Latest News

Gujarat CM takes review of rain-hit areas of Rajkot

  વાગુદડ ગામ અસરગ્રસ્ત પરીવારોની મુલાકાત લઇ તમામ મદદની હૈયાધારણ આપતા મુખ્યમંત્રીશ્રી

  રાજકોટતા.૧૪ સપ્ટેમ્બર – ગત રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત એવા જામનગર જિલ્લાની આજરોજ મુલાકાત લીધા બાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

  મુખ્યમંત્રીશ્રી પટેલે અસરગ્રસ્ત થયેલા વાગુદડ ગામ ખાતે મુલાકાત લઇને અહિં રહેતા અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં મુખ્યમંત્રીશ્રી પટેલે તેઓની સાથે સીધો સંવાદ કરી તેમને થયેલા નુકશાનનો કયાસ કાઢયો હતો. આ તકે મુખ્યમંત્રીશ્રી પટેલે અસરગ્રસ્ત પરીવારોની વેદનાને જાણી તેઓ પ્રત્યે સંવેદના વ્યકત કરતા રાજય સરકાર દ્વારા તમામ પ્રકારની મદદની હૈયાધારણ આપી હતી. આ તકે તેઓએ વાગુદડ ગામના રહીશ એવા વિરમભાઇ પુંજાભાઇ મોડેદરાના પરીવાર કે જેઓ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓને ટીફીનની સેવા આપી રહયા છે, તેઓની મુલાકાત પણ લીધી હતી તથા તેમના રહેણાંકમાં થયેલ નુકશાની અંગે જાત મુલાકાત બાદ તેઓને સાંત્વના સાથે તમામ મદદની હૈયાધારણા આપી હતી.

  આ પહેલા મુખ્યમંત્રીશ્રી પટેલના આગમનને સાંસદશ્રીઓ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ઘડુક, રામભાઇ મોકરીયા, ધારાસભ્યો સર્વે શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઇ સાગઠીયા, મેયરશ્રી પ્રદિપભાઇ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા, કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, ડી.ડી.ઓશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમીત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના તથા અન્ય અગ્રણીઓએ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું અને આ મુલાકાત દરીમયાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

  મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

  Source: Information Department, Gujarat