Latest News

Hon’ble President, Guj Gov, Guj CM attends convocation of MS University in Vadodara

રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ આજે વસંતપંચમીના પવિત્ર દિવસે જ યોજાયેલા એમ.એસ. યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહનો સુખદ સંયોગ જણાવી વસંતપંચમીને શિક્ષણ સાથેનો સીધો સંબંધ હોય, અહીંથી પદવી મેળવનારાઓના જીવનમાં પણ સદેવ માં સરસ્‍વતીની કૃપા બની રહે તેવી હાર્દિક શુભેચ્‍છાઓ આપી જણાવ્‍યું હતું કે, હવે અહીંથી બહાર નીકળી વ્‍યવહારિક અને જીવનની પાઠશાળાના પડકારો સામે પોતાની પ્રતિભાને ઉજાગર કરી સમાજ-દેશના વિકાસ સાથે તાલ-મેલ કરવાનો સમય આવ્‍યો છે. યુવાનો ચિત્‍ત, એકાગ્રતા, નિષ્‍ઠા અને ઇમાનદારી સાથે ચાલશો, તો કોઇ પણ પડકારો પાર કરી શકશો તેમ જણાવ્‍યું હતું.

        આજના આ અવસરે ૧૫૯ વિદ્યાર્થીઓને ૨૬૭ સુવર્ણપદક સાથે ૧૪ વિવિધ ફેકલ્‍ટીના ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન એનાયત કરવાના સમારોહમાં રાષ્‍ટ્રપતિશ્રીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં મેડલ-પદવી મેળવનારી દિકરીઓની સંખ્‍યા વિશેષ જોતાં માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાનું જણાવી, ગુજરાત સરકારે સમાજ નિરંતર પ્રગતિશીલ હોવાનું ફલિત કરી બતાવ્‍યું છે. તેમણે બેટીઓ આગળ વધશે, દેશ આગળ વધશે, દિકરીઓ દેશના વિકાસનું પ્રતિબિંબ પાઙે છે. તેમની બે દિવસની ગુજરાતની મુલાકાતમાં ગુજરાત સરકારના ઇન્‍ફાસ્‍ટ્રકચર અને આધુનિક સુવિધાઓ અને વિકાસનો માહોલ જોઇ તેમણે મુખ્‍યમંત્રીશ્રી સહિત રાજય સરકારની સમગ્ર ટીમ સરાહનીય હોવાનું ઉમેર્યું હતું.

        વડોદરા સંસ્‍કારી નગરી, એક જમાનામાં સાંસ્‍કૃતિક રાજધાની તરીકેની જાણીતી હતી. જેનો શ્રેય મહારાજ સયાજીરાવ ગાયકવાડને આપતાં રાષ્‍ટ્રપતિશ્રીએ કહયું હતું કે, મહારાજા સયાજીરાવે બેઝીક ‘‘એજયુકેશન’’ને ગણાવ્‍યું હતું. રાજમાતા શુભાંગીનીદેવી તેમની રાહે આગળ ચાલી રહયાં છે. વિશ્વ વિદ્યાલયનું થીમ સત્‍યમ, શિવમ, સુંદરમને વરેલું હોય દેશ-પ્રદેશ અને વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવે છે. સાયન્‍સ, આર્ટસ જેવા વિષયો સાથે અધ્‍યયન અને ઉદ્યમતા  સાથેના ઉચ્‍ચ ઉદાહરણો પૂરા પાડે છે. સયાજીરાવ ગાયકવાડના સ્‍વપ્‍નનું આ સ્‍વરૂપ છે જેને કારણે શ્રી અરવિંદો, બાબાસાહેબ આંબેડકર જેવા વિભૂતિઓને જોડવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થયું છે. બાબાસાહેબના વ્‍યકિતત્‍વને ઉજાગર કરવામાં પણ તેઓ વ્‍યકિતવિશેષ રહયા છે. સંવિધાનના આદર્શ મુલ્‍યોમાં પણ સયાજીરાવના વિચારોની ઝલક જોવા મળે છે. આ વેળાએ તેમણે ગઇકાલે જી.એસ.પી. કંપનીમાં લાગેલી આગમાં ચાર વ્‍યકિતઓના નિધન અંગે સંવેદના વ્‍યકત કરી હતી.

        રાષ્‍ટ્રપતિશ્રીએ એમ.એસ.યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગીનીદેવી ગાયકવાડના નિમંત્રણને માન આપીને વડોદરા પધાર્યા છે તેમ જણાવી તેમણે દિક્ષાંત સમારોહમાં ઉપસ્‍થિત સૌને રાષ્‍ટ્રપતિ ભવન આવવા અને જોવાનું નિમંત્રણ આપ્‍યું હતું.

        આ અવસરે રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીએ જણાવ્‍યું હતું કે ગુજરાતની વિશ્વ પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાનો દિક્ષાંત સમારોહ આજે વસંતપંચમીના પર્વ દિવસે ઉજવાઇ રહયો છે. જે ગુજરાત માટે ગૌરવવંતું છે. એટલું જ નહીં એમ.એસ. યુનિવર્સિટીએ વિશ્વ વિખ્‍યાતની નામના ધરાવે છે ત્‍યારે આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સાથે તાલ મિલાવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઉચ્‍ચતમ શિક્ષણની સાથોસાથ લલિતકલા અને ફાઇન આર્ટસ ક્ષેત્રે ગૌરવ અપાવ્‍યું છે. વધુમાં ઉમેર્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્‍ડીયા અને ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ડૉ.અબ્‍દુલ કલામનું ભારત નિર્માણના સપનાને સાકાર કરવા યુવાશકિતને આગળ આવવા આહવાન કર્યુ હતું. વિશ્વ વિદ્યાલયો દ્વારા રાષ્‍ટ્રનો વિકાસ અને નવીન ભારતનું નિર્માણ કરી શકાશે. તેમણે સમાજમાં ગરીબ અને કચડાયેલા વર્ગના ઉત્‍થાન માટે મહાત્‍મા ગાંધીજી, સ્‍વામી વિવેકાનંદ અને પંડિત દિનદયાળ જેવી વિભૂતિઓએ કરેલા કામોનું આચરણ કરવા લાગણી વ્‍યકત કરી હતી. ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીના વિવિધ ફેકલ્‍ટીમાંથી દિક્ષાંત લઇ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી અને ઉચ્‍ચતમ શિક્ષણ પ્રાપ્‍ત કરી રાષ્‍ટ્ર સેવા અને સમાજ સેવામાં જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોમાં જ્ઞાન સાથે વિવેક ભાવનાને ઉજાગર કરવા વિશ્વ વિદ્યાલયોને અપીલ કરી હતી.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડે સામાજીક સમરસતા અને અશ્‍પૃશ્‍યતા નિવારણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્‍યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર, શ્‍યામજીકૃષ્‍ણ વર્મા જેવા મહાનુભાવોને ખૂબ મદદ કરી હતી. તેમજ અંગ્રેજોથી ડર્યા વગર લંડનના ઇન્‍ડિયા હાઉસને પણ આઝાદીની ચળવળ માટે આર્થિક મદદ કરી હતી, તો અનેક નામાંકિત મહાનુભાવોની ભેટ ધરીને સામાજીક સમરસતાને તત્‍કાલિન સમયમાં સીંચી હતી.

        દિક્ષિતોને અભિનંદન સાથે આર્શિવાદ આપતાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, શિક્ષા અને દિક્ષા મેળવીને યુવાનો સમાજ અને રાષ્‍ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે સાથે ગરીબો, પીડિતો, શોષિતોના કલ્‍યાણ માટે પોતે મેળવેલી વિદ્યાને ઉપયોગમાં લાવે. યુવાનો દેશની આશા છે. નિષ્‍ઠા અને સત્‍ય સાથે દેશની ઉન્‍નતિ માટે કટિબદ્ધ બનીએ જેથી ભારત જગતગુરૂ બને. પદવી પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓને પોતાની ફેકલ્‍ટીમાં વડોદરા ગુજરાત સાહિત દેશનું નામ રોશન કરવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. તેમજ સમગ્ર રાજય વતી સૌને શુભેચ્‍છા પાઠવી હતી.

        શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પદવી મેળવનારાઓને અભિનંદન સાથે શુભેચ્‍છાઓ પાઠવી આવતી કાલથી વ્‍યવહારિક અને વાસ્‍તવિક જીવનમાં પ્રવેશ કરી રહયા હોવાનું જણાવી જીવનમાં વિશ્વાસુ અને જવાબદાર બનવાની શીખ આપી હતી.

        આ અવસરે પ્રારંભમાં કુલાધિપતિ સુશ્રી શુભાંગીનીદેવી ગાયકવાડે મહેમાનોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કરી દિક્ષાંત સમારોહને ખુલ્‍લો મુકયો હતો. ઉપકુલપતિ શ્રી પરિમલ વ્‍યાસે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રંસગે ભારતના પ્રથમ મહિલા શ્રીમતિ સવિતાબેન કોવિંદ, પ્રિન્‍સીપલ સેક્રેટરી સુશ્રી અંજુ શર્મા ઉપસ્‍થિત રહયા હતા.

Source: Information Department, Gujarat