Latest News

India’s largest multi-model logistics park will be set up at Virochannagar, Sanand

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની નિર્ણાયકતામાં આજે એક વધુ મોરપિંછ ઉમેરવાનો યુગ શરૂ થયો છે.

  મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર વિસ્તારમાં અંદાજિત રૂ. પ૦ હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે.

  આ મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડશે.

  રાજ્ય સરકાર વતી આ MoU પર મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ SEZ લિ. ના CEO શ્રી કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા.

  આ પાર્ક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર તેમજ ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે સીધું જોડાણ ધરાવનારો અદ્યતન સુવિધાયુકત પાર્ક બનશે.

  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ આ પ્રોજેક્ટથી રાજ્યના લોજિસ્ટીક ખર્ચમાં માતબર ઘટાડો થશે. આ પાર્ક દેશના અગ્રણી ઓટો હબ અમદાવાદ સાથે તેમજ આવનાર સમયમાં ગુજરાતમાં ઉભા થનારા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો સાથે કનેક્ટિવીટી પૂરી પાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ બનશે.

  મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ 4.6 કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે, જેના પરિણામે અત્યંત મોટા માલવાહક વિમાનો કે જહાજોને હેન્ડલ કરી શકશે અને તેથી સ્થાનિક અને એક્સ્પોર્ટ માર્કેટ સાથે કનેક્ટિવીટી મળશે.

  આ પાર્કમાં રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે તેની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવીટી આપવામાં આવશે. 90 લાખ અહિં ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન વિકસાવવામાં આવશે, જે એર ફ્રેઈટ સ્ટેશન (4.5 મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાથી સજ્જ હશે.

  આ ઉપરાંત, આ પાર્કમાં 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર અને  લોજિસ્ટીક ક્ષેત્રે પ્રશિક્ષિત માનવબળ મળી રહે તે માટે એક અલાયદું સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે.

  આ પાર્કની સ્થાપના અંગેની તમામ જરૂરી કાયદાકીય મંજુરીઓ મળ્યા બાદ છ મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરીને તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતમાં અત્યંત ઝડપથી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને રાજ્યના બિઝનેસ-ઊદ્યોગો વિશ્વકક્ષાએ વધુ સ્પર્ધાત્મક બની રહ્યા છે ત્યારે આ પાર્કની સ્થાપનામાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાનું એક વધુ સિમાચિન્હ પ્રસ્થાપિત કરવાનો હેતુ છે.

  આ પાર્કમાં સ્થાપિત વેરહાઉસમાં  38 લાખ ચોરસ ફૂટમાં ટેક્સ્ટાઈલ, બલ્ક, ઈ-કોમર્સ અને બીટીએસ સુવિધાઓ; 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બોન્ડેડ વેર હાઉસીસ, 4 લાખ ગ્રેડ-એ પેલેટાઈઝ્ડ ફેસિલીટી અને 60,000 પેલેટ્સની ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ પેલેટાઈઝ્ડ ફેસિલીટી હશે. 3.3 લાખ ક્ષમતા સામે આ કન્ટેનર યાર્ડમાં ચાર હેન્ડલીંગ લાઇન સાાથેના ટીઈયુ (ટ્વેંન્ટી ફૂટ ઈક્વીવેલન્ટ્સ) હશે.

  આ ઉપરાંત, અન્ય કાર્ગો હેન્ડલિંગ આંતરમાળખામાં સ્ટીલ કાર્ગો યાર્ડ 4 લાખ મે.ટન, કાર યાર્ડ (30,000 કાર), એગ્રી સિલોસ (1 લાખ મે.ટન), પીઓએલ ટેન્ક ફાર્મ (3.5 લાખ કે.એલ) અને સીમેન્ટ સિલોસ (1 લાખ મે.ટન) સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.

  રાજ્યના કોમ્પ્રીહેન્સીવ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં અમદાવાદ મહાનગર મહત્વનું પ્રદાન કરે છે તથા અમદાવાદ નજીકના સાણંદમાં પાછલા બે દાયકામાં મોટાપાયે ઔદ્યોગિક વિકાસ થયેલો છે.

  છેલ્લા બે દશકમાં સાણંદમાં મોટા પાયે ઔદ્યોગિક વિકાસ થયો છે અને આ સમગ્ર વિસ્તાર દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી આવ્યો છે ત્યારે આ મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્કની સ્થાપનાથી સામાજિક-આર્થિક વિકાસના અનેક નવા અવસરો ઊભા થશે અને અમદાવાદ જિલ્લામાં મોટા પાયે રોજગારીનું સર્જન પણ થશે.

  Source: Information Department, Gujarat