દિવ્યાંગો પ્રત્યે સંવેદનામાં રાજકોટે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં 17589 દિવ્યાંગોને રૂ. 12.72 કરોડના સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, દિવ્યાંગજનોએ મારો પરિવાર છે અને સરકારે દિવ્યાંગજનોને પ્રતિષ્ઠા-આત્મસન્માન આપવાનું કાર્ય કર્યું છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલા દિવ્યાંગજન સાધન-સહાય વિતરણ મેગા કેમ્પ- સામાજિક અધિકારીતા શિબિરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, જે પરિવારમાં દિવ્યાંગ બાળકોનો જન્મ થાય છે, તે પરિવારને ઇશ્વર પસંદ કરે છે, કારણકે તે પરિવાર દિવ્યાંગનું પાલનપોષણ કરવા માટે સક્ષમ હોય છે. ઇશ્વરને તેમના માતાપિતા પર વિશ્વાસ હોય છે. આવા માતા પિતા દિવ્યાંગ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા હોય છે.
વડાપ્રધાનશ્રી મોદીએ પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે, રાજકોટમાં ડો. પી.વી.દોશી પાસે આવતો ત્યારે તેમના દ્વારા સંચાલિત સંસ્થામાં દિવ્યાંગ બાળકોને મળવાનું થતું. આ બાળકોની સંવેદના મને સ્પર્શી જતી હતી.
તેમણે કહ્યું હતું કે, વિકલાંગને દિવ્યાંગ શબ્દ આપી માત્ર નામ પૂરતી પ્રતિષ્ઠા આપવાનું કાર્ય સરકારે નથી કર્યું પરંતુ, દિવ્યાંગની સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજના બનાવી છે અને નિર્ણયો લીધા છે. દિવ્યાંગ બાળક સામાન્ય બાળક જેવી જ ક્ષમતા ધરાવતા નથી, એથી પરીક્ષામાં પાસિંગ માર્ક 35માંથી ઘટાડી 25 કરવામાં આવ્યા છે.
શ્રી મોદીએ ઉમેર્યું કે, ભારતમાં જેટલી બોલી બોલાય છે, એટલી જ સાંકેતિક ભાષાઓ છે. એક પ્રાંતનો દિવ્યાંગ બાળક બીજા રાજયમાં જાય ત્યારે તે ત્યાંની સાંકેતિક ભાષા સમજતો નથી. આથી સરકારે નિર્ણય કર્યો કે આખા ભારતમાં એક જ પ્રકારની સાંકેતિક ભાષા શીખવાડવામાં આવે. જે વળી એવી રીતે સાંકેતિક ભાષા શીખવાડવી કે વિશ્વના કોઇ પણ ખૂણે જાય તો પણ તે સમજી શકે અને શબ્દો વ્યકત કરી શકે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1992થી સામાજિક અધિકારીતા શિબિર યોજવામાં આવે છે અને દિવ્યાંગોને સાધન-સહાય કરવામાં આવે છે. ત્યારથી લઇ વર્ષ 2014 સુધી 55 કેમ્પો યોજવામાં આવ્યા હતા. તેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં જ 5500 કેમ્પો યોજવામાં આવતા તે કેન્દ્ર સરકારની દિવ્યાંગો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર લઇ કામ કરી રહ્યા છીએ.
સુગમ્ય ભારત અભિયાનની ભાવના સ્પષ્ટ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, દિવ્યાંગને સરળતાથી અને તેને અનુકૂળ પડે તેવી રીતે હેરફેર કરી શકે તેવી રીતે સરકારોની નવી ઇમારતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનમાં ખાસ ડબ્બા-ટોઇલેટ પણ બનાવવામાં આવે છે. સરકારના આવા નિર્ણયોથી સામાજિક સંગઠનોને આ ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા મળી છે.
યુવાશક્તિને આહવાન કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, કુત્રિમ અંગોના નિર્ણયમાં વધુ નવસર્જનની જરૂરત છે. યુવાનો આ ક્ષેત્રમાં સંશોધન કરે અને સ્ટાર્ટઅપના માધ્યમથી ઇનોવેટીવ કુત્રિમ અંગોનું નિર્માણ કરી દિવ્યાંગોની જીવનશૈલી વધુ સરળ બનાવે તે જરૂરી છે.
શ્રી મોદીએ કેન્દ્ર સરકારની વિમા યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા કહ્યું કે દેશના 25 કરોડ પરિવાર પૈકી 13 કરોડ પરિવારો આ યોજનામાં જોડાઇ ચુકયાં છે. વર્ષ 2022 સુધીમાં દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નશીલ છે એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
શ્રી મોદીએ રાજકોટ સાથેનો પોતાનો નાતો-સંસ્મરણો વાગોળતા કહ્યું કે, રાજકોટ મને ગાંધીનગર પહોંચાડ્યો અને દેશે મને દિલ્હી બેસાડયો છે. મારી રાજકીય કારકીર્દિને રાજકોટે વળાંક આપ્યો હતો. તેમણે આ શિબિર યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું શાબ્દીક સ્વાગત કર્યા બાદ વડાપ્રધાનશ્રીનો રાજકોટ સાથેનો સ્નેહભર્યો નાતો વર્ણવતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ તેમના જીવનની પ્રથમ ચુંટણી રાજકોટથી જીતી હતી. વડાપ્રધાનશ્રીને આવકારવા રાજકોટવાસીઓના હ્રદયમાં ઘોડાપુર તો ઉમટ્યુ જ છે પણ ઇન્દ્રદેવે પણ વરસાદની અમીધારા વરસાવી છે.
ભારત સરકારશ્રી દ્વારા ભારતભરમાં દિવ્યાંગો માટે કેમ્પો થઇ રહ્યાં છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દિવ્યાંગોની ચિંતા કરતી સંવેદનશીલ સરકાર છે. નવસારી, વડોદરા બાદ રાજકોટના દિવ્યાંગોનો સમારોહ કરી નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી થઇ રહ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા દિવ્યાંગોને સન્માન-પ્રતિષ્ઠા આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના ઉત્થાન માટે, પગભર કરવા નવું બોર્ડ આર્થિક વિકાસ નિગમ બનાવવામાં આવશે. ઇશ્વરે દિવ્યાંગોને એકજ અંગની ખમી આપી હશે પરંતુ બાકીના અંગો કાર્યરત હોય છે. દિવ્યાંગો પણ ભારતમાં આર્થિક વિકાસમાં ભાગ લે તેવી શુભેચ્છા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોને જીવનભર વિનામૂલ્યે એસ.ટી.માં મુસાફરી કરી શકે તે માટે પાસ આપવાનો તેમજ જીવનભર દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળી રહે તેવો નિર્ણય રાજય સરકાર દ્વારા તાજેતરમાં કરાયો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા કેન્દ્રીયમંત્રીશ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે, રાષ્ટ્ર અને દુનિયાનો સૌથી મોટા દિવ્યાંગ કેમ્પ ગુજરાતમાં યોજવામાં આવ્યા. ગુજરાતમાં રાજકોટ પૂર્વે નવસારી, વડોદરા સહિત ચાર કેમ્પ યોજવામાં આવ્યા અને આ સહાય વિતરણ માટે ગુજરાતના વહીવટીતંત્રએ સક્રિય ભૂમિકા ભજવી છે, જેથી નવસારી અને વડોદરામાં વિશ્વ રેકર્ડ પણ બની શક્યો છે. મણિપુર રાજયની રાજધાની ઇમ્ફાલમાં પણ રેકર્ડ બન્યો છે. ગુજરાતમાં બીજો રેકર્ડ બનવા જઇ રહ્યો છે તેની ખુશી મંત્રીશ્રી ગેહલોતે વ્યક્ત કરી હતી. દીવ્યાંગજનોનું સશક્તિકરણ કરવા અને તેમના કલ્યાણ અર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેકવિધ યોજના-કાર્યક્રમ અમલી બનાવ્યા છે. દિવ્યાંગોને માનવ સંશાધનનો મુખ્ય હિસ્સો બનાવ્યા છે. રાષ્ટ્રના અંદાજે સાડા સાતથી વધુ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
આ કાર્યક્રમ સાથે 1442 મૂકબધિર બાળકોએ એક સાથે સાંકેતિક ભાષામાં રાષ્ટ્રગાન કરી વિક્રમ સર્જયો તેનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 786 દિવ્યાંગોને કેલીપર્સ બેસાડી નવી કેટેગરીમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ વિશ્વ વિક્રમ સર્જાયા હતા.
દિવ્યાંગ બાળકો દ્વારા કાર્યક્રમના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં રાજયપાલશ્રી ઓમપ્રકાશ કોહલી, રોડ અને ટ્રાન્સપોર્ટ કેન્દ્રીય રાજયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય રાજયમંત્રીશ્રી ક્રિષ્ન પાલ ગુર્જર, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, સાસંદશ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ રાજકોટના મેયર ડૉ. જૈમેન ઉપાધ્યાય અને જિલ્લાના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat