મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાને જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ખૂલ્લો મૂકતા જણાવ્યું હતું કે, સતત ૬ વર્ષથી આ પુસ્તક મેળાને મળી રહેલી સફળતાએ પૂરવાર કર્યું છે કે, ગુજરાતીઓ ફક્ત લક્ષ્મીના આરાધક જ નહીં પરંતુ સરસ્વતીના ઉપાસક પણ છે તેમ જણાવ્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના દરેક ગામ, શાળા અને હોસ્પિટલોમાં પણ પુસ્તક અને પુસ્તકાલય બનવા જોઇએ.
તેમણે કહ્યું કે, પુસ્તકો લોકોની ઇચ્છા, જિજ્ઞાસા, આતુરતા વગેરેની તૃપ્તિ કરી મનનો ખોરાક બને છે. જે ઘરમાં પુસ્તક ન હોય તે ઘર સ્મશાનવત છે.
પુસ્તકો વાચકને પ્રેરણા, વિચાર, ઉત્સાહ, ઉમંગ અને દિશા આપતા હોય છે. આજના આધુનિક યુગમાં સારા ગુરૂ મળવા મુશ્કેલ છે ત્યારે પુસ્તકો દ્વારા જ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, સારા પુસ્તકો સમાજની સાંસ્કૃતિક પ્રગતિ કરાવે છે, તો વ્યક્તિગત જીવનમાં તે દિશા આપનારું પ્રેરક બળ બની રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલાં કોર્પોરેશનો ફક્ત નળ, પાણી, ગટર વ્યવસ્થા જેવી ભૌતિક સુવિધાઓ ઊભી કરતા હતા. પરંતુ આજે લોકોને આત્મિક સુખ અને હ્દયનો આનંદ મળે તેવા પુસ્તક મેળાનું પણ આયોજન કરે છે તે અભિનંદનને પાત્ર છે.
તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ વાંચે ગુજરાત અભિયાન દ્વારા લોકોમાં વાંચન ભૂખ જાગી છે. અનેક વિક્રેતાઓ પોતાના પુસ્તકો વેચવા પુસ્તક મેળામાં આવે છે.
આવા મેળાથી આબાલવૃદ્ધ સુધી વાંચનનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે સાંસ્કૃતિક નગર રચના માટે આવા કાર્યક્રમો ઉપયોગી બનતા હોય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે. મન-વિચારને સ્વસ્થ બનાવે છે, ત્યારે અમદાવાદીઓ પણ તેમની જ્ઞાનસુધાને સંતોષવા મોટી સંખ્યામાં પુસ્તક મેળાની મુલાકાત લે તેવી અપેક્ષા પણ તેમણે આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પુસ્તક મેળાના વિવિધ વિભાગોની મુલાકાત લઇ પુસ્તક વિશેને જાણકારી પણ મેળવી હતી.
અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, અમદાવાદનો રાષ્ટ્રીય પુસ્તકમેળો ફક્ત પુસ્તકોના વેચાણને બદલે સાહિત્યનું સરનામું બની ચૂક્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂઆત કરાવેલ આ પુસ્તક મેળો જુદા જુદા સાહત્યકારો સાથે વાચકોના મિલાપનું માધ્યમ બની ચૂક્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજયભાઇ નેહરાએ જણાવ્યું કે, નગરજનો દ્વારા પુસ્તક મેળાને સતત વ્યાપક પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે. આ પ્રતિસાદના કારણે પુસ્તક મેળો અમદાવાદ ઉપરાંત રાજ્યના સાહિત્ય રસિકોમાં લોકપ્રિય બન્યો છે.
આ પુસ્તક મેળામાં બાળકો માટે અને રાઇટીંગ સ્કીલ માટેના અલગ સેમિનાર હોલ રાખ્યા છે. તો મુખ્ય ઓડિટોરીયમમાં દરરોજ આજે ૭ થી ૧૦ સુધી કવિ-સાહિત્યકારોના વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પુસ્તક મેળો આગામી તા. ૩૦મી નવેમ્બર, ૨૦૧૮ સુધી યોજાશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઇ જ. પટેલ, શ્રી બલરામભાઇ થાવાણી,
શ્રી વલ્લભભાઇ કાકડિયા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશ મકવાણા, કોર્પોરેટરશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat