Latest News

Gujarat CM Shri Vijay Rupani Initiates Closing of all 30 Gates of Narmada Dam

    ગુજરાતની હરિયાળી ક્રાંતિ અને જળસમસ્યાને તિલાંજલિ આપતી નર્મદા યોજના રાજ્યના ઉજ્જવળ ભાવિના દરવાજા ખોલવાના નિર્ણાયક તબક્કે પહોચી ગઇ છે.

    નવી દિલ્હીમાં મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની પરવાનગી મળી ગઇ છે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ ઘટનાને રાજ્ય માટે ઐતિહાસિક દિવસ અને સુવર્ણ ઘડી ગણાવ્યા છે.

    દરવાજા બંધ કરવાની પરવાનગી મળતાં જ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે કેવડીયા પહોચીને નર્મદા જળ વધામણા કરવા સાથે જ ડેમના દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.

    સરદાર સરોવર બંધની વર્તમાન ઊંચાઇ એટલે કે ૧ર૧.૯ર મીટરે ૧.ર૭ મિલીયન એકર ફૂટ પાણીનો જે સંગ્રહ થઇ શકે છે. ઊંચાઇ પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોચતા ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે ૩.૭પ ગણો વધી જશે.

    આના પરિણામે જે વધારાનું ૩.૪૮ મિલીયન એક ફૂટ પાણી સંગ્રહ થશે તે ગુજરાતની હરિત ક્રાંતિનું છડીદાર બનશે.

    જળવિદ્યુત ઉત્પાદન પણ ૪૦ ટકા એટલે કે ૧૪પ૦ મે.વો. થઇ જશે. આગામી ચોમાસામાં સરદાર સરોવર બંધમાં પહેલીવાર પૂર્ણ સપાટીએ જળાશયમાં જળસંગ્રહ થશે.

    મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ઉજ્જવળ ભાવિના દ્વાર ખોલનારા આ નિર્ણાયક તબક્કાની વિગતો ગાંધીનગરમાં આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ નર્મદા ડેમના દરવાજા બંધ કરવાથી ગુજરાતના નવતર વિકાસ દ્વાર ખોલનારા આ ઐતિહાસીક આનંદ અવસરને સમગ્ર રાજ્યમાં આગામી ૧પ દિવસોમાં નર્મદા ઉત્સવ તરીકે જન ઉમંગ જન સહયોગથી ઉજવવાનું પ્રેરક આહવાન કર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસની દ્રષ્ટિએ પ્રગતિશીલ ગુજરાત દર ત્રીજા વર્ષ દુષ્કાળની સ્થિતીનો સામનો કરતું આવ્યું છે.

    દેશની વસ્તીના પાંચ ટકા અને ભૌગોલિક વિસ્તારના ૬ ટકા ધરાવતું ગુજરાત સરફેસ વોટરના માત્ર ર.ર૮ ટકા સંશાધનો ધરાવે છે.

    ગુજરાતના પનોતાપુત્ર અખંડ ભારતના શિલ્પી-લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે વર્ષો પહેલાં આ ભૌગોલિક-કુદરતી સમસ્યાનો ઉકેલ નર્મદાના જળથી લાવવાનો દૂરંદેશીભર્યો વિચાર કરી લીધો હતો.

          આઝાદી મળી તેના એક વર્ષ પહેલાં ૧૯૪૬માં જે વચગાળાની સરકાર બની તેમાં જોડાતા વેંત જ સરદાર સાહેબે આ વિચાર-સ્વપ્નને સાકાર કરવા કમરકસી અને અભ્યાસો-ચર્ચા વિચારણા શરૂ થઇ.

    આઝાદી મળ્યા પછીની કોંગ્રેસ સરકારોએ આ નર્મદા યોજના પ્રત્યે એટલું દુલર્ક્ષ્ય સેવ્યુ કે સરદાર સાહેબે જે વિચાર ૧૯૪૬માં આપેલો તેનો શિલાન્યાસ છેક ૧૯૬૧ની પાંચમી એપ્રિલે કોંગ્રેસના વડાપ્રધાન નહેરૂજીએ કર્યો.

    સરદાર સાહેબના વિચારને વાસ્તવિક રૂપ આપવાનો પ્રારંભ કરવામાં કોંગ્રેસની સરકારે ૧પ વર્ષ-દોઢ દાયકાનો સમય વિતાવી દીધો. નહેરૂજીએ પાયો નાંખ્યા પછી પણ યેનકેન પ્રકારેણ આ યોજના વિલંબમાં રહી.

    ૧૯૮૭માં આ ડેમના બાંધકામનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો અને ૧૧૦ મહિના એટલે કે જૂન ૧૯૯૬ સુધીમાં બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.

    ગુજરાતની જીવાદોરી અને કાયાપલટ કરનારી આ બહુહેતુક યોજના પ્રત્યે તત્કાલિન કોંગ્રેસી સરકારોની ઉદાસીનતા નિષ્કાળજીને પરિણામે આ યોજનાના કામોમાં વિવિધ તબક્કે અવરોધો-વિલંબ આવતા જ રહ્યા છે.

    ગુજરાતની ગ્રામીણ-શહેરી વસ્તીને પીવાનું પાણી, ખેતીવાડીને સિંચાઇ સુવિધા માટેના અંતરાયોના મૂળમાં વિકાસ વિરોધી-ગુજરાત વિરોધી તત્વોના કાવાદાવા વરસો સુધી ચાલ્યા કર્યા.

    ૧૯૯૬થી ર૦૦૦ સુધીના વર્ષોમાં નર્મદા યોજનાના વિરોધીઓના પ્રપંચને કોંગ્રેસના શાસનમાં વેગ મળતો રહ્યો અને ગુજરાતનો વિકાસ રૂંધાતો જ રહ્યો.

    સતત અન્યાયનો સામનો કરતી આવેલી ગુજરાતની શાણી-સમજૂ જનતા જર્નાદને ર૦૦૧માં શાસન ધૂરા શ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથમાં સોંપી અને ગુજરાતના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો.

    ઉત્તર ગુજરાતની સૂકી ધરાના આ પુત્રને પાણીની તંગીની વેદના-પીડાનો અંદાજો હતો જ તેથી જ વિકાસ એજન્ડામાં પાણી-જળને ખાસ પ્રાધાન્ય આપ્યું.

    શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ માટે શકિત પંચામૃતની વિભાવના ઉપર મજબૂત વિકાસનો પાયો નાંખ્યો.

    શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનથી જળશકિત, જનશકિત, જ્ઞાનશકિત, રક્ષાશકિત અને ઊર્જાશકિતના સમન્વયથી ગુજરાતની વિકાસગાથાએ નવો ઇતિહાસ રચ્યો.

    શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે પાણીની જરૂરિયાત અને આવશ્યકતા પર ફોકસ કરીને રાજ્યના આયોજન બજેટમાં નર્મદા યોજના અને પાણી-જળ વ્યવસ્થાપન માટે વિશેષ જોગવાઇ કરી.

    ગુજરાતને જળસંકટથી મુકિત અપાવવા, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને રણકાંઠા કચ્છને હરિયાળીથી તરબતર બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ સરદાર સરોવર યોજનાને ટોપ પ્રાયોરિટી આપી.

              શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાને ગુજરાતની હસ્તરેખાભાગ્વવિધાતાની ઉપમા આપીને ગુજરાતના પ્રારબ્ધને નર્મદા જળના અવતરણ પુરૂષાર્થથી બદલવાનો સંકલ્પ કરી લીધો.

    તેમની અસાધારણ કૂનેહ અને દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનનો રાજ્યને સુચારૂ લાભ મળ્યો.

