Latest News

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated new ST Bus Station at pilgrim town Vadtal

     મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ  સ્‍વામિનારાયણ તીર્થધામ વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવાની મહત્‍વપૂર્ણ જાહેરાત કરી હતી. પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા અને પાલિતાણાની જેમ હવે વડતાલનો પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ ધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે વડતાલ મંદિર સંસ્‍થાન દ્વારા રૂા.૨.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત વડતાલધામ બસ મથકનું વાહનવ્‍યવહાર રાજયમંત્રીશ્રી ઇશ્ર્વરસિંહ પટેલની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. આ બસમથક વડતાલ સ્‍વામિનારાયણ મંદિર જેવું બનાવાયું છે. મુખ્‍યમંત્રીશ્રીએ વલ્‍લભ વિદ્યાનગરમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.

    આ અવસરે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ૯૨ કિલો ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ તેમની રજત તુલામાં મળેલી ચાંદીની વેચાણ રકમ વડતાલ સ્‍વામિનારાયણ ધામ સંચાલિત હોસ્‍પિટલમાં સુવિધા વિકાસ કામો માટે આપવાનો જન આરોગ્‍ય સેવાલક્ષી સંવેદના સ્‍પર્શી અભિગમ દર્શાવ્યો હતો.

    મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે વડતાલધામ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલમાં અત્‍યાર સુધીમાં ૧.૨૫ લાખ થી વધુ જરૂરતમંદો અને ગરીબ માણસોની અદ્યતન સારવાર વિનામૂલ્‍યે કરવામાં આવી છે જે અભિનંદનીય છે.

    મુખ્‍યમંત્રીશ્રીએ મંદિર જેવી સ્‍વચ્‍છતા પવિત્રતા બસ મથકોમાં, શાળા કોલેજોમાં, આરોગ્‍ય સંકુલોમાં જળવાય તે માટે આ બસ મથક રાજયના અન્‍ય શહેરોને પ્રેરણા પૂરી પાડી મોડલરૂપ બનશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.

    મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍વામિનારાયણ ભગવાને વડતાલમાં હરિકૃષ્‍ણ ભગવાન અને લક્ષ્‍મીનારાયણ દેવની મૂર્તિઓની સ્‍થાપના કરવા સાથે મંદિર નિર્માણ તેમજ શિક્ષાપત્રી પણ વડતાલમાં જ લખી હતી. તેનો ઉલ્‍લેખ કરતાં જણાવ્‍યું હતું કે સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે વડતાલ તીર્થસ્‍થાન છે.

    સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરી જનસેવા જનસુવિધાના શિક્ષણ, આરોગ્‍ય સેવા, પ્રકલ્‍પો, સામાજિક ચેતના જગાવતા કામો, વ્‍યસનમુકિત,અંધશ્રધ્‍ધા જેવા સામાજિક કાર્યોને ધર્મ કાર્ય સાથે જોડી ગુજરાતના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે માનવજીવનમાં આધ્‍યાત્‍મિક ચેતના જગાવવા સાથે સંસ્‍કાર અને સંસ્‍કૃતિ ખીલે, સત્ય-નિષ્‍ઠા, ઇમાનદારી, સદાચાર સાથે માનવીમાં દયા-કરૂણા-અનુકંપાનો ભાવ પ્રગટે તે માટે આવા તીર્થસ્‍થાનોનું આગવું  મહત્‍વ રહયું છે.

    સ્‍વ ને બદલે સમષ્‍ટિ, આત્‍મા થી પરમાત્‍મા અને જીવ થી શિવ સુધી આધ્‍યાત્‍મિક ચેતના પ્રગટે તે માટે સૌને આગળ આવવા માટે મુખ્‍યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

    મુખ્‍યમંત્રીશ્રીએ અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે તેમ જણાવી ઉમેર્યું કે પ્રામાણિક ઝડપી નિર્ણયો દ્વારા રાજય સરકાર સમાજના શોષિતો-પીડિતો-વંચિતો અને જરૂરિયાતમંદોની સેવા કરવા સાથે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સાડા છ કરોડના ગુજરાતનીઓના વિકાસ માટે પ્રતિબધ્‍ધ છે.

    ગુજરાતની  જનતા જનાર્દન સતત છ વાર અમને ગુજરાતના સર્વાંગી વિકાસ અને સેવા કરવાની જે તક આપી છે. તેને અમારી સરકાર સતત આગળ વધારતી રહેશે તેમ  તેમણે ઉમેર્યું હતું.

    મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાત માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો, રોજગારી, શિક્ષણ, આરોગ્‍ય, કૃષિ સિંચાઇ, સામાજિક ઉત્‍થાન ક્ષેત્રે સમગ્ર દેશમાં નોંધપાત્ર કામગીરી કરી છે તેની ભૂમિકા આપી હતી.

    મુખ્‍યમંત્રીશ્રીએ વડતાલ સ્‍વામિનારાયણ ધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ હરિ ચરિતાર્થમૃત ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમાં નિર્માણ કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

    વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના પ.પૂ.ધ.ધૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નિરાભિમાની અને નિખાલસ વ્‍યકિત તરીકે વર્ણવી વડતાલધામને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવાની જાહેરાત બદલ ધન્‍યવાદ પાઠવી ગુજરાતની અસ્‍મિતા અને વિકાસ વૈશ્‍વિક શિખરો સર કરે તેવા શુભાશિષ પાઠવ્‍યા હતા.

    તેમણે સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઊંચી વિરાટતમ પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનો ઉલ્‍લેખ કરી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવ્‍યા હતા. ગુજરાતની પ્રજાને ઓજસ્‍વી અને તેજસ્‍વી બની વિશ્ર્વમાં પોતાનું નામ રોશન કરે તેમ જણાવી રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે પ્રજાકીય કામો અને વધુ ને વધુ થાય તેવી શુભકામનારો પાઠવી આશીર્વાદ પાઠવ્‍યા હતા.

     

    મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, વાહનવ્‍યવહાર મંત્રીશ્રી ઇશ્ર્વરભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્‍યદંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ સહિત સંતોએ મંદિરમાં ભગવાન સ્‍વામિનારાયણની સામૂહિક આરતી કરી હતી.

    આ પ્રસંગે સાવલીના ભકતવૃંદ દ્વારા ૫૦ હજાર ચોકલેટથી તૈયાર કરવામાં આવેલ હારથી મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

    વડતાલ સ્‍વામિનારાયણ સંસ્‍થાનના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. ટ્રસ્‍ટી બોર્ડના સભ્‍યો તેમજ યજમાન પરિવાર દ્વારા પણ મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

    શ્રી ઘનશ્‍યામદાસજી મહારાજે વડતાલધામની કોફી ટેબલ બુક મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.

    આ પ્રસંગે વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામિ સહિત સંતો, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, વાહનવ્‍યવહાર રાજય મંત્રી શ્રી ઇશ્ર્વરસિંહ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્‍યદંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ, કલેકટર શ્રી સુધિર પટેલ, જિલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજા સહિત રાજય અને રાજય બહારથી પધારેલ હરિભકતો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

    Source: Information Department, Gujarat