રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી
……..
…….
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઘ્વારા ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનો વટહુકમ-2022નો રાજ્યમાં અમલ કરવાનો મહત્વપૂર્ણ લોકહિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમ-2022ને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાત જેવા વિકાસના રોલમોડેલ રાજ્યમાં ઊદ્યોગો, વેપાર-ધંધાની વ્યાપક્તાને કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી-વ્યવસાય માટે શહેરોમાં આવીને વસવાટ કરતા થયા છે. આના પરિણામે વાણિજ્યિક અને અન્ય હેતુની મિલકતોની માગ દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે તેમની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક રૂમ બે રૂમ રસોડાના નાન મકાનમાં પરિવાર સાથે રહેતા મધ્યમવર્ગીય નાગરિકો તેમના બિનઅધિકૃત બાંધકામ અંગે સતત ચિંતા કરતા હોય છે તે બાબતે રાજ્ય સરકારે સંવેદના સાથે આ નિર્ણય લીધો છે.
વેગવંતા શહેરીકરણને કારણે શહેરો અને નગરોની હદ અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી, શહેરોમાં પરવાનગી વગર મકાનો બનતા જાય છે. અથવા વિકાસ નિયંત્રણ નિયમોની વિરૂધ્ધ મકાનો બને છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી એમ પણ કહ્યું કે, રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તામંડળો, નગરપાલિકા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં મકાનો/બાંધકામો બી.યુ. પરવાનગી વગરના જણાય છે. બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી.
તેમણે ઉમેર્યું કે, સંબંધિત સત્તામંડળ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવા, ઉતારી પાડવા અથવા અન્ય ફેરફાર કરવા ગુજરાત પ્રોવિન્સીઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯ અથવા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, ૧૯૭૬ મુજબ નોટીસો આપવામાં આવેલ છે. પરંતુ, આ નોટીસોના અનુસંધાને સંબંધિતો દ્વારા જરૂરી પગલા લેવાનુ કે પૂર્તતા કરવાનુ સંપૂર્ણતઃ શક્ય બનેલ નથી.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્ય સરકારે અગાઉ સને ૨૦૦૧ અને ૨૦૧૧માં અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેના કાયદા અમલમાં લાવવામાં આવેલ, જેના આધારે કેટલાક બાંધકામો નિયમિત થયેલ છે. તેમ છતાં, ઘણા બિનઅધિકૃત બાંધકામો નિયમિત થઇ શકેલ નથી તેમજ વપરાશની પરવાનગી મેળવી શકેલ નથી, તે પણ ધ્યાનમાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
આ તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઈ ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022’ નો વટહુકમને માન. રાજ્યપાલશ્રી ની મંજૂરી મળેલી છે.
મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરનાં બાંધકામોને દૂર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના છે તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે છે, સમાજની આર્થિક અને સામાજીક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે, જે ઇચ્છનિય બાબત નથી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતે સંપૂર્ણ માનવીય અભિગમ અપનાવીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે, એમ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવાની કાર્યવાહી સંદર્ભમાં વિગતો આપતા શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વટહુકમ અમલમાં આવ્યાની તારીખથી ચાર માસમાં બિનઅધિકૃત બાંધકામ નિયમીત કરાવવા મકાનોના માલિક અથવા કબજેદારો e-Nagar Portal ઉપર ઓનલાઇન અરજી કરી શકશે.
બિનઅધિકૃત બાંધકામ નિયમબદ્ધ કરતાં થતી વસુલાત બાબત
રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૦૧ અને ૨૦૧૧માં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા સારૂ કાયદો ઘડવામાં આવ્યો હતો.
આ કાયદાના લાભોથી વંચીત રહેલ અનધિકૃત વિકાસ કે જે તારીખ ૦૧-૧૦-૨૦૨૨ પહેલાં કરાયેલ છે, તેને નિયમિત કરાવવા ઇચ્છુક નાગરીકો લાભ લઇ શકે તેવા મુળ હાર્દ સાથે જાહેર જનતાના હિતાર્થે ઇમ્પેકટ ફીનો કાયદો ફરીથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની આ રાજય સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલ છે, તેમ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી એકત્ર થયેલી રકમ, આંતરમાળખાકીય સવલતોના વિકાસ અને સુધારો કરવા માટે વાપરવામાં આવશે જે સામાન્ય જનતા અને સમગ્ર સમાજના ફાયદા માટે તથા જાહેર હીતમાં રહેશે.
પ્રવક્તામંત્રીશ્રીએ કહ્યું કે, ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું અને સરકાર દ્વારા કરાયેલો સરળ પ્રક્રિયાનો આ અભિગમ જનતાને નવું સ્વાભિમાન બક્ષવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો પ્રજાહિતલક્ષી સરાહનીય તથા અભિનંદનને પાત્ર અભિગમ છે.
Source: Information Department, Gujarat