મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મધ્યમ, લઘુ અને શુક્ષ્મ ઉદ્યોગો (MSME)ને સરળ, ઝડપી અને પારદર્શક ધિરાણ સુવિધા ઉપલબ્ધ બને તે માટે ભારત સરકારના નાણાં મંત્રાલય આયોજિત પી.એસ.બી. લોન ઇન ૫૯ મીનીટસ પોર્ટલનો વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાથે શુભારંભ કરાવ્યો હતો. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં દેશના ૮૦ જિલ્લાઓમાં MSME માટેના આ સીમાચિન્હરૂપ આયોજનનો શુભારંભ કરાવ્યો, તેની સાથે ગુજરાતમાં તેના શુભારંભ વડોદરાથી કરાવવામાં આવ્યો હતો. હવે MSME એકમો જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી જીએસટી અને આવકવેરા રીર્ટન્સ જેવા દસ્તાવેજોની મદદથી માત્ર ૫૯ મીનીટસમાં રૂા.૧ કરોડ સુધીનું ધિરાણની મંજૂરી મેળવી શકે તે આ પોર્ટલની વિશેષતા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આ નવી સુવિધાને આધારે ધિરાણ મેળવનારા ૨૫ જેટલા MSME અરજદારોને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું તથા તેમને વિકાસની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં આ પોર્ટલની સુવિધા કાર્યાન્વીત થવાની સાથે દશ હજાર જેટલા MSME અરજદારોની ધિરાણ અરજીઓને મંજૂરી આપવામાં આવી જે ખાસ ઉલ્લેખનીય છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો, ગામડાઓ, કિસાનો, શોષીતો અને વંચિતો માટેની સરકારનું વચન પૂરૂં કર્યું છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે MSMEના વિકાસની ચિંતા કરી છે અને કાળજી લીધી છે. પ્રધાનમંત્રી સારા લોકોને સરળ અને ઝડપી ન્યાય અને સુવિધાઓ મળે તેની કાળજી લઇ રહયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે MSME વિપુલ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તેને અનુલક્ષીને ગુજરાત સરકારે MSMEના વિકાસ માટે અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને જોગવાઇઓ અમલમાં મૂકી છે. તેના અમલીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનું જંગી પ્રાવધાન રાજયના અંદાજપત્રમાં કર્યું છે.
MSME માટે અલગ કમિશ્નરેટ કાર્યરત કરવામાં આવ્યું છે. તેમના માટે ઇન્સેન્ટીવ્સ, સબસીડીઓ, માળખાકીય સુવિધાઓ, ટેકનોલોજીના અપડેશનની સરળતા જેવા આયામોને રાજય સરકારે અગ્રિમતા આપી છે.
મખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે MSME એ સ્કીલ ઇન્ડિયાનું હાર્દ છે. MSME સારા અને નિકાસને યોગ્ય ઉત્પાદનો કરી શકે એ માટે આ ક્ષેત્રમાં કૌશલ્યવર્ધનની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. કુલ જીડીપીમાં MSMEનું મહત્વપૂર્ણ યોગદાન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશમા ૭ કરોડથી વધુ MSME છે જે ૧૨ કરોડ જેટલી રોજગારી ની તકોનું સર્જન કરે છે. તેમણે કહયું કે ગુજરાત રાજયના દરેક જિલ્લાની એક બે ઉત્પાદનો સાથે સંકળાયેલી નવી ઓળખ ઉભી કરવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ ૨૦૧૭માં જે ૨૫૦૦૦ થી વધુ MOUS થયા એમાં ૧૮ હજાર જેટલા MSME ક્ષેત્રના હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના ઔદ્યોગિક ઉત્પાદનો અને જીડીપીમાં ઝડપી અને નોંધપાત્ર વધારો થઇ રહયો છે. દેશની માથાદીઠ વાર્ષિક આવક રૂા.૧.૦૪ લાખ જેટલી છે. જયારે ગુજરાતની રૂા.૧.૫૪ લાખ જેટલી છે. જે ૪૫ ટકા વધારે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે MSME માટે વધુ સારા દિવસો, પ્રગતિના નવા યુગનો શુભારંભ થઇ રહયો છે. તેમને બેન્કોની સહાય ઝડપથી મળે અને બજારમાં વેચાણની સરળતા થાય એની કાળજી લેવામાં આવી રહી છે.
વડોદરાની વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસના હબ તરીકેની પ્રસ્થાપિત થતી જતી ઓળખનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને દીપાવલીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને લોકો વધુને વધુ ખુશહાલ બને એવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મહિલાઓ અને અનુસુચિત જાતિ/જનજાતિઓના સાહસિકો ઉદ્યોગપતિ બને એવા પ્રોત્સાહનોની વ્યવસ્થા કરી છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીએ સન ૨૦૧૪માં દેશનું નેતૃત્વ સંભાળ્યું, ત્યારથી જ ભારત સર્વોચ્ચ પ્રગતિના પંથે અગ્રેસર છે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશ સહિત તમામ આર્થિક, સામાજિક અને વૈશ્વિક માપદંડોમાં ભારતે હરણફાળ ભરી છે. દૂરંદેશી પ્રધાનમંત્રીશ્રીએ જનધન સહિત સામાજીક સુરક્ષાની જે યોજનાઓ અમલમાં મૂકી છે તેનો સીધેસીધો લાભ દેશના ગરીબોને મળી રહે છે.
તેમણે જણાવ્યું કે MSME માટેની ધિરાણની આ નવી અને સરળ વ્યવસ્થાથી વિકાસને વેગ મળશે. મુખ્યમંત્રીશ્રીએ MSMEના મજબૂતીકરણ માટેની ભારત સરકારની યોજના શરૂ કરાવી. તેનો આનંદ વ્યકત કરવાની સાથે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે જણાવ્યું કે આ પોર્ટલ પ્રધાનમંત્રીશ્રીની MSMEના વિકાસ માટેની ભલી લાગણી અને કાળજીની પ્રતિતી કરાવે છે. તેમણે MSMEના વિકાસ માટેની ગુજરાત સરકારની કટિબધ્ધતા અને આયોજનોની પ્રશંસા કરી હતી.
બેંક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડાયરેકટશ્રી વિક્રમાદિત્યસિંહ ખીંચીએ સહુને આવકારવાની સાથે જણાવ્યું હતું કે જાહેરક્ષેત્રની બેંકો ભારત સરકારે MSMEના વિકાસ માટે જે જવાબદારી સોંપી છે. તેને જનધન સહિતની સામાજિક સુરક્ષા માટેની વિભિન્ન યોજનાઓની જેમ જ કાળજી લઇને અદા કરશે.
MSME સેકટર ગુજરાત રાજયના અર્થતંત્રની કરોડરજજુ છે એવી લાગણી વ્યકત કરવાની સાથે સહુને આવકારતા જિલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત સરકારના નાણાં મંત્રાલયની આ યોજના MSME સેકટરને મજબૂત કરશે. ગુજરાત સરકારે સાણંદમાં મહિલા ઉદ્યોગકારો માટે અલાયદી સ્થાપેલી ઔદ્યોગિક વસાહતનો દાખલો આપતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને પીઠબળથી MSME સેકટરને અનેક નવી સુવિધાઓ દ્વારા પ્રગતિવાન બનાવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, મેયર ર્ડા.જીગિષાબહેન, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી જીતુભાઇ સુખડીયા, મનીષાબહેન વકીલ, સીમાબહેન મોહીલે, યોગેશભાઇ પટેલ, કેતનભાઇ ઇનામદાર, બેંક ઓફ બરોડાના ડાયરેકટર ભરત ડાંગર, બેન્ક ઓફ બરોડા સહિત જાહેર ક્ષેત્રની બેંકોના ઉચ્ચાધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ ર્ડા. એમ.કે.દાસ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વીસીસીઆઇ અને એફજીઆઇ સહિત ઔદ્યોગિક મંડળોના પદાધિકારીઓ, જીએસટી અને સી.એ.પ્રેકટીશનર મંડળના પદાધિકારીઓ, MSME સાહસિકો અને લાભાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
Source: Information Department, Gujarat