યુવાનો આ મેળામાંથી પોતાના પરિવારના તમામ સભ્યો માટે એક-એક પુસ્તક ખરીદે તો ભવિષ્યની પેઢી તેમની સદા ઋણી રહેશે. આ પુસ્તકમેળા દરમ્યાન યોજાનારા વિવિધ વિષયો પરની વ્યાખ્યાન શ્રેણી, સમૂહ ચર્ચા, પરિસંવાદ વગેરેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતેના તેમના ભૂતકાળના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા હતા.

  જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ છાત્રોના જીવનમાં અભ્યાસ અને વાંચનનું મહત્વ સમજાવતાં વિવિધ પૈારાણિક દ્રષ્ટાંતો ટાંકયા હતા. વિદ્યાર્થીકાળમાં અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને સદવાંચન થકી ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રવૃત્ત થવા તેમણે યુવા છાત્રોને હાકલ કરી હતી.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટમાં થઇ રહેલી રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસના પટાંગણમાં સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલનાં શ્રીગણેશ થયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રથમ ડોમ પાસે રીબીન કાપી પુસ્તકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ અને ઇન્ડોર શૂટિંગ રેન્જનું ડિજિટલ તકતી અનાવરણ વડે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી પુસ્તકમેળાનો વિધિવત શુભારંભ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય શહેર શ્રેષ્ઠ મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કર્યું હતું.

  મેયર શ્રી બીનાબેન આચાર્ય એ પુસ્તક મેળાના આયોજનની રૂપરેખા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં કાર્યરત વિવિધ લાઇબ્રેરીઓની આંકડાકીય વિગતો આપી હતી.

  ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત તા:૨૫ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તરવરાટ સાહિત્ય સંધ્યા, શબ્દ સંવાદ, ઓથર્સ કોર્નર અને એન્ટરપ્રિન્યોર સાથે વાર્તાલાપ, સર્જન વર્કશોપ અને બાળકોને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ બુકફેરમાંથી રાજકોટવાસીઓ વિખ્યાત પ્રકાશકોના અંદાજે ૨૫૦ થી વધુ બુકસ્ટોલમાંથી વિવિધ વિષયોને લગતા પુસ્તકો મેળવી શકશે. આ બુકફેરની લાઈવ અપડેટ www.saurashtrabookfair.in વેબસાઈટ ઉપરથી તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ના ઓફિશિયલ પેજ પરથી મળી શકશે.

  આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા અને અરવિંદ ભાઈ રૈયાણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી શ્રી નીતિનભાઈ,ભારધ્વાજ અંજલીબેન રૂપાણી, કમલેશભાઈ મીરાણી, કલેકટર રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ તથા સેનેટ સભ્યો, વિવિધ ભવનોના વડાઓ, છાત્રો તથા મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભારદર્શન ડો. રામાનુજે કર્યુ હતું.

  Source: Information Department, Gujarat

  Source: Information Department, Gujarat