    ભાગીદાર રાજ્યોનો સહકાર મેળવી તેમજ નાણાંકીય સ્ત્રોતની પૂરતી વ્યવસ્થા ગોઠવી જુલાઈ ૨૦૦૨ માં બંધની ઉંચાઈ ૯૫ મીટર, જુલાઈ ૨૦૦૩માં ૧૦૦ મીટર અને ૩૦ જુન ૨૦૦૪ ના રોજ ૧૧૦.૬૪ મીટર સુધી પહોંચાડવામાં આવી.

    ઓગષ્ટ-૨૦૦૪ થી ડીસેમ્બર ૨૦૦૪માં ૨૫૦ મેગાવોટ ક્ષમતા ધરાવતાં કેનાલ હેડ પાવર હાઉસને કાર્યાન્વિત કરાયુ અને ફેબ્રુઆરી ૨૦૦૫ થી જૂન ૨૦૦૬ સુધીમાં ૧૨૦૦ મેગાવોટના રીવરબેડ પાવર હાઉસ પણ ધમધમતા થઈ ગયાં. વીજ ઉત્પાદન શરૂ થઈ શકતાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સહકાર વધુ દ્રઢ થઈ શક્યો.

    વર્ષ ૨૦૦૩-૦૪ દરમ્યાન ઈરીગેશન બાયપાસ ટનલના કામો પૂર્ણ થતાં જ બંધના જળાશયમાં પાણી ૧૧૦.૬૪ મીટર કરતાં ઓછું  હોય તો પણ મુખ્ય નહેરમાં વહેવડાવવાનું સંભવ બન્યુ.

    વર્ષ ૨૦૦૨માં નર્મદાના નીર સૌરાષ્ટ્ર શાખા નહેરમાં વહેતા થયા અને ૧૮ મે ૨૦૦૩ના રોજ પાઈપલાઈન મારફતે પીવાના પાણી કચ્છમાં ભુજ સુધી પહોંચ્યા.

    કચ્છની પ્રજાનો વર્ષોનો ઈંતેજાર ખતમ થયો અને યોજનાના વિરોધીઓનો જે અપપ્રચાર હતો કે નર્મદાના નીર કદીએ કચ્છ સુધી નહીં પહોચે તેમની તો બોલતી જ બંધ થઇ ગઇ, તેમના દાવાઓ પોકળ હતા તે કચ્છની સમજૂ પ્રજાને નરી આંખે દેખાઇ ગયું.

    ત્રણ થી ચાર હજાર જેટલાં ગામોને દર વર્ષે રોડ ટેન્કરથી પાણી પૂરું પાડવું પડતું હતું તે સંખ્યા ઘટીને ૬૦૦ સુઘી આવી ગઈ અને તે મુજબ આવા હંગામી ઉકેલો પાછળ કરવો પડતો ખર્ચ પણ ઘટી ગયો. લોકોની રોજિંદી મુશ્કેલી દૂર થતી ગઈ અને પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બનતો ગયો.

    નર્મદા યોજનાના વિરોધીઓ દ્રારા એક યા બીજા કારણ દર્શાવી કાયદાકીય ગૂંચ ઉભી કરવાના પ્રયત્નો કારસાઓ ચાલુ જ રહ્યા પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ કુશળ નેતૃત્વને કારણે ગુજરાત પોતાનો પક્ષ દ્રઢતાથી રજુ કરી શક્યુ.

    વર્ષ ૨૦૦૬માં બંધની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર સુધી લઈ જવાનો ધ્યેય રાખવામાં આવેલો. પર્યાવરણ અને પૂનર્વસનના પેટા-જૂથોની ભલામણ પછી ૮ માર્ચ ૨૦૦૬ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીની મંજુરી મળી અને કામનો પ્રારંભ થયો.

    આ કામના પ્રારંભ પછી ફરીવાર ૧૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ રીવ્યુ કમિટીની બેઠક મળી. ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીઓએ સમર્થન આ૫યું અને બે કેન્દ્રીય પ્રધાનો તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરોધમાં પડયા કારણ કે કેન્દ્રની યુ.પી.એ. સરકાર અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારને ગુજરાતનો વિકાસ આંખમાં કણાની જેમ ખૂંચતો હતો.

    શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સમવાય લોકતાંત્રિક વ્યવસ્થામાં કેન્દ્રની સરકાર કોઇ એક રાજ્યના વિકાસને માત્ર ને માત્ર તે પ્રતિપક્ષની સરકાર હોવાના નાતે રૂંધે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું.

    રિવ્યૂ કમિટીની બેઠકમાં ગુજરાતને થયેલા આ હળાહળ અન્યાય સામે બીજા જ દિવસે ૧૬ એપ્રિલે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ઉપવાસ ઉપર બેઠા.

    કોઇ રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્રની સરકાર દ્વારા પોતાના રાજ્યને થઇ રહેલા અન્યાય સામે જંગે ચડયા હોય તેવી આ વિરલ ઘટનાને સાડા છ કરોડ ગુજરાતીઓનું પ્રચંડ સમર્થન મળ્યું.

    મુખ્યમંત્રીશ્રીની પ્રતિબધ્ધતા ગુજરાતની જનતા જર્નાદનના પીઠબળથી અન્યાય સામે મક્કમતાથી લડત સામે કેન્દ્રી યુ.પી.એ. સરકાર ઝૂકી અને સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી નર્મદા બંધની ઊંચાઇ વધારવા ડિસેમ્બર-ર૦૦૬માં મંજૂરી

    મળતાં ૧ર૧.૯ર મીટરની ઊંચાઇ હાંસલ થઇ એટલું જ નહિ, જળવિદ્યુતનું ઉત્પાદન અને જળસંગ્રહ ક્ષમતા બેય વધ્યા.

    તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ આ ૧ર૧.૯ર મીટરની ઊંચાઇ વધારવાની કામગીરી પૂર્ણ થયા પછી પણ જે લાખો મિલિયન એકર ફુટ પાણી નિરર્થક દરિયામાં વહી જતા તેને સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં નહેરો મારફતે પહોચાડવા સૂજલામ-સૂફલામ અને નર્મદા કેનાલ નેટવર્કને સુગ્રથિત કર્યા.

    તેમણે દુષ્કાળને ભુતકાળ બનાવવાના દ્રઢસંકલ્પ સાથે સૌરાષ્ટ્રના ૧૧પ નાના-મોટાં જળાશયો નર્મદા જળથી ભરવા સૌની યોજનાનો આગવો વિચાર મૂર્તિમંત કર્યો.

    શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના કર્મયોગીઓના ઇજનેરી કૌશલયમાં નવા પ્રાણ પૂરીને નર્મદા કેનાલના કામોનો ઇતિહાસ સર્જી નાખ્યો.

    આ યોજનાઓ-આયોજનોના ઝડપી અમલ માટે નાણાં વ્યવસ્થાપન પણ એટલું જ આવશ્યક હતું.

    શ્રી નરેન્દ્રભાઇ આ વાતને બરોબર સમજ્યા અને પ્રજાના પૈસા પ્રજાહિતમાં વધુ વપરાય તેવા અભિગમ સાથે અગાઉની ૧૯૮૮-૮૯થી ર૦૦૧-૦ર ના ૧૪ વર્ષોની એવરેજ વાર્ષિક ૧પ૩૬ કરોડ જોગવાઇ સામે તે પછીના વર્ષોમાં ૬૪ર૪ કરોડ વાર્ષિક સરેરાશ નાણાં જોગવાઇ સુનિશ્ચિત કરી.

    આ બધાની ફલશ્રુતિ રૂપે માર્ચ ૨૦૦૮ માં ૪૫૮ કિ.મી લાંબી વિશ્વની સિંચાઈ માટેની સૌથી મોટી નહેર-નર્મદા મુખ્ય નહેરનું કામ પૂર્ણ કરી પાણી રાજસ્થાન સુધી વહેવડાવવામાં આવ્યા.

    વર્ષ ૨૦૦૯ માં સૌથી મોટી શાખા નહેર – સૌરાષ્ટ્ર શાખા નહેર તેના પાંચ પંપીંગ સ્ટેશન સાથે પૂર્ણ કરી ૭૧ મીટરના ઉદ્દ્વહન સાથે પાણી સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પહોંચ્યા.

    તબક્કાવાર સિંચાઈ લાભો મળતાં થતાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે અભુતપૂર્વ ક્રાંતિ – સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના ખેડૂતો રોકડીયા પાક લેતાં થયા અને એક સમયની વેરાન જમીનને હરિયાળી કરી શકયા.

    નહેર માળખાના કામોમાં મુખ્ય પ્રશ્ન હતો ખેડૂતોની ખાનગી જમીનના સંપાદનનો. રાજ્ય સરકારે અભુતપૂર્વ નિર્ણય શક્તિ દાખવી જંત્રી ભાવે વળતર ચૂકવી

    સંમતિ એવોર્ડ થકી જમીન સંપાદન કરવાનો નિર્ણય કરતાં ૧૧,૦૮૭ હેક્ટર જમીન સંપાદન થઈ શકી પરિણામે નહેરોના કામોમાં પ્રગતિ થઈ શકી અને દૂર-દૂર સુધી નર્મદાના પાણી વહેતા થયા.

    વર્ષ 2000 માં આશરે 6,500 કિલોમીટર લંબાઇના નહેરોના કામો થયેલા હતા જ્યારે આજે 47,100 કિલોમીટર પુર્ણ થયેલ છે.

    ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને માર્ગદર્શનમાં આવું સુદ્રઢ સિંચાઇ-જળ વ્યવસ્થાપન કર્યુ છતાંય બંધની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરથી વધુ એટલે કે પૂર્ણ ક્ષમતા સુધી પહોચાડવા દરવાજા ગેટ મૂકવાની પરવાનગી આપવામાં ૯૦ મહિનાનો સમય તત્કાલિન કોંગ્રેસી સરકારે વેડફી નાંખ્યો.

    ગુજરાતના વિકાસમાં રોડાં નાંખવાની આવી પેરવી કરનારી કોંગ્રેસ કે યુ.પી.એ. પક્ષો હજુ સુધી વિલંબના કારણો આપી શકતા નથી.

    સવાસો કરોડ દેશવાસીઓને નવી આશાનું કિરણ ર૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેખાઇ ગયુ અને કેન્દ્રમાં પૂર્ણ બહુમત સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભાજપા સરકાર રચાઇ.

    ગુજરાતના આ પનોતાપુત્રએ વરસોથી કોંગ્રેસની સરકારોએ ફાઇલોના ઢગલા નીચે દબાવી રાખેલી ગુજરાતની નર્મદા યોજનાની ફાઇલ કઢાવી અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.

    પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યાના ૧૭મા દિવસે જ બંધની ઊંચાઇ પૂર્ણ કક્ષાએ લઇ જવાની તેમજ દરવાજા મૂકવાની મંજુરી આપીને તેમણે ‘નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે’ ચરિતાર્થ કર્યુ છે.

    જે કહેવું તે કરવુંની કાર્યસંસ્કૃતિ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે પણ મંજુરી મળતાં જ પળનોય વિલંબ કર્યા વિના કામગીરીનો આરંભ કરી દીધો.

    રાત-દિવસ જોયા વગર કામ કરીને નિર્ધારીત સમય પહેલા, આઠ માસ પહેલા દરવાજાનું કામ પૂરૂં કરી દીધું છે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં એક બાજુ મુખ્ય બંધનું કામ-દરવાજાનું કામ તબક્કાવાર આગળ ધપાવવા સાથે પૂર્નવસનને સ્પર્શતી તમામ પૂર્વ શરતો સમયબધ્ધ રીતે પૂર્ણ થાય તેની પણ કાળજી લેવામાં આવી છે.

    ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ૧૧૦૬૮ અસરગ્રસ્તોને ર૧૯પ૮ હેકટર ખેતીની જમીન, પ૦૦ ચો.મીટરના રહેઠાણ પ્લોટ, નિર્વાહભથ્થુ તથા ર૦૪૯૬ હેકટર જમીનમાં સિંચાઇ સુવિધા આપવામાં આવી.

    ડેમના દરવાજા મૂકવા માટે ર૯ પીઅર્સ ૧૪૬ મીટરની ઉંચાઇ સુધી પૂર્ણ કર્યા. બ્રીજના તમામ ૩૦ ગાળાનું કામ પૂર્ણ કર્યું. ૧ લાખ ૧૦ હજાર ઘન મીટર કોંક્રીટ કામ કર્યુ. ૬૦ બાય પપ ફૂટના ર૩ દરવાજા, ૬૦ બાય ૬૦ ફૂટના સાત દરવાજા. પ્રત્યેક દરવાજાનું સરેરાશ વજન ૪પ૦ ટન અને કુલ વજન ૧૩૦૦૦ ટન એ બધુ આઠ મહિના પહેલા કામ પૂર્ણ કરી દીધું છે.

    આ સુદ્રઢ અને સમયબધ્ધ કામગીરી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી-નર્મદા વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સુચારૂ સંકલન અને આગવા વિઝનથી પૂર્ણ કરી દેવામાં આવી.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર ઘટનાક્રમની વિગતો આપતાં એમ પણ કહ્યું કે ‘‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને સતત માર્ગદર્શનની ફલશ્રુતિએ ગુજરાતે સરદાર સરોવર બંધની ઊંચાઇ પૂર્ણ કક્ષાએ લઇ જવા સાથે દરવાજા બંધ કરવાની  કામગીરીની બધી જ તૈયારીઓ પૂર્ણ કરી છે. હવે, પરવાનગી મળી જતાં આજથી જ આ ગેટ બંધ કરવાની કામગીરી શરૂ થઇ છે.’’

    નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાગરિકો વતીથી આભાર માનતા જણાવ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસશાસિત યુ.પી.એ. સરકાર હતી ત્યારે સાત વર્ષ સુધી નર્મદા બંધના દરવાજા મૂકવાની પરવાનગી અટકાવી રાખવામાં આવી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ૧૭ દિવસમાં મંજૂરી આપી દીધી હતી. માત્ર ત્રણ વર્ષના શાસનકાળમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા મુખ્ય બંધના દરવાજા મૂકવાથી માંડીને બંધ કરવા સુધીની પરવાનગી આપીને ઐતિહાસિક કામ કર્યું છે. તેમણે નર્મદા ડેમના દરવાજા બંધ કરીને વિરોધીઓના મોઢા પણ બંધ કરી દીધાં છે.

    ‘‘પાણીના મૂદે રાજકારણના આટાપાટા ખેલનારા પક્ષો હવે સ્પષ્ટ સમજી ગયા છે કે ગુજરાતને વૈશ્વિક વિકાસના માર્ગેથી કદીયે વિચલીત કરી શકાશે નહિ’’ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

    સાડા ૬ કરોડ ગુજરાતીઓના શકિત સામર્થ્ય અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અને ભાજપા સરકારની આગવી વિચક્ષણતાથી ગુજરાત નર્મદાના જળનો વિનિયોગ વિકાસ ક્રાંતિ માટે કરવાનું જ છે.

    લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે વર્ષો પહેલાં ૧૯૪૬માં આઝાદી પૂર્વે સેવેલું સપનું વિકાસ પૂરૂષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દૂરંદેશીતાથી સાકાર થયું છે.

    ગુજરાત માટે જળસંકટ, દુષ્કાળ અને વરસાદ આધારિત ખેતી એ બધુ જ ભુતકાળ બનશે એનો સંપૂર્ણ શ્રેય પ્રધાનમંત્રીશ્રીના વિઝનને જ આભારી છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    આ વેળાએ મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંહ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat