Latest News

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated Flower Show 2019 at Sabarmati Riverfront

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ ફ્લાવર શૉ -૨૦૧૯ને અમદાવાદની આગવી ઓળખ સમાન અને અમદાવાદની શોભામાં અભિવૃધ્ધિ કરનાર ગણાવ્યો છે.

    તેમણે કહ્યું કે સાડા સાત લાખ ફૂલો સાથેનો આ નયનરમ્ય ફલાવર શૉ રિવરફ્રન્ટની અનેરી આભા ઉપસાવશે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે યોજાઇ રહેલ ફ્લાવર શૉ- ૨૦૧૯ને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મુક્યો હતો.

    તેમણે કહ્યું કે, પ્રતિવર્ષ યોજાતા ફ્લાવર શૉ  કરતાં આ વર્ષે ડબલ વિસ્તારમાં ફ્લાવર શૉ યોજાઇ રહ્યો છે અને ફ્લાવર શૉ માં ૭.૫ લાખ કરતાં વધુ ફૂલોના ઉપયોગથી વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ  વર્ષે ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડન જેવા નવા આયામોનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનાથી અનેરી ગ્રીનરીનું નિર્માણ થયું છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૭ જાન્યુઆરીથી બે દિવસની ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે અને તા. ૧૭ થી ૨૦ જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમીટ યોજાવાની છે, આ ઉપરાંત શૉપિંગ ફેસ્ટિવલ અને સરદાર પટેલ હોસ્પિટલનું પણ ઉદઘાટન થવાનું છે આમ ચાર દિવસ ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ ઉભો થયો છે.

    આ અમદાવાદ ફ્લાવર શૉ માં બુલેટ ટ્રેન, સી-પ્લેન, બાર્બી ડોલ, ગાંધીજીના ચશ્મા, યુનિવર્સ, હરણ, મોર સહિતની નયનરમ્ય પ્રતિકૃતિઓનું નિર્માણ કરી પ્રદર્શિત કરવામાં આવી છે. ફ્લાવર શૉ ના ઉદઘાટન પ્રસંગે મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સંસદ સભ્ય શ્રી ડો. કિરીટભાઇ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, રાકેશભાઇ શાહ, મ્યૂનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા, કોર્પોરેટરશ્રીઓ તથા અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આજથી આ ફલાવર શૉ નગરજનો માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે.

    Source: Information Department, Gujarat