Latest News

Honorable PM Welcomes Narmada Water in Aji Dam at Rajkot

  રાજકોટમાં આજીડેમમાં નર્મદાના નીરને વધાવી સૌની યોજનાના બહુહેતુક પ્રકલ્પોનું લોકાર્પણ અને રાજકોટ મહાનગરપાલિકા આયોજિત હેકાથોન-૨૦૧૭ નો શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મેઘરાજાની મહેર વચ્ચે જનમેદનીને સંબોધતા કહયું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પાણી સંકટના કપરા સમયમાંથી પસાર થયું છે. સરકારે પેટે પાટા બાંધીને, સખત પરિશ્રમ કરીને સૌરાષ્ટ્રને નર્મદાનું નીર આપ્યું છે. હવે માં નર્મદાની કૃપાથી સૌરાષ્ટ્ર લીલુંછમ થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું ભાગ્ય બદલાશે.

  સૌરાષ્ટ્રની પ્રજા પાણીના મુલ્યને સમજે છે. મહાભગીરથ પ્રયાસોથી નર્મદાનું પાણી રાજકોટના આજીડેમમાં આવ્યું છે, સૌરાષ્ટ્રના ડેમો પણ ભરાશે એમ કહી વડાપ્રધાને કહયું હતું કે ભુતકાળના દિવસો ભુલી જવાના નથી. પાણી તો પરમાત્માનો પ્રસાદ છે, તેને બચાવવા વડાપ્રધાનશ્રીએ સંવેદનાસભર  અપિલ કરી હતી.

  માં નર્મદા આવ્યા આજી, રાજકોટવાસીઓને રાખશે રાજી તેવો આનંદનો ઉમળકો વ્યકત કરતા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ જુના સંસ્મરણો વાગોળતા કહયું કે વર્ષ-૨૦૦૧ માં આજી ડેમ ભરાયો ત્યારે રાજકોટવાસીઓએ  આ અવસરને વધાવવા આવવું જ પડશે તેવો આગ્રહ કર્યો હતો. આ બતાવે છે કે રાજકોટવાસીઓ પાણીના મુલ્યને સમજે છે.

  પ્રજા પ્રત્યેની સેવા અને સમર્પિતતાનો નેક ઇરાદો હોય તો ગમે તેવા કામોમાં સફળતા મળતી હોય છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીને ઉમેર્યું કે ૨૦૧૨માં તેઓએ સૌની યોજનાનું ખાતમૂહૂર્ત કર્યું ત્યારે કેટલાક લોકોએ આ શકય જ નથી તેમ કહી યોજનાને શંકાના વાદળોમાં ઘેરી લીધી હતી. પરંતુ પ્રજા પ્રત્યેની વફાદારી, પ્રતિબધ્ધતા અને નેક ઇરાદાને લીધે આાજે સૌની યોજના સફળતાની સાક્ષી બની છે. તેઓએ નર્મદાના નીરના વધામણાંને પાવનકારી અવસર તરીકે મુલવ્યો હતો.

  વડાપ્રધાને ગુજરાત સરકારે માત્ર સાત જ મહિનામાં નર્મદાનું પાણી આજીમાં પહોંચાડયું તે ભગીરથ કાર્ય બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સૌની યોજનાની ટીમને અભિનંદન આપ્યા હતા

  દેશના નવયુવાનોમાં કોઇપણ સમસ્યાના ઉકેલની સમજ છે તેમ કહી વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના અણઉકેલ પ્રશ્નોમાં યુવાનોની ભાગીદારી લઇ પ્રજાભિમુખ વહિવટની નવી શૈલી અપનાવી છે તેમ જણાવ્યું હતું. રાજકોટ હેકાથોન પ્રોજેકટથી ગુજરાતના યુવાનો રાજકોટનું ભાગ્ય બદલશે, કાયાપલટ કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.

  ડ્રીપ ઇરીગેશનથી ખેતી સમૃધ્ધ બની રહી છે તેમ જણાવી રાજકોટના એન્જીનીયરીંગ ઉદ્યોગને ખેતી માટેના નવા સાધનો બનાવવા અને દેશને નવી દિશા આપવા સિમાચિન્હરૂપ બનવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યું હતું. કચ્છના ખેડુતોની મહેનતને પણ બિરદાવી હતી.

  આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ આજી ડેમમાં નર્મદાનીરને રૂા.૩૮૫ કરોડના કામ સહિત ન્યારી-૧ જળાશયની ક્ષમતા વધારવાના રૂા.૫૪ કરોડના  તથા આજી અને ન્યારી ડેમને અંડરગ્રાઉન્ડ જોડતી રૂા.૨૪.૯૨ કરોડના ખર્ચે બનીલી ૧૬.૫ કિલોમીટર લાંબી એકસપ્રેસ ફીડર લાઇનનું ડિજીટલ લોકાર્પણ કર્યું હતું.

  રાજકોટ શહેરની સમસ્યાઓનું નિરાકરણ સુચવવા માટેની ‘‘સ્માર્ટ રાજકોટ હોકાથોન-૨૦૧૭’’ વેબસાઇટનું પણ વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે લોન્ચીંગ કરાયું હતું. સ્માર્ટફોનમાં આ મોબાઇલ એપ ડાઉનલોડ કરી વિવિધ ઇજનેરી શાખાના છાત્રો તેમના મંતવ્યો સુચવી શકશે. જે પૈકીના શ્રેષ્ઠ ઉકેલને ન્યાયાધીશોની ટીમ દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિદેશ પ્રવાસના થાકની પરવા કર્યા વિના રાજકોટ આવી પહોંચેલા વડાપ્રધાનશ્રીની પ્રતિબધ્ધતાની સરાહના કરી હતી. રાજકોટ સાથેના વડાપ્રધાનશ્રીના સંસ્મરણોનું સંધાન પણ શ્રી રૂપાણીએ સ્થાપિત કર્યું હતું તથા પાણી પ્રશ્ને વર્ષોથી અગવડ ભોગવતી પ્રજાની હાલાકી આયોજન-બધ્ધ રીતે દુર કરવા બદલ વડાપ્રધાનશ્રીનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ખરા દિલથી આભાર માન્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ ‘‘સૌની’’ યોજનાની આંકડાકીય વિગતો ટાંકતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રના ૨૨ ડેમો, ૧૫૭ તળાવો તથા ૭૦૦ થી વધુ ચેકડેમો ભરાઇ ગયા છે તથા આવનારા દિવસોમાં ભાદર, ખોડિયાર, શેત્રુંજી, ઓઝત તથા હિરણ જળાશયો પણ ભરવામાં આવશે.

  આજી નદીમાં આવી પહોંચેલા નર્મદાના નીર સૌરાષ્ટ્રના વિકાસનું એક અગત્યનું સીમાચિન્હ પુરવાર થશે, એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો, જેને ઉપસ્થિતોએ તાળીના ગડગડાટથી વધાવી લીધો હતો.

  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે કહયું કે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી સૌની યોજનાનો પાયો નંખાયો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ‘‘સૌની’’ યોજનાનો પ્રથમ સમારોહ રાજકોટમાં જ થયો હતો તેમ કહી નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યોજના પુર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સાકાર થઇ છે તે રાજકોટવાસીઓ માટે આનંદની વાત છે. શ્રી નીતીનભાઇએ કેન્દ્ર સરકારે રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કર્યો છે તે અંગે પણ વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો.

  આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ કહયું કે, રાજકોટમાં નર્મદાના નીર આવતા અને આજી ડેમ ભરાતા ઐતિહાસિક અવસર સર્જાયો છે. યુ.પી.એ. સરકારે નર્મદા ડેમના દરવાજાને છ-સાત વર્ષ સુધી મંજુરી આપી ન હતી. વડાપ્રધાન બન્યા પછી શ્રી નરેન્દ્રભાઇએ દિવસોમાં જ મંજુરી આપી દીધી અને આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના નેતૃત્વમાં નર્મદાના દરવાજાનું કામ પુર્ણ થતાં દરવાજા બંધ કરવાનું વિરાટ કામ પુર્ણ થયુ છે. દેશમાં વિકાસનો યુગ ચાલી રહયો છે, તેમ કહી શ્રી રૂપાલાએ ઉમેર્યું કે સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર પહોંચી રહયા છે અને તેનાથી ખેતીના વિકાસ સાથે સમૃધ્ધિ આવશે. શ્રી રૂપાલાએ અંતમાં કહયું કે અગાઉ રાજકોટમાં પાણી માટે ટ્રેઇન આવતી, આજે નર્મદામૈયા આવ્યા છે તે સુવર્ણ અવસર છે.

  પુર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. સરદાર પટેલે જોયેલું સરદાર સરોવર યોજાનાનું સ્વપ્ન વડાપ્રધાનશ્રી મોદીએ પુર્ણ કર્યું હતું તે માટે ગુજરાતી તરીકે ગૌરવ લેવાની આ મહત્વની ઘડી છે. એમ શ્રીમતિ પટેલે સગૌરવ જણાવ્યું હતું અને ઉપસ્થિતોને પાણી બચાવવાનો સંકલ્પ લેવા પ્રેરિત કર્યા હતા.

  આ પ્રસંગે જળસંપતિ વિભાગના રાજયમંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ વાડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને ઉપસ્થિત જનમેદનીને આવકારી શાબ્દીક સ્વાગત કર્યું હતું.

  આ સમારોહમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રીશ્રી બાબુભાઇ બોખીરિયા, શ્રી ચીમનભાઇ સાપરીયા, શ્રી જયેશભાઇ રાદડીયા, આત્મારામભાઇ પરમાર, શ્રી જયંતિભાઇ કવાડીયા, શ્રી જશાભાઇ બારડ, શ્રી વલ્લભભાઇ વઘાસીયા,  રાજકોટના મેયરશ્રી જૈમનભાઇ ઉપાધ્યાય, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, સાંસદશ્રી વિઠલભાઇ રાદડીયા, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી નારણભાઇ કાછડીયા, સુશ્રી પુનમબેન માડમ, શ્રીદેવજીભાઇ ફતેપરા, શ્રીરાજેશભાઇ ચુડાસમા, રાજયસભાના સભ્યશ્રી ચુનીભાઇ ગોહેલ, શ્રી શંકરભાઇ વેગડ, શ્રી શંભુપ્રસાદ ટુંઢીયા સહિત સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

  Source: Information Department, Gujarat