ગુજરાતની પ્રજા અને સરકારની ક્ષમતા પર મને પૂરો ભરોસો છે : શ્રી નરેન્દ્રભાઇ મોદી
અતિવૃષ્ટિને કારણે મૃત્યુ થયું તેવા કિસ્સાઓમાં રાજ્ય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી રૂા. ૨ લાખની સહાય આપવાની જાહેરાત
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં આજથી વધુ ૧૦ હેલિકોપ્ટર્સ રાહત-બચાવ કામગીરીમાં જોડાશે
બચાવ કામગીરી વધુ તેજ ગતિએ હાથ ધરવા પ્રધાનમંત્રીશ્રીનો અનુરોધ :
ગુજરાત સરકારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને ટીમને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે ભારત સરકાર તરફથી ગુજરાત ડિઝાસ્ટર રીલીફ ફંડ માટે રૂા. ૫૦૦ કરોડથી વધુ રકમની તાત્કાલિક રાહત આપવાની જાહેરાત કરી છે. આજે ઉત્તર ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમદાવાદ હવાઇ મથકે તેમણે જણાવ્યું હતું કે, વિગતવાર સર્વે પછી જેટલી રકમની આવશ્યકતા હશે તેને ભારત સરકાર તત્કાલ પરિપૂર્ણ કરશે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા પર અને ગુજરાત સરકારની ક્ષમતા પર પૂરો ભરોસો છે. ગુજરાતના લોકો આપત્તિઓનો સામનો કરીને આગળ વધવાનું સારી રીતે જાણે છે. ગુજરાત પર આવી પડેલી આ કુદરતી આપત્તિનો સામનો કરીને તેને અવસરમાં પલટીને ગુજરાતની પ્રજા પ્રગતિ કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અતિવૃષ્ટિને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જે સહાય મળે તે ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. ૨ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ-પૂરમાં ઇજાગ્રસ્તોને રાજ્ય સરકારની સહાય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. ૫૦ હજારની સહાય અપાશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર વહીવટી તંત્રએ જે સત્વરે અને સંવેદનશીલતાથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે તે બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને સમગ્ર ટીમને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જે ગતિથી ગુજરાત સરકારે પરિસ્થિતિ સંભાળી છે તે અભિનંદનને પાત્ર છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગત એક અઠવાડિયાથી ગુજરાતના અનેક ભાગોમાં વર્ષાનું તાંડવ ચાલી રહ્યું છે. આજે મેં સ્વયં અહીં આવીને પરિસ્થિતિનો રીવ્યુ કર્યો છે અને સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી છે. ભારત સરકારની જે તે એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે તેની સાથે પણ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનું આકલન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આવતી કાલથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી વધુ તેજ ગતિએ હાથ ધરાશે. આવતી કાલથી ભારતીય વાયુ સેનાના વધુ ૧૦ હેલિકોપ્ટર્સ બચાવ કામગીરીમાં જોડાશે.
તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે લોકોના ઘરોમાં-દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, શહેરોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકશાનીના સર્વે માટે ભારત સરકારની શહેરી વિકાસ ટીમના અધિકારીઓ પણ રાજ્ય સરકારની ટીમો સાથે આકલનમાં જોડાશે. ગ્રામિણ વિસ્તારોમાં થયેલા નુકશાનીના સર્વે માટે ગ્રામિણ વિકાસ વિભાગમાંથી ટીમો આવશે. અસરગ્રસ્ત વિસ્તારો માટે ટૂંકાગાળાના અને લાંબાગાળાના જે પણ પગલાં લેવાની આવશ્યકતા હશે અને જે પણ મદદની જરૂર હશે તે તમામ તત્કાલ પહોંચાડવામાં આવશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિઓ વખતે સૌથી વધુ નુકશાન અને મુશ્કેલીઓ કિસાનોને પડતી હોય છે. ખેડૂતોને થયેલા નુકશાનના આકલન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે તત્કાલ રાહત મળે અને તેમને વિમાનો લાભ તાત્કાલિક આપી શકાય તેવી વ્યવસ્થા કરાશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અતિવૃષ્ટિમાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિજળી અને પાણી, જે તમામ ક્ષેત્રોમાં હાનિ થઇ છે તે તમામ ક્ષેત્રોમાં ભારત સરકારની પૂરતી મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારની તમામ એજન્સીઓ ગુજરાત સરકારની સર્વે ટીમો સાથે જોડાશે અને બનતી બધી જ સહાય પૂરી પાડશે.
બચાવ અને રાહત કામગીરીમાં ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક સંગઠનો પણ જોડાયા છે તેમને આવકારતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાહત બચાવ કામગીરીમાં સક્રિય થયેલી સામાજિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અતિવૃષ્ટિ પછી પશુ મૃત્યુ અને નાગરિકોના આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે બચાવ અને રાહત કાર્યોમાં જોડાયેલી તમામ એજન્સીઓને થોડું વધારે જોખમ લઇને રાહત-બચાવ કામગીરીમાં વધુ વેગવાન બનાવવા સૂચના આપી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ એરપોર્ટ પર જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી
શ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, મહેસુલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત કાર્યકારી મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, લશ્કર, એન.ડી.આર.એફ., વાયુદળના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
તેમણે સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ પાસેથી નુકશાનીનો ચિતાર મેળવ્યો હતો. મહેસુલ અગ્ર સચિવ શ્રી પંકજ કુમારે પ્રેઝેન્ટેશનના માધ્યમથી તા. ૨૦, જુલાઇથી ૨૪, જુલાઇ દરમિયાન રાજ્યમાં મેધ તાંડવે સર્જેલી તારાજી, પરિસ્થિતિનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.
Source: Information Department, Gujarat