Latest News

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated New Over Bridge on Morbi Road at Rajkot

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેર ખાતે રૂ. ૧૪૪ કરોડના ત્રવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પ્રજાની પીડા દૂર કરી આધુનિક શહેરના નિર્માણનું સ્વપ્ન ચિત્ર મૂર્તિમંત કરવાની નેમ વ્યકત કરી હતી. રોજના અંદાજે ૬૬ વખત રેલ્વે ક્રોસીંગ ચાલુ-બંધ થવાથી સ્થાનિક રહીશોને પડતી તકલીફો ઓવર બ્રીજના નિર્માણથી ઘણી ઘટી જશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.

  આ વર્ષની સાતમના થેપલા નર્મદા નીરથી ઓવરફલો થયેલા આજી ડેમ પર ખાવાનો કોલ આપ્યો હતો અને ઉમેર્યુ હતુ કે ર૯ જુને વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે આજી ડેમમાં નર્મદા નીર ભરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સોસાયટીઓના મકાન ધારકોને હરખના સમાચાર આપતાં જણાવ્યુ હતું કે તેમની મિલ્કતના માલિક બનાવવાની કામગીરી ટુંક સમયમાં જ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. રાજકોટના વિકાસની આંકડાકીય રૂપરેખા રજૂ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે રૂ. ર૭૦ કરોડના ખર્ચે રાજકોટ મોરબી હાઇવે ફોર ટ્રેક કરાશે, રૂ. ૭૦૦ કરોડના ખર્ચે રાજકોટ-બગોદરા હાઇવેને સિકસ લેન કરાશે. ૩૦૦૦ કરોડના ખર્ચે નવું એરપોર્ટ બનાવાશે, તથા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવુ બસસ્ટેન્ડ બનાવવામાં આવશે.

  આજે આરંભાયેલા વિકાસ કાર્યો બદલ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા તથા પોતાના વતન રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે વધુને વધુ લોકકલ્યાણલક્ષી કાર્યો આદરવા માટે મહાનગરપાલિકાને અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીનું ફુલોના મહકાય હારથી રાજકોટ મહાનગરપાલિકા તરફથી સન્માન કરાયું હતું. વિકાસ કામોથી લાભાન્વિત થનાર વિસ્તારના નાગરિકો તથા અગ્રણી નાગરિકોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇને સ્મૃતિચિહન તથા શાલ એનાયત કર્યા હતા.

  મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રસાંગિક પ્રવચનમાં જણાવ્યું હતુંકે નાગરિકોની સુખાકારી માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ત્રિવિધ વિકાસકામોના શ્રીગણેશ થઇ શકયા છે. મેયર નવનિર્મિત પુલનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય અવોરબ્રિજ તરીકે નામકરણ કર્યુ હતું.

  મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે આરંભાયેલા વિકાસકામોની આંકડાકીય રૂપરેખા આપી હતી. આમંત્રિતોનું પુસ્તકથી સ્વાગત કરાયું હતું.

  મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિપ પ્રાગટયવિધિ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ ત્રણ વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યા હતા. જેમાં મોરબી રોડ પરનો ઓવરબ્રીજ, સ્માર્ટ ઘરના ર૬૫૬ આવાસો તથા ૯૧ દુકાનો અને ભગવતીપરા મેઇન રોડના પેવર કામના ખાતમુહુર્ત કામનો સમાવેશ થાય છે.

  આ કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રીમતિ ભાનુબેન બાબરિયા, શ્રી બાવનજીભાઇ મેતલિયા,ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ઙો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, અન્ય કમિટીના ચેરમેનશ્રી મુકેશભાઇ રાદડિયા, જૈમીનભાઇ ઠાકર, તથા શ્રીમતી કિરણબેન સોરઠિયા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મિરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, ઉદયભાઇ કાનગડ તથા શ્રી ભીખાભાઇ વસોયા, કલેકટર ડો. વિક્રાંત પાંડે, કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat