Latest News

Union Minister Shri Kiren Rijiju inaugurates school of law, forensic justice and policy studies under NFSU in presence of CM

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજ્જુ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ, ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસશ્રીઓની ઉપસ્થિતી

  વર્તમાન સમયમાં ગૂનાના બદલાતા પ્રકાર સામે ટેકનોલોજીથી સુસજ્જ ટેકનો લીગલ એકસપર્ટ માનવબળ આ નવા અભ્યાસક્રમથી દેશને મળશે – :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

  જસ્ટીસ ડિલવરી સિસ્ટમમાં ટેકનોલોજીના ઉપયોગથી ‘‘ઈઝ ઓફ ગેટિંગ જસ્ટીસ સાથે જસ્ટીસ એટ  ડોર સ્ટેપ’’ ની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજ્જુ

  એન.એફ.એસ.યુ.ની કૌશલ્યતા-જ્ઞાન તજજ્ઞતાનો લાભ ગુજરાતના આંગણેથી દેશ આખાને મળતો થયો છે

  જ્યુડીશ્યરી-લેજિસ્લેચર-એકઝીક્યુટિવ ત્રણેય ક્ષેત્રો રાષ્ટ્રહિત-દેશહિત માટે સદૈવ કર્તવ્યરત્ છે – :કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજ્જુ

  મુખ્યમંત્રીશ્રી –

  • ફોરેન્સીક સાયન્સ અને કાયદાના સમન્વય સાથેનું પ્રોફશનલ એજ્યુકેશન ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા અસરકારક બનશે
  • પ્રધાનમંત્રીશ્રીના આગવા વિઝન થી સ્થાપયેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી માત્ર ૧૨ વર્ષમાં જ વિશ્વના દેશોમાં આગવી ઓળખ બની ગઇ છે
  • જી.એફ.એસ.યુ.ને ઇન્સ્ટીટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો એન.એફ.એસ.યુ. તરીકે ગૌરવમય દરજ્જો પ્રાપ્ત થયો છે

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્કુલ ઓફ લો – ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ ટેકનો લિગલ એક્સપર્ટ એવા ટેકનોલોજીથી સુસજ્જ  નિષ્ણાંતોનું માનવબળ દેશને પુરું પાડશે

  આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વર્તમાન સમયમાં ગૂનાના પ્રકારો બદલાયા છે ત્યારે ટેકનોલોજીના સમન્વયથી સાંપ્રત પડકારો ઝીલી લઇ ફોરેન્સીક સાયન્સ એન્ડ જસ્ટિસની મદદથી પૂરાવાઓ અદાલતોમાં રજૂ કરવામાં સરળતા થશે. આના પરિણામે ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપી બનશે.

  મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલી સ્કુલ ઓફ લો ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝના શુભારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

  ભારત સરકારના કાયદા-ન્યાયતંત્ર મંત્રી શ્રી કિરણ રિજ્જુએ આ નવનિર્મિત સ્કુલનો પ્રારંભ કરાવ્યો હતો

  આ અવસરે સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ જસ્ટીસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત વડી અદાલના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી જસ્ટીસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ, ન્યાયવિદો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આ સ્કુલ ઓફ લો-ફોરેન્સીક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા ‘ડેટા સાયન્સ એન્ડ લો’ ના સમન્વ્ય સાથેના અભ્યાસક્રમોથી પ્રોફેશનલ એજ્યુકેશન મળતું થવાથી ન્યાયિક પ્રક્રિયામાં પણ ભવિષ્યમાં ઝડપ આવશે.

  એટલું જ નહિ, ફોરેન્સીક સાયન્સની મદદથી પૂરાવાઓને અદાલતમાં રજૂ કરવામાં પણ સરળતા થશે અને ડિઝીટલ ફોરેન્સીકસ તથા સાયબર ગુનાઓને અટકાવવામાં એક સક્ષમ ઇકો સિસ્ટમ ઉભી થશે.

  શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર હોય તેવા આગવા વિઝનથી ૨૦૦૯માં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની પહેલ રૂપ શરૂઆત ગુજરાતમાં કરી હતી

  તેમણે ગૌરવસહ કહ્યું કે, આજે માત્ર ૧૨ જ વર્ષના ટૂંકા ગાળામાં આ યુનિવર્સિટીએ ૭૦ થી વધુ દેશોમાં આગવી ઓળખ ઉભી કરી છે. વિશ્વના દેશોના પોલીસ, ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રના અફસરો અહીં તાલીમ માટે આવતા થયા છે.

  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આ યુનિવર્સિટીને ઇન્સ્ટીટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો ગૌરવમય દરજ્જો ગૃહમંત્રીશ્રી અમિતભાઇના પ્રયાસોથી મળ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.

  આધુનિક ટેકનોલોજીની મદદથી થતા ગુનાઓના સંદર્ભમાં નવા નિયમોનું નિર્ધારણ અને તેનું પાલન પણ ચોકસાઈ પૂર્વક થવું જ જોઈએ તેમ જણાવતા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજુ એ કહ્યું કે ફોરેન્સિક ન્યાય અંગે જ્ઞાન આપવામાં અને ફોરેન્સિક ન્યાય સંબંધિત કાયદા નિષ્ણાતોના નિર્માણમાં આ નવનિર્મિત સ્કૂલ મહત્વનું યોગદાન આપશે.

  ઘણીવાર કેટલાક ચુકાદાઓમાં પુરાવાના સંદર્ભમાં ટેકનોલોજીના અભાવે વિલંબ થતો હોય છે.

  આ સ્કૂલના નિર્માણથી ડિજિટલ ફોરેન્સિક અને સાયબર બનાવોને અટકાવવામાં એક મજબૂત સિસ્ટમ ઉભી થશે પરિણામે ન્યાયિક પ્રક્રિયા પણ સરળ અને  ઝડપી બનશે આમ ઇઝ ઓફ ગેટિંગ જસ્ટિસની સંકલ્પના સાકાર થશે.

  આ યુનિવર્સિટી પાસે રહેલા દીર્ઘ વિઝનને હું જાણું છું તેમ જણાવી શ્રી રિજીજુએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને જરૂરી એવી તમામ સહાય ઝડપથી પૂરી પડાશે. NFSU ની કૌશલ્યતા – જ્ઞાન તજજ્ઞતાનો લાભ ગુજરાતના આંગણેથી દેશ આખાને મળતો થયો છે.

  દેશના અન્યો રાજ્યોને પણ આ ફોરેન્સીક યુનિવર્સિટીની સત્વરે મુલાકાત લેવાનું જણાવતા કહ્યું કે, ન્યુ ઈન્ડિયાની ન્યાયિક પ્રક્રિયાને વધુ ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવામાં આ સ્કૂલ મહત્વનો ફાળો આપશે.

  મંત્રી શ્રી રિજીજુ એ કહ્યું કે જ્યુડિસરી, લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ ત્રણેય ક્ષેત્રો રાષ્ટ્ર હિત માટે હંમેશા કાર્યરત છે.

  તેમણે ઉમેર્યું કે ન્યાયતંત્ર જે સલાહ સૂચન આપે છે તેની અમારે અમલવારી કરવાની હોય છે. આ અમલવારી સત્વરે થાય એ પણ જરૂરી છે ત્યારે આ યુનિવર્સિટી મદદરૂપ સાબિત થશે.

  આ પ્રસંગે ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, જ્યારે ટેકનોલોજી સાથે ગુનાઓ પણ વધી રહ્યા છે ત્યારે નોલેજ અને ટેકનોલોજી સાથે સમગ્ર સિસ્ટમે અપગ્રેડ થવું જરૂરી છે ત્યારે આ યુનિવર્સિટી વિવિધ અભ્યાસક્રમો થકી સમગ્ર સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે. આ યુનિવર્સિટીમાં ૨૦ થી પણ વધુ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યા છે જેના થકી દેશને ટેકનોલોજી યુક્ત માનવ સંસાધન પુરુ પડી રહ્યું છે.

  મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, આ સ્કૂલમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓ ન્યાય ક્ષેત્રે નેતૃત્વ કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. આપણી પાસે પૂરતું માનવ સંસાધન છે અને ટેકનોલોજી પણ છે. જરૂર છે માત્ર માનવ સંસાધનને ટેકનોલોજી યુક્ત બનાવી એક સુંદર ઇકોસિસ્ટમ તૈયાર કરવાની જે આ યુનિવર્સિટી કરી રહી છે.

  આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એમ. આર. શાહે કહ્યું કે, આજે રાષ્ટ્રને કાયદાકીય જ્ઞાન અને અભ્યાસ યુકત માનવબળની  જરૂર છે જે આ સ્કૂલ થકી પૂરી થશે. હવે કાયદા ક્ષેત્ર એક સ્પર્ધાત્મક ક્ષેત્ર બન્યુ છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ આવતીકાલના વકીલો છે, કાયદા સલાહકાર છે તેમ જણાવી શ્રી એમ.આર.શાહે ઉમેર્યુ કે, રાષ્ટ્ર હિતની જવાબદારી આ વિદ્યાર્થીઓના શિરે છે. રાષ્ટ્રની સામાન્ય પ્રજાના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ લાવવામાં આ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો મદદરૂપ થશે.

  ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે. એન. વ્યાસે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડીઝલ ભારતના નિર્માણ ને સાકાર કરવા યુનિવર્સિટીમાં ફોરેન્સિક ક્ષેત્રે અનેકવિધ નવીન પગલાં લઈ રહી છે.આ યુનિવર્સિટી પાંચ પ્રોગ્રામ સાથે શરૂ થઈ હતી અને આજે સિત્તેર પ્રોગ્રામ યુનિવર્સિટીમાં કાર્યરત છે.

  આ કાર્યક્રમમાં  ફોરેન્સિક યુનિવર્સિટી ના અધિકારીઓ, અધ્યાપકો, આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ. આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